ટ્રાફિક નિયમોને ઉલાળિયો કરવામાં અમદાવાદીઓ અવ્વલ, 55 દિવસમાં 43 કરોડનો દંડ ચૂકવ્યો…
55 દિવસમાં જ 6,54,651 મુસાફરો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા

Ahmadabad News: અમદાવાદવાસીઓ ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ મોટી સંખ્યમાં દંડાઈ રહ્યા છે. શહેર ટ્રાફિક પોલીસના તાજેતરના ડેટા મુજબ, વર્ષ 2025ના પ્રથમ 55 દિવસમાં અમદાવાદવાસીએ દરરોજ 79.76 લાખ દંડ ચૂકવ્યો હતો. ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ 6,54,651 મુસાફરો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા હતા. તેમની પાસેથી દંડ તરીકે 43.07 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. શહેરમાં દરરોજ સરેરાશ 12,123 મુસાફરોએ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો.
Also read : ગુજરાતમાં શિયાળાની વિદાય, ગરમી માટે તૈયાર રહેવાની આઈએમડીએ આપી ચેતવણી
હેલમેટ વગર વાહન ચલાવવા બદલ ચુકવ્યો સૌથી વધુ દંડ
હેલમેટ વગર ટુ વ્હીલર ચલાવવા બદલ શહેરીજનોએ સૌથી વધુ દંડ ચુકવ્યો હતો. આ ગુના બદલ 4,18,770 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. હેલમેટ વગર વાહન ચલાવતા લોકો પાસેથી 20.93 કરોડ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હેલમેટ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હોવા છતાં મોટી સંખ્યામાં લોકો હેલમેટ પહેર્યા વગર વાહન ચલાવતાં મળી આવ્યા હતા.
અમદાવાદમાં બેફામ ડ્રાઇવિંગ, ઓવરસ્પીડ અને રેસિંગ પણ ગંભીર ચિંતા તરીકે ઉભરી આવ્યા હતા. કુલ 57,482 લોકો પાસેથી આવા કારણોસર 10.07 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો. વરિષ્ઠ ટ્રાફિક પોલીસ અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું કે, શહેરના રસ્તાઓ પર જીવ જોખમમાં મૂકતા બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ રહેશે.
વર્ષના પ્રથમ 55 દિવસોમાં 4450 મુસાફરોને માન્ય લાઇસન્સ વિના વાહન ચલાવવા બદલ 1.02 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ઘણા જાગૃતિ અભિયાનો છતાં, પરિણામો ઓછા રહ્યા છે. ભય અને શિસ્ત જગાડવા માટે, અમારી પાસે કડક દંડ લાદવા સિવાય કોઈ વિકલ્પ નથી.
Also read : ગુજરાતમાં શિક્ષણ સેવા વર્ગ-1, 2 કેટલી જગ્યાઓ ખાલી છે? જાણો વિધાનસભામાં સરકારે શું કહ્યું
186 પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો
રસપ્રદ વાત એ છે કે, 10 ફેબ્રુઆરીના રોજ શરૂ કરાયેલી એક ખાસ ઝુંબેશમાં 186 પોલીસ કર્મચારીઓને હેલમેટ વિના વાહન ચલાવતા પકડવામાં આવ્યા હતા. તેમને 93,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વધુમાં, આ જ ઉલ્લંઘન બદલ 1652 નાગરિક પોલીસ વિભાગના કર્મચારીઓને 82.92 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.