ભારતની મહિલા હૉકી ટીમે કર્યું મોટું કામઃ જુઓ, શૂટઆઉટમાં કઈ ટીમને હરાવી…

ભુવનેશ્વરઃ સલિમા ટેટેના નેતૃત્વમાં ભારતની મહિલા હૉકી ટીમે આજે અહીં એફઆઇએચ પ્રો લીગ નામની ટૂર્નામેન્ટમાં અપસેટ સર્જયો હતો. ભારતીય ટીમે વર્તમાન ઑલિમ્પિક ચૅમ્પિયન નેધરલૅન્ડ્સની ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં 2-1થી હરાવી દીધી હતી.
Also read : Champions Trophy: BAN vs NZ મેચ દરમિયાન સુરક્ષામાં ચૂક, એક દર્શક છેક બેટર પાસે પહોંચી ગયો
બન્ને ટીમ વચ્ચેની મુખ્ય મૅચ 2-2થી ડ્રૉ રહ્યા બાદ શૂટઆઉટનો સહારો લેવો પડ્યો હતો જેમાં ભારતે વિજય મેળવીને સનસનાટી મચાવી દીધી હતી.
મુખ્ય મૅચમાં પિએન સેન્ડર્સે 17મી મિનિટમાં અને ફાય વૅન ડર એલ્સ્ટે 28મી મિનિટમાં ગોલ કરીને નેધરલૅન્ડ્સને 2-0થી સરસાઈ અપાવી હતી. જોકે ગોલકીપર સવિતા પુનિયાના ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સને લીધે નેધરલૅન્ડ્સની ખેલાડીઓ વધુ ગોલ નહોતી કરી શકી અને પછીથી ભારત વતી બે ગોલ થયા હતા એટલે મૅચ 2-2ની બરાબરીમાં થઈ ગઈ હતી.
35મી મિનિટમાં દીપિકાએ અને 43મી મિનિટમાં બલજિત કૌરે ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરીમાં લાવી દીધો હતો.
શૂટઆઉટમાં દીપિકા અને મુમતાઝ ખાને એક-એક ગોલ કર્યો હતો, જ્યારે હરીફ ટીમમાંથી ફક્ત મારિન વીન ગોલ કરી શકતા ભારતનો 2-1થી રોમાંચક વિજય થયો હતો.
આ બીજા તબક્કાનો મુકાબલો હતો અને પ્રથમ તબક્કામાં નેધરલૅન્ડ્સ સામે ભારતનો 2-4થી પરાજય થયો હતો.
15મી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ભારતીય ટીમ ત્રણ મૅચ જીતી છે અને પાંચ હારી છે.
Also read : Champions Trophy પર આતંકવાદી હુમલાનો ખતરો; વિદેશીઓનું અપહરણ થઇ શકે છે: સેના અલર્ટ પર
દરમ્યાન ગોલકીપર સવિતા પુનિયા 300મી મૅચ રમી એ નિમિત્તે તેનું સાથી ખેલાડીઓએ સન્માન કર્યું હતું. ભારતીય મહિલા હૉકી ખેલાડીઓમાં વંદના કટારિયા પછી સવિતા માત્ર બીજી એવી ખેલાડી છે જે 300 મૅચ રમી છે. ગોલકીપર્સમાં ભારતના પુરુષ હૉકી ખેલાડીઓની ટીમના પીઆર શ્રીજેશ પછી સવિતા બીજી ગોલકીપર છે જે 300 મૅચ રમી છે.