Champions Trophy 2025

ઑસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા મૅચ રદઃ જાણી લો…સેમિ ફાઇનલ માટે ગ્રૂપ `બી’માંથી હવે કોને કેટલો ચાન્સ છે

રાવલપિંડીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી યજમાન પાકિસ્તાનની ટીમ જ રેસમાંથી બહાર ફેંકાઈ જતાં પાકિસ્તાનમાં આ ટૂર્નામેન્ટ પ્રત્યે લોકોનો રસ અને ઉત્સાહ ઓછા થઈ ગયા છે ત્યાં હવે રાવલપિંડીમાં આજે ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચ વરસાદને કારણે ન રમાતાં મડાગાંઠ ગૂંચવાઈ ગઈ છે, કારણકે ગ્રૂપ બી'ની ચારેય ટીમો વચ્ચેની હરીફાઈ વધુ તીવ્ર બની છે.

ખાસ વાત એ છે કે આવતી કાલે (બુધવારે) ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મૅચ નૉકઆઉટ જેવી થઈ ગઈ છે અને એ મૅચમાં હારી જનારી ટીમ સ્પર્ધાની બહાર ફેંકાઈ જશે.

આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની હાર બાદ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા ભંગારના વ્યાવસાયિકની ધરપકડ…

ગ્રૂપએ’માંથી ભારત અને ન્યૂ ઝીલૅન્ડની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ બહાર ફેંકાઈ ગઈ છે. ભારત અને ન્યૂ ઝીલૅન્ડ સામે ગ્રૂપ `બી’માંથી સેમિ ફાઇનલમાં કોણ આવશે એ જાણવા માટે ક્રિકેટપ્રેમીઓએ હજી થોડા દિવસ રાહ જોવી પડશે.

વરસાદ પડતો જ રહ્યો, ક્લાસેનને થયો ફાયદો

આજે ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની મૅચમાં સતતપણે ઝરઝર વરસાદ પડતો રહેવાને કારણે ટૉસ પણ નહોતો થઈ શક્યો. ભારતીય સમય મુજબ બપોરે બે વાગ્યે ટૉસ થવાનો હતો, પણ વરસાદને લીધે ખૂબ રાહ જોવામાં આવી હતી. છેવટે ત્રણ કલાક અને 10 મિનિટ બાદ (5.10 વાગ્યે) મૅચ રદ અને અનિર્ણીત જાહેર કરાઈ હતી. ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 2023ના વર્લ્ડ કપની સેમિ ફાઇનલ પછીનો આ પહેલો જ મુકાબલો હતો જે થયો જ નહીં.

આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, પહેલા જ દાવમાં બે સદી અને બે સેન્ચુરી-પાર્ટનરશિપ

ટૉસ ન થતાં બન્ને ટીમોએ પોતપોતાની પ્લેઇંગ-ઇલેવન જાહેર ન કરવી પડી હોવાથી સાઉથ આફ્રિકાના હિન્રિક ક્લાસેનને ઈજામાંથી મુક્ત થવા વધુ ત્રણ દિવસ મળ્યા છે, કારણકે હવે સાઉથ આફ્રિકાની મૅચ શનિવારે ઇંગ્લૅન્ડ સામે રમાવાની છે.

ગ્રૂપ `બી’માં કોણ કેવી સ્થિતિમાં?

ગ્રૂપ `બી’માં ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાનનો સમાવેશ છે. સાઉથ આફ્રિકાની ટીમ ત્રણ પૉઇન્ટ અને +2.140ના રનરેટ સાથે મોખરે છે, જ્યારે ઑસ્ટ્રેલિયાના પણ ત્રણ પૉઇન્ટ છે અને +0.475ના રનરેટ સાથે બીજા સ્થાને છે. ઇંગ્લૅન્ડ (0 પૉઇન્ટ, -0.475નો રનરેટ) અને અફઘાનિસ્તાને (0 પૉઇન્ટ, -2.140નો રનરેટ) હજી જીતનું ખાતું નથી ખોલાવ્યું અને અનુક્રમે ત્રીજા-ચોથા સ્થાને છે.

આપણ વાંચો: શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ કેમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નથી? કારણો ખૂબ રસપ્રદ છે

કોને સેમિનો કેટલો ચાન્સ?

આજની ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચ ધોવાઈ ગઈ એને પગલે આ મુજબના સમીકરણો સર્જાયા છેઃ
(1) પહેલી ગ્રૂપ મૅચ જીતી ચૂકેલા ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જો અનુક્રમે અફઘાનિસ્તાન તથા ઇંગ્લૅન્ડ સામેની પોતપોતાની છેલ્લી ગ્રૂપ મૅચ જીતી જશે તો તેઓ સેમિ ફાઇનલમાં પહોંચી જશે અને અફઘાનિસ્તાન તથા ઇંગ્લૅન્ડની ટીમ સ્પર્ધાની બહાર થઈ જશે.

(2) ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની આવતી કાલની મૅચ નૉકઆઉટ મૅચ બની રહેશે. એમાં પરાજિત થનારી ટીમ બહાર થઈ જશે અને વિજેતા થનારી ટીમે પછીની મૅચની હરીફ ટીમને હરાવવી પડશે કે જેથી કરીને સેમિ ફાઇનલમાં સ્થાન પાક્કુ કરી શકાય.

(3) બીજી રીતે જોઈએ તો શુક્રવારની ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન મૅચ અને શનિવારની સાઉથ આફ્રિકા-ઇંગ્લૅન્ડ મૅચ ક્વૉર્ટર ફાઇનલ જેવી બની રહેશે.

(4) ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાને સેમિમાં પહોંચવા પોતપોતાની બાકીની બન્ને મૅચ જીતવી જ પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button