મીડિયા લિટરસિ નાગરિકોને સાચા-ખોટાનો ભેદ પારખતા શીખવતો આ જાગૃતિ કાર્યક્રમ કેટલો સફળ?

કેન્વાસ -અભિમન્યુ મોદી
મીડિયા લિટરસિ. આ શબ્દપ્રયોગ નવો લાગી શકે, પરંતુ આ કોઈ નવો ખ્યાલ નથી. હા, 2016થી આ કોન્સેપ્ટ-વિચાર વધુ ફેલાયો છે, જ્યારથી એક બિઝનેસમેન- હોટેલિયર અને વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવતો એક આદમી નામે ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાનો રાષ્ટ્રપતિ બન્યો. એના પર વુમનાઇઝર- વ્યાભિચારી હોવાના આક્ષેપ થયા છે. સત્ય આપણને ખબર નથી, પણ સાશિયલ મીડિયા અને મીડિયા હેન્ડલ કરીને જીતી ગયેલા ડોનલ્ડ ટ્રમ્પની જીત પછી દુનિયાને સમજાયું કે મીડિયામાં તથ્ય સાથે ચેડાં કરવા કેટલા સરળ છે. ફેક ન્યૂઝ તો આધુનિક સંસ્કૃતિનો ભાગ બની ગયો. ફેક ન્યૂઝ એક વૈશ્વિક ચિંતા બની ગઈ છે.
લોકો જે વાંચી રહ્યા હતા ને જોઈ રહ્યા હતા તેની વિશ્વસનીયતા પર અચાનક જ પ્રશ્ન ઉઠાવવા લાગ્યા છે. તાજેતરમાં માર્ક ઝુકરબર્ગે ‘ફેસબુક’ અને ‘ઇન્સ્ટાગ્રામ’ પર ફેક્ટ-ચેકિંગ પ્રોગ્રામ બંધ કરવાનો નિર્ણય લીધો. એમણે દાવો કર્યો કે લોકોએ ફેક્ટ-ચેકિંગની પ્રોસિજરમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે. ઘણા મીડિયા એક્સપર્ટ, અઈંના એક્સપર્ટ અને પત્રકારો ઝુકરના આ નિર્ણયને એક ખતરનાક પગલું માને છે. ખોટી માહિતી અનિયંત્રિત રીતે બધે ફેલાઈ રહી છે, જ્યારે વાસ્તવિક મુદ્દે વધુ ગહન છે.
શું આપણે ખરેખર બધું જ ફેક્ટ-ચેકિંગ કરી શકવાના છીએ? મીડિયા લિટરસિનો હેતુ લોકોને જે માહિતી ગ્રહણ કરે છે તેનું વિશ્ર્લેષણ અને અર્થઘટન કરવામાં મદદરૂપ થવાનો છે. મીડિયા લિટરસિ સૈદ્ધાંતિક રીતેઆપણને નકલી સમાચાર અને ખોટી માહિતી ઓળખવામાં મદદ કરશે. જોકે, મીડિયા પોતે પણ અમુક અંશે ખામીયુક્ત છે. મીડિયા પોતાના ઘણા પૂર્વગ્રહ અને છુપાયેલા એજન્ડા ઉપરાંત ચોક્કસ પ્રકારનું રિપોર્ટિંગ કરે છે. જૂજ અપવાદ સિવાય ઘણે ઠેકાણે સગવડિયો ધર્મ અપનાવવામાં આવ્યો હોય તે જોઈ શકાય છે.
અથવા તો અનુભવી શકાય છે. બ્રિટિશ વિદ્વાન બ્રાયન સ્ટ્રીટે દલીલ કરી હતી કે લિટરસિ હંમેશાં વૈચારિક હોય છે – તે ચોક્કસ ગ્લોબલ દૃષ્ટિકોણ દ્વારા આકાર પામે છે અને ઘણીવાર તેનો ઉપયોગ કોઈ ચોક્કસ દૃષ્ટિકોણને થોપવા કે અન્યને અવગણવા માટે થાય છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં વિશ્વ વિશેની આપણી સમજ મીડિયા આધારિત બની ગઈ છે. આપણે ફક્ત વાસ્તવિકતામાં જીવતા નથી- આપણે એક ‘મીડિયા રિયાલિટી’માં જીવીએ છીએ, જ્યાં બધું જ વાર્તા કે કહાની, અભિપ્રાય કે એજેન્ડા અને ક્યારેક તો વિકૃતિના દૃષ્ટિકોણથી પણ રજૂ કરવામાં આવે છે.
2022માં અમેરિકન હાઇસ્કૂલોમાં મીડિયા લિટરસિ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. જોકે, આની પહેલ ડેમોક્રેટિક રાજકારણીઓ દ્વારા કરવામાં આવી હતી અને સૌપ્રથમ ડેમોક્રેટિક રાજ્ય (ઇલિનોઇસ)માં અમલમાં મૂકવામાં આવી હતી તેથી ઘણા રિપબ્લિક્ધસે તેનો વિરોધ કર્યો. મીડિયા લિટરસિ પોતે જ રાજકીય યુદ્ધનું મેદાન બની શકે છે. ભારતમાં આવો કાર્યક્રમ શરૂ થાય તો કેવું ગંદું રાજકારણ ખેલાય?
ભારતની વાત કરીએ તો સખેદ કહેવું પડે કે સરકાર દ્વારા મીડિયા લિટરસિને મોટાભાગે અવગણવામાં આવી છે. કોવિડ-19ની મહામારી દરમિયાન, અધિકારીઓએ દાવો કર્યો હતો કે વાયરસ વિશે નિયમિત અપડેટ્સ આપીને એ લોકોને ‘મીડિયા-લીટરેટ’ બનાવી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો સરકારી દાવો હતો કે એ લોકો લોકોમાં મીડિયા વિશેની સાક્ષરતા વધારી રહ્યા છે જોકે, માળખાગત મીડિયા લિટરસિના કાર્યક્રમ ભારતમાં હજુ પણ દુર્લભ છે. કેટલીક સ્વતંત્ર સંસ્થાઓ લોકોને ખોટી માહિતી, ખાસ કરીને ઠવફતિંઆા દ્વારા ફેલાતા ફેક ન્યૂઝ વિશે શિક્ષિત કરવાનું કામ કરે છે ખરી, પરંતુ આ પ્રયાસો છૂટાછવાયા છે, જેથી એની અસર મર્યાદિત રહે છે.
બીજી તરફ, વિડંબના એ છે કે લોકો મીડિયા કેવી રીતે કામ કરે છે તે જેટલું વધુ સમજતા જાય છે તેટલો જ એના પર અવિશ્વાસ વધતો જાય છે. વિવિધ અભ્યાસ દર્શાવે છે કે વિશ્વભરના લોકોનો પત્રકારત્વમાં વિશ્વાસ ઘટી રહ્યો છે. મીડિયા લિટરસિ વિશ્વાસ પુન:સ્થાપિત કરવામાં મદદ કરશે એવું લાગે છે, પરંતુ તેના બદલે તે ઘણીવાર લોકોને વધુ શંકાસ્પદ બનાવે છે. કેટલાક વિદ્વાનો દલીલ કરે છે કે મીડિયા લિટરસિને નકારવી એ અમુક જૂથોનો એજેન્ડા જ છે. લોકો વધુ જાગૃત બને એ ઘણા જૂથને પસંદ નથી એવી આ દુનિયામાં જ્યાં મીડિયા સર્વત્ર છે, ત્યાં વિવિધ જ્ઞાનના ભંડાર ખૂલ્યા છે, પણ બધા સાચા નથી હોતા તેમ બધા ખોટા પણ નથી. આવી મૂંઝવણભરી સ્થિતિમાં ઘણા લોકો કે પત્રકારો સુદ્ધાને મેન સ્ટ્રીમ મીડિયા (મુખ્ય પ્રવાહના માધ્યમો)સામે ઘણા વાંધા છે.
આ બધા વચ્ચે સોશિયલ મીડિયાએ મીડિયા લિટરસિને વધુ જટિલ બનાવી દીધી છે. આજે, ટ્વિટર (હવે ડ ), ઇન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ જેવાં પ્લેટફોર્મ પર સમાચાર -મનોરંજન અને વ્યક્તિગત અભિપ્રાયની ભેળસેળ થઈ જાય છે. હકીકત અને મંતવ્ય વચ્ચે ભેદ પાડવો વધુ મુશ્કેલ બની ગયું છે. કોન્સ્પિરસી થિયરી(કાવતરુંનો સિદ્ધાંત) અને વૈજ્ઞાનિક માહિતી બંનેને એકસરખા જુસ્સા-વિશ્વાસ સાથે રજૂ કરવામાં આવે છે. ખાસ કરીને કોવિડ-19 રોગચાળા દરમિયાન આપવામાં આવતી ખોટી માહિતી વાસ્તવિક તબીબી સલાહ જેટલી સરળતાથી ફેલાઈ ગઈ હતી. આપણા સમાજની મીડિયા નિરક્ષરતા મીડિયાના સ્વભાવથી પ્રભાવિત છે. આદર્શ રીતે, મીડિયા સાક્ષરતા આપણને દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે, પરંતુ તેના બદલે, તે ઘણીવાર મૂંઝવણ ઊભી કરે છે. જેમ જેમ ડિજિટલ ટેકનોલોજી માહિતી, અભિપ્રાય અને મનોરંજનનું મિશ્રણ પીરસતી છે, તેમ તેમ સત્યને સ્માર્ટ રીતે બનાવેલા ફેક ન્યૂઝથી અલગ તારવાનું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે.