લાઈફ એન્ડ ડેથ ઑફ પાસોલિની જીવન વધુ બીભત્સ હતું કે મૃત્યુ?
આજીવન વિવાદાસ્પદ રહેલો પાસોલિની એટલા જ વિવાદાસ્પદ મોતે મર્યો

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
થોડા સમય પહેલાં એકટર સૈફ અલીખાનના ઘરમાં ઘુસેલા એક બાંગ્લાદેશી સાથે અડધી રાત્રે મારામારી થઇ. એ ઝપાઝપી દરમિયાન ફિલ્મી પરદે ડઝનબંધ ગુંડાઓને એકલે હાથે ઠેકાણે પાડતા આપણા બાવડેબાજ હીરોને પેલા બાંગ્લાદેશીએ છરીના છ જેટલા ઘા મારી દીધા. આમ છતાં, સૈફે એનો હિંમતભેર સામનો પણ કર્યો. એ પછીના ઘટનાક્રમથી બધા વાકેફ જ છે. બોલિવૂડમાં આવી કશીક ઘટના બને એની ચર્ચા દિવસો સુધી ચાલે. એટલું જ નહિ, પછી અનેક વિવાદાસ્પદ વાતો બહાર આવવા માંડે. ખરેખર શું બનેલું એની ખબર તો ઘટના સમયે હાજર લોકોને જ હોય.
ગ્લેમર વર્લ્ડ માટે આ પ્રકારની ઘટના પહેલી કે છેલ્લી નથી. ઇટાલિયન ફિલ્મ નિર્માતા પિઅર પાઉલો પાસોલિનીનો દાખલો જાણીતો છે. દાયકાઓ પછી પણ પાસોલિનીની હત્યા એક કોયડો જ બની રહી છે. પિઅર પાઉલો પાસોલિની એક જાણીતો ઇટાલિયન કવિ લેખક -નિબંધકાર – નાટ્યકાર ને ફિલ્મકાર પણ હતો. એણે કેટલીક ફિલ્મો પણ બનાવી. એના રાજકીય વિચારો ભારે ચર્ચાસ્પદ રહ્યા. સામ્યવાદની, સામાજિક ક્રાંતિની વાતો એ કરતો. સામ્યવાદી પાર્ટીનો કાર્યકર્તા હતો અને એ જમાનામાં પણ પોતે ગે (સજાતીય) હોવાની વાત ખુલ્લેઆમ સ્વીકારતો. જો ધાર્યું હોત તો `ક્રિએટિવ જીનીયસ’ તરીકે આખી દુનિયામાં મોટું નામ કમાઈ શક્યો હોત, પણ પોતાની જાતીય અવળચંડાઈઓને પ્રતાપે એ શક્ય ન બન્યું. ઊલટાનું અત્યંત બીભત્સ મોતે મર્યો. પાસોલિની 53 વર્ષ જીવ્યો. પાંત્રીસેક વર્ષે ફિલ્મો સાથે જોડાયો. ક્લાસિક ગણાતી અમુક કૃતિઓ પરથી એણે ફિલ્મો બનાવી, પણ પોતાની ફિલ્મોમાં જાતીયતાના નિરૂપણ બદલ ચર્ચાસ્પદ રહ્યો. એની સૌથી ચર્ચાસ્પદ ફિલ્મ એટલે “Salo, or 120 Days of Sodom.’ એ ફાસીવાદનો વિરોધી હતો. એની રાજકીય માન્યતા જે હોય એ, પણ આ ફિલ્મમાં એણે નગ્ન દૃશ્યો સહિતની જે બીભત્સતાનું નિરૂપણ કર્યું, એ જોઈને ગમે તેવા મોડર્ન વિચારધારા ધરાવતા માણસને ય રીતસર ઉબકા આવી જાય!
એક દિવસ આ અવળચંડા પાસોલિનીનું ખૂન થઇ ગયું. રેકોર્ડ્સ મુજબ 2 નવેમ્બર, 1975ના રોજ એને મારવામાં આવ્યો, પણ ડેડબોડીની હાલત એવી હતી કે રીઢા પોલીસવાળાય એ જોઈને હેબતાઈ ગયા હતા.! કોઈકે બહુ ક્રૂરતાપૂર્વક પાસોલિનીને પતાવી દીધો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ એના શરીરે બોથડ પદાર્થના ઘા મરાયા હતા, પણ હત્યારાઓને એટલાથી સંતોષ ન થયો એટલે ધાતુના પાઈપ વડે એના વૃષણો પર પ્રહાર કરાયો. એની જ કારમાંથી કાઢેલું ગેસોલીન છાંટીને મૃતદેહને સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરાયો હતો. આ બધું કરી લીધા બાદ આખરે હત્યારાએ પાસોલિના મૃત શરીર પરથી પાસોલિનીની જ કાર દોડાવી એના મૃતદેહને કચડી નાખ્યો ! જે બીભત્સ દૃશ્યો મનોરોગી પાસોલિનીએ પોતાની ફિલ્મમાં દેખાડ્યા હતા, કંઈક એવી જ બર્બરતાથી એના જીવનનો અંત આણી દેવામાં આવ્યો હતો !જોકે, પાસોલિનીને માર્યો કોણે? જ્યારે હત્યા આવી બર્બરતાપૂર્વક કરવામાં આવે ત્યારે હત્યારો પ્રોફેશનલ કિલર હોવાની શક્યતા ઘટી જાય છે. આટલું ઝનૂન અંગત વેરઝેરને કારણે જ પેદા થાય. પોલીસે એ જ રાત્રે એક સત્તરેક વર્ષના એક લબરમૂછિયાને ઓવરસ્પીડીંગ બદલ પકડી લીધો. ગેસપ પેલોસી નામનો એ તરુણ જે કાર હંકારી રહ્યો હતો, એ પાસોલિનીની હતી. બસ, પોલીસને તાળો મળી ગયો. પેલોસીએ પોતાનો ગુનો પણ કબૂલ કરી
લીધો. તરુણ વયના યુવાનો પ્રત્યેનું પાસોલિનીનું જાતીય આકર્ષણ પહેલેથી જ જાણીતું હતું એટલે લોકોએ પણ એક વત્તા એક બરાબર બેનો હિસાબ બેસાડી દીધો. નક્કી ગોબરા પાસોલિનીએ આ પેલોસી નામના છોકરા સાથે કંઈક ન કરવાનું કરવાની કોશિશ કરી હશે. એમાં પેલાએ પાસોલિનીને પતાવી દીધો. જોકે મૃતદેહની હાલત જોતા અમુક લોકો એ માનવા તૈયાર નહોતા કે સત્તર વર્ષનો છોકરડો ત્રેપન વર્ષના ખડતલ, રીઢા અને માર્શલ આર્ટના જાણકાર પાસોલિનીને આટલી ક્રૂર રીતે મારી શકે. 1976માં પેલોસી અને `અન્ય કેટલાક અજાણ્યા લોકો’ને ખૂન બદલ દોષી જાહેર કરવામાં આવ્યા. પણ કોર્ટે ફાઈનલ જજમેન્ટ આપતી વખતે નક્કર પુરાવાઓને અભાવે ચુકાદાના લખાણમાંથી `અન્ય કેટલાક અજાણ્યા લોકો’ શબ્દસમૂહ પડતો મૂક્યો. એકલા પેલોસીને નવ વર્ષની કેદની સજા થઇ.
ઠેઠ 2005માં વળી બે ઘટના બની. પાસોલિનીના એક સમયના સાથીદાર સર્જીઓ સીટ્ટીએ જાહેર કર્યું કે પાસોલિનીની હત્યા કેટલાક ખંડણીખોર લોકોએ કરી હોઈ શકે. પાસોલિનીની એક ફિલ્મની પ્રિન્ટ એ વખતે ચોરાઈ ગયેલી. ચોરોએ ફિલ્મના રીલ્સ પાછા આપવાના બદલામાં પાસોલિની પાસે તગડી રકમ માગેલી. પાસોલિની આ માટે મીટિગ કરવા પણ તૈયાર થયેલો, પણ પછી શું થયું, એ ખબર નથી. શું પેલા ખંડણીખોરોએ પાસોલિનીની હત્યા કરી હશે? પોલીસે સર્જીઓની વાત પછી કબાટમાં ધૂળ ખાઈ રહેલી પાસોલિની મર્ડર કેસની ફાઈલ ફરી ખોલી. એકાદ નજરે જોનાર સાક્ષી પણ મળી આવ્યો, જેણે પાસોલિનીને ઘસડીને લઇ જતા કેટલાક અજાણ્યા માણસોને જોયા હતા, પણ આટલા દાયકાઓ બાદ આ મામલે કોઈ નક્કર પુરાવો મેળવવો મુશ્કેલ હતો. આખરે અદાલતે સુનાવણી પડતી મૂકી.
બીજી ઘટના તો વળી ઓર ગૂંચવાડો સર્જી ગઈ. થયું એવું કે પેલો પેલોસી, જે ભરયુવાન ઉંમરે પાસોલિનીની હત્યા બદલ નવ વર્ષનો કારાવાસ વેઠી ચૂકેલો, એણે 2005માં જાહેર કર્યું કે પાસોલિનીની હત્યા મેં કરી જ નહોતી. પણ કેટલાક લોકોએ મને અને મારા પરિવારને ધમકાવ્યા, જેથી મારે જાણી જોઈને મર્ડર કેસમાં સંડોવાઈને ગુનો માથે ઓઢવો પડ્યો! મને અને મારા પરિવારને ધમકાવનારા લોકો દક્ષિણી ઇટાલિયન બોલી બોલતા હતા. પેલોસી દ્વારા થયેલી આ જાહેરાત બાદ કેટલાક લોકો એવું માનવા લાગ્યા કે પાસોલિનીની હત્યા જમણેરી ઝોક ધરાવતી દક્ષિણી ઇટાલિયન માફિયા ગેંગ દ્વારા કરવામાં આવી છે.
હવે આ બધામાં સાચું શું, એ તો મરનાર પાસોલિની અને એના હત્યારા જ જાણે. એક વર્ગ પાસોલિનીના મર્ડરને સંપૂર્ણપણે પોલિટિકલ ઘટના જ માને છે. જયારે બીજો વર્ગ અનિયંત્રિત ગે રિલેશન્સનો કણ અંજામ માને છે. હાલમાં કેટલાક લોકો ડીએનએ ટેસ્ટને આધારે કેસ રિ-ઓપન કરાવવાની કોશિશ કરી રહ્યા છે. એ બધું તો ચાલ્યા કરશે, પણ મૂળ વાત એ છે કે પાસોલિની જેવા માણસે જાતીય અવળચંડાઈઓ વગર માત્ર સિનેમાને વરેલું જીવન જીવ્યો હોત તો એનો વ્યક્તિગત ઇતિહાસ કંઈક જુદો અને ઘણો બહેતર હોત.