મધ્ય પ્રદેશમાં દર 45 કિલોમીટરે એક હેલિપેડ અને 150 કિલોમીટરે એક એરપોર્ટ બનાવવાની સરકારની યોજના

ઇન્દોરઃ રાજ્યની નવી નાગરિક ઉડ્ડયન નીતિ હેઠળ દર ૪૫ કિલોમીટરના ક્ષેત્રની અંદર એક પાકું હેલીપેડ અને દર ૧૫૦ કિમીએ એક એરપોર્ટ બનાવવામાં આવશે, એમ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન યાદવ મંગળવારે ભોપાલમાં ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ઇન્વેસ્ટ મધ્ય પ્રદેશ- ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના સંદર્ભમાં ઇન્દોરમાં ઉદ્યોગપતિઓ સાથેની વાતચીત દરમિયાન બોલી રહ્યા હતા.
યાદવના નેતૃત્વ હેઠળની કેબિનેટે મંગળવારે મધ્ય પ્રદેશ નાગરિક ઉડ્ડયન નીતિ-૨૦૨૫ને મંજૂરી આપી હતી. આ વિશે વાત કરતાં મુખ્ય પ્રધાને જણાવ્યું કે નીતિ અનુસાર રાજ્યભરમાં દર ૪૫ કિમીએ એક પાકું હેલિપેડ અને દર ૧૫૦ કિમીએ એક એરપોર્ટ બનાવવામાં આવશે.
આપણ વાંચો: ઉજ્જૈનથી નક્કી થશે વિશ્વનો સમય, સીએમ મોહન યાદવે રજૂ કરી યોજના
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર ઉડ્ડયન કંપનીઓને મધ્ય પ્રદેશને દેશના અન્ય રાજ્યો સાથે નવા રૂટના માધ્યમથી જોડતી દરેક નવી ડોમેસ્ટિક ફ્લાઇટ પર ૭.૫૦ લાખ રૂપિયા અને પ્રત્યેક નવી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર ૧૦ લાખ રૂપિયાની સબસિડી આપશે.
મુખ્ય પ્રધાને કહ્યું કે ઇન્દોર, ઉજ્જૈન અને ઓમકારેશ્વરને જોડવા માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે ટૂંક સમયમાં ટેન્ડર આમંત્રિત કરવામાં આવશે. યાદવના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળે રાજ્યની નવી સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(એમએસએમઇ) વિકાસ નીતિને પણ મંજૂરી આપી હતી.