ચેસના વર્લ્ડ ચૅમ્પિયન ગુકેશની જર્મન સ્પર્ધામાં આવી હાલત થશે એ કોઈએ નહીં ધાર્યું હોય!
ચેન્નઈનો ટીનેજ ખેલાડી નિરાશાજનક પર્ફોર્મ કરવા છતાં આટલા લાખ રૂપિયા કમાયો…

હૅમ્બર્ગ (જર્મની): ભારતનો 18 વર્ષનો ડી. ગુકેશ બે મહિના પહેલાં ચીનના ડિન્ગ લિરેનને પરાસ્ત કરીને ચેસ જગતનો સૌથી યુવાન વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો, પણ શુક્રવારે અહીંની મોટી સ્પર્ધામાં તેણે જે નબળું પર્ફોર્મ કર્યું એવું તો કોઈએ નહીં ધાર્યું હોય. તે અહીં ફ્રીસ્ટાઇલ ચેસ ગ્રેન્ડ સ્લૅમમાં છેક છેલ્લા નંબર પર રહ્યો હતો. એ સાથે, ગુકેશે એક પણ જીત વગર આ ચૅમ્પિયનશિપ પૂરી કરી હતી.
સાતમા સ્થાન માટેની પ્લે-ઑફમાં ગુકેશ અને ઇરાન-ફ્રાન્સના ગ્રેન્ડમાસ્ટર અલીરઝા ફિરોઉઝા વચ્ચેની બે તબક્કાવાળી હરીફાઈમાં પ્રથમ ગેમ ડ્રૉ રહી હતી, પણ બીજી ગેમમાં ગુકેશનો 30 ચાલમાં પરાજય થયો હતો અને આઠમા ક્રમ પર રહ્યો હતો. એક તબક્કે ગુકેશે ગણતરીની પળોમાં ક્વીન ગુમાવવી પડી હતી. પ્લે-ઑફના આઠ ખેલાડીઓમાં ગુકેશ છેક આઠમા સ્થાને રહ્યો હતો.
જર્મનીનો વિન્સેન્ટ કીમર આ સ્પર્ધા જીતવા માટે ફેવરિટ ગણાતો હતો અને પ્લે-ઑફના અંતિમ આઠ સ્થાનમાં તે મોખરે હતો. ફૅબિયાનો કારુઆના બીજા નંબરે અને વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસન ત્રીજા નંબરે હતો.
આપણ વાંચો: ચેસ ચેમ્પિયન ડી. ગુકેશ ઘરે પરત ફર્યા પછી ચેસ અંગે શું જણાવ્યું, જાણો?
ગુકેશ એક પણ ગેમ જીત્યા વિના પ્લે-ઑફના આઠ ખેલાડીઓમાં છેક છેલ્લે રહ્યો એમ છતાં તેને 20,000 ડૉલર (અંદાજે 17 લાખ રૂપિયા)ની રોકડ રકમ મળી હતી.
આ ટૂર્નામેન્ટ જીતનાર જર્મનીના વિન્સેન્ટ કીમરને બે લાખ ડૉલર (આશરે 1.73 કરોડ રૂપિયા)નું પ્રથમ ઇનામ અપાયું હતું.