India US Trade: ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર 500 અબજ ડોલર સુધી પહોચાડવાનો લક્ષ્યાંક
![India US Trade](/wp-content/uploads/2025/02/IndiaUSTrade-ezgif.com-resize.webp)
વોશિંગ્ટનઃ ભારત અને અમેરિકા આ વર્ષ સુધીમાં પારસ્પરિક રીતે ફાયદાકારક વેપાર કરારનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવા સહમત થયા છે. આ સાથે બંને દેશોએ 2030 સુધીમાં વાર્ષિક દ્વિપક્ષીય વેપાર 500 અબજ અમેરિકન ડોલર સુધી વધારવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચેતવણી આપી હતી કે અમેરિકા ભારત પર બદલો લેવા માટે ટેરિફ લાદવામાં અચકાશે નહીં.
ટ્રમ્પે ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓએ ટેરિફ સંબંધિત મુદ્દાઓ પર વ્યાપક રીતે ચર્ચા કરી હતી. આ બેઠક અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા અમેરિકાના તમામ વેપાર ભાગીદારો પર જવાબી ટેરિફ લાદવાની નીતિની જાહેરાત કર્યાના થોડા કલાકો પછી થઈ હતી.
આપણ વાંચો: અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે…
ટ્રમ્પ અને મોદીએ મુખ્ય ક્ષેત્રોમાં સંબંધોને વિસ્તૃત કરવા માટે ’21મી સદી માટે યુએસ-ભારત કોમ્પેક્ટ’ (લશ્કરી ભાગીદારી, ઝડપી વાણિજ્ય અને ટેકનોલોજી માટે તકોનું સર્જન) નામની એક નવી પહેલ શરૂ કરી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય સહકારના મુખ્ય સ્તંભોમાં પરિવર્તનશીલ ફેરફાર લાવવાનો છે.
વડા પ્રધાન મોદી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં ટ્રમ્પે જાહેરાત કરી કે તેઓ અને મોદી એક એવા કરાર પર સહમત થયા છે જે ભારતને અમેરિકા પાસેથી વધુ તેલ અને ગેસ આયાત કરવાની સુવિધા આપશે. જેનાથી ભારત સાથે અમેરિકાની વેપાર ખાધ ઓછી થશે. પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ભારત દ્વારા કેટલાક અમેરિકાના ઉત્પાદનો પર લાદવામાં આવેલી આયાત ટેક્સને “ખૂબ જ અન્યાયી” ગણાવ્યો હતો.
આપણ વાંચો: વડનગર અને ગુજરાતને નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કર્યુઃ અમિત શાહ
ગયા વર્ષે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ 130 અબજ ડોલર હતો અને ભારતની વેપાર ખાધ હાલમાં 45 અબજ ડોલરની આસપાસ છે. મોદીએ કહ્યું હતું કે, “આજે અમે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણાથી વધુ વધારીને 500 અબજ ડોલર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અમારી ટીમો ટૂંક સમયમાં પરસ્પર ફાયદાકારક વેપાર કરાર પૂર્ણ કરવા માટે કામ કરશે. તેમણે કહ્યું હતું કે, “અમે ભારતની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેલ અને ગેસ વેપારને મજબૂત બનાવીશું. ઊર્જા માળખાગત સુવિધાઓમાં પણ રોકાણ વધારવામાં આવશે.