સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં! 213 બેઠકો બિનહરીફ
![404 BJP workers contest for tickets for 96 seats](/wp-content/uploads/2025/01/404-BJP-workers-contest-for-tickets-for-96-seats.jpg)
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીએ યોજાશે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય,મધ્યસત્ર તથા સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ યોજવા 21 જાન્યુઆરીએ જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપે કયા દિગ્ગજ નેતાને સોંપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જવાબદારી?
5084 ઉમેદવારો મેદાનમાં
આ ચૂંટણીઓ સંદર્ભે 27 જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી સુધી કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા તે પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા હતાં. 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતાં. જ્યારે 213 બેઠકો બિનહરીફ થઈ હતી. તેમજ હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5084 ઉમેદવારો ચૂંટણી લડશે.
જૂનાગઢ મનપાની 8 બેઠકો બિનહરીફ
જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડોની કુલ 60 બેઠકો પૈકી વોર્ડ નં.3 તથા 14ની 8 બેઠકો પૂર્ણ બિનહરીફ થઈ હતી. બાકીના વોર્ડોની બાવન પર ચૂંટણી યોજાશે. આ માટે કુલ 157 ઉમેદવારો મેદાનમાં છે. અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.7, ભાવનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.3 તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.18ની પેટા ચૂંટણી હેઠળની ત્રણ બેઠકો પર કુલ 17 ઉમેદવારો હરીફાઇમાં છે.
66 નગરપાલિકાઓના 24 વોર્ડ બિનહરીફ
સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થઈ હતી. કુલ 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ થઈ હતી. જ્યારે 1677 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ બેઠકો માટે કુલ 4374 ઉમેદવારો હરિફાઇમાં છે. બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓના 18 વોર્ડ પૈકી 4 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા હતાં. કુલ 72 બેઠકો પૈકી 23 બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે 49 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ બેઠકો માટે 101 ઉમેદવારો હરિફાઇમાં છે.
પેટાચૂંટણીમાં કેટલી બેઠકો બિનહરીફ?
નગરપાલિકાની પેટા ચૂંટણી હેઠળની 21 બેઠકો પૈકી ૨ બેઠકો બિનહરીફ થઈ હતી. 19 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ 45 ઉમેદવારો હરિફાઇમાં છે. જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની 9 બેઠકો પૈકી 1 બેઠક બિનહરીફ થઈ હતી. 8 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ બેઠકો માટે 22 ઉમેદવારો હરિફાઇમાં છે. તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી હેઠળના 78 મતદાર મંડળો માટે 178 ઉમેદવારો હરિફાઇમાં છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની 91 બેઠકો પૈકી 12 બેઠકો બિનહરીફ થઈ હતી.