હાજી અલીથી મરીન ડ્રાઈવને જોડતો કોસ્ટલ રોડનો ઈન્ટરચેન્જ આર્મ ખૂલ્લો મુકાયો
![A view of the newly opened Haji Ali to Marine Drive interchange on Mumbai Coastal Road with active traffic.](/wp-content/uploads/2025/02/mumbai-coastal-road-haji-ali-interchange.webp)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં મહત્ત્વનો ઈન્ટરચેન્જ આર્મ (રસ્તો) જે હાજી અલી જ્યુસ સેન્ટરથી મરીન ડ્રાઈવને જોડે છે, તેને બુધવારે સવારના ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હવે બાન્દ્રા-વરલી સી લિંકને લોટસ જેટ્ટી-વરલી નાકા સાથે જોડતા છેલ્લા રોડને માર્ચના ત્રીજા અઠવાડિયામાં ખૂલ્લો મૂકવામાં આવે એવી શક્યતા છે. મુંબઈ કોસ્ટલ રોડ ૧૦.૫૮ કિલોમીટર લાંબો પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાન્દ્રા-વરલી સી લિંકના છેડા સુધી ફેલાયેલો છે. આ પ્રોજેક્ટમાં હાજી અલી, પેર રોડ (અમરસન્સ ગાર્ડન) અને વરલી સી ફેસ સહિતના મહત્ત્વના સ્થળોે મલ્ટી લેવર ઈન્ટરચેન્જ આપવામાં આવ્યા છે. જ્યારે પેડર રોડ ઈન્ટરચેન્જમાં ચાર એન્ટ્રી-એક્ઝિટ આર્મ આપવામાં આવ્યા છે, જ્યારે હાજી અલી ઈન્ટરચેન્ચમાં આઠ આર્મ આપવામાં આવ્યા છે. તો વરલી ઈન્ટરચેન્જમાં પાંચ આર્મ છે. હાજી અલી ઈન્ટરચેન્જનો આર્મ ખૂલ્લો મુકાયો તે પહેલા કોસ્ટલ રોડ પર પ્રવેશ કરવા દક્ષિણ તરફ જતા વાહનોને વરલીથી અથવા અમરસન્સ ઈન્ટરચેન્જ અથવા તો બાન્દ્રા-વરલી સી લિંકથી જવું પડતું હતું.
મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારી એમ.એમ. સ્વામીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે હવે એક માત્ર વરલીનો ઈન્ટરચેન્જ રસ્તો ખુલ્લો મુકવાનો બાકી છે, જે ઉત્તર તરફ જનારા વાહનોને માટે વરલીથી બાન્દ્રા-વરલી સી લિંકનું સીધું જોડાણ બની રહેશે. તેનું કામ અંતિમ તબક્કામાં છે ને અમે તેને આવતા મહિનામાં પૂરું કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. આ છેલ્લો ભાગ મુંબઈ કોસ્ટલ રોડનો મહત્ત્વનો ભાગ બની રહેશે અને માર્ચના ત્રીજા અઠવાડિયા સુધીમાં ટ્રાફિક માટે તે ખૂલ્લો મુકાશે.
અધિકારીએ વધુ માહતી આપતા કહ્યું હતું કે વાહનો માટે પાર્કિગની જગ્યાનું કસ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હોવાથી આ વાહનો માટે આ ઈન્ટરચેન્જ આર્મ ખુલ્લા મૂકવામાં વિલંબ થયો હતો. અગાઉ હાજી અલી ઈન્ટરચેન્જ પરનો રોડ ડિસેમ્બર ૨૦૨૪માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
Also read: કોસ્ટલ રોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટનઃ શિંદે-ફડણવીસ ‘હાજર’, અજિત પવાર કેમ ‘ગેરહાજર’?
કોસ્ટલ રોડને બાન્દ્રા-વરલી સી લિંક સાથે જોડતો બૉ-સ્ટ્રિંગ બ્રિજનો ઉત્તર તરફનો રસ્તો ટ્રાફિક માટે ૨૭ જાન્યુઆરી, ૨૦૨૫ના ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નવા રોડને કારણે બાન્દ્રા અને મરીન ડ્રાઈવ વચ્ચેની મુસાફરીનો સમય ૧૦થી ૧૨ મિનિટનો થઈ ગયો છે. કોસ્ટલ રોડ પ્રોજેક્ટ ઓક્ટોબર, ૨૦૧૮માં ચાલુ કરવામાં આવ્યો હતો અને તેનો કુલ ખર્ચ ૧૩,૯૮૩ કરોડ રૂપિયા હતો. પાલિકાના દાવા મુજબ આ રસ્તાને કારણે મુસાફરીનો સમય ૭૦ ટકા અને બળતણનો વપરાશ ૩૪ ટકા ઓછો થયો છે.