મહારાષ્ટ્ર

હોસ્ટેલમાં પિઝા ઑર્ડર કરવાની મનાઇ કારણ કે…..

પુણે ખાતેની એક લેડીઝ હોસ્ટેલમાં પીઝા મંગાવવા પર પ્રતિબંધનો એક અજબ કિસ્સો જાણવા મળ્યો છે. આ હોસ્ટેલમાં પીઝા ઓર્ડર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એના કારણોમાં એમ જણાવવામાં આવ્યું છે કે જો રાતના સમયે ફૂડ પોઈઝનની અસર થાય તો એવા કિસ્સામાં હોસ્ટેલની છોકરીઓને હોસ્પિટલમાં લઈ જવા માટે પૂરતી વ્યવસ્થા નથી. આપણે આ વિશે વિસ્તારથી જાણીએ. પુણેની એક સરકારી કન્યા છાત્રાલયના એક રૂમમાંથી એક ખાલી પીઝાનું બોક્સ મળી આવ્યું હતું. ત્યારબાદ આ છાત્રાલયના વડાએ તે રૂમમાં રહેતી છોકરીઓને એક મહિના માટે છાત્રાલયમાંથી બહાર કાઢવા માટે નોટિસ ફટકારી હતી. આ વિશે અહીં સ્ટુડન્ટ હેલ્પીંગ હેલ્થ નામની સંસ્થાએ હોસ્ટેલ પાસેથી સમજૂતી માંગી હતી જે મુજબ છાત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જો છોકરીઓને બહારનો ખોરાક ખાધા પછી ઝેરની અસર થાય છે અને તેઓ રાત્રે અસવસ્થતા અનુભવે છે તો છાત્રાલય પાસે વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં લઈ જવા માટે પૂરતી વ્યવસ્થા નથી.

છાત્રાલયના ગૃહપ્રમુખે જણાવ્યું હતું કે એક રૂમમાંથી ખાલી પીઝા બોક્સ મળી આવ્યું હતું. તેમણે આ રૂમમાં રહેતી ચાર વિદ્યાર્થિનીઓને આ અંગે પૂછ્યું હતું. આ ચારે વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે તેમણે પિઝાનો ઓર્ડર આપ્યો નથી. ત્યારબાદ છ ફેબ્રુઆરીના રોજ ગૃહપ્રમુખે આ વિદ્યાર્થીઓને નોટિસ જારી કરી હતી અને જણાવ્યું હતું કે જો 8 ફેબ્રુઆરી સુધીમાં ભૂલનો સ્વીકાર નહીં કરવામાં આવે તો વિદ્યાર્થિનીઓનો પ્રવેશ એક મહિના માટે રદ કરવામાં આવશે. આ દરમિયાન એક વિદ્યાર્થિનીને તેના માતા પિતા ઘરે લઈ ગયા હતા.

Also read: પુણેમાં ભારતનો પરચો, સિરીઝ જીતી લીધી…

તે સમયે બાકીની વિદ્યાર્થીનીઓએ સ્ટુડન્ટ હેલ્પીંગ હેન્ડ સંગઠન પાસે ફરીયાદ નોંધાવતા સંગઠનના પ્રમુખ કુલદીપ આંબેકરે હોસ્ટેલ પાસેથી આ અંગે સ્પષ્ટતા માંગી હતી, જેમાં હોસ્ટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્યને અસર ના થાય તે માટે બહારનો ખોરાક છાત્રાલયમાં લાવવા પર પ્રતિબંધ છે. હાલમાં ઉનાળો શરૂ થઈ રહ્યો છે એ એવા સમયે ખોરાક ઝડપથી બગડી જાય છે અને બહારનો ખોરાક ક્યારે બનાવવામાં આવ્યો તે અંગે કોઈ જાણકારી હોતી નથી. તેની ખાધ સામગ્રીઓ પણ હલકી ગુણવત્તાવાળી હોઈ શકે છે અને એનાથી વિદ્યાર્થીનીઓ માંદી પણ પડી શકે છે.

હાલમાં પુણે ખાતે GBS રોગનું પ્રમાણ વધુ વધી રહ્યું છે આ રોગ દૂષિત પાણી અને એના દ્વારા બનાવવામાં આવેલા ખોરાક ખાવાથી થઈ શકે છે. વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થાય અને રાત્રે મુશ્કેલી પડે તો હોસ્ટેલમાં ફક્ત એક મહિલા સ્ટાફ છે. આવી સ્થિતિમાં હોસ્ટેલમાંથી વિદ્યાર્થિનીને સમયસર હોસ્પિટલ લઈ જવા માટે પૂરતો સ્ટાફ નથી, જેને કારણે વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. જો કોઈ મહિલા ગાર્ડ પીડિત વિદ્યાર્થિનીની સાથે હોસ્પિટલમાં જાય છે, તો અન્ય વિદ્યાર્થિનીઓની સલામતીનો મુદ્દો ઉપસ્થિત થાય છે. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને હોસ્ટેલમાં બહારનો ખોરાક લાવવા અને ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, હોસ્ટેલે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ વિદ્યાર્થિનીને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવી નથી. એક વિદ્યાર્થિની તેના માતા પિતા સાથે ઘરે ગઈ છે અને તે પાછી પણ આવશે અને હોસ્ટેલ તેને લઇ પણ લેશે. જોકે, સ્ટુડન્ટ હેલ્પીંગ હેન્ડના પ્રમુખે આ બાબતને ઘણી શરમજનક ગણાવી હતી અને કહ્યું હતું કે હોસ્ટેલ દ્વારા આપવામાં આવેલો ખુલાસો ઘણો જ હાસ્યસ્પદ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button