સ્પોર્ટસ

મોટી ઉંમરની ઐસીતૈસી…રોહિતે રવિવારે નવા વર્લ્ડ રેકૉર્ડ સાથે એ સાબિત કરી દીધું

આટલી સેન્ચુરી 30 વર્ષની વય પાર કર્યા પછી ફટકારી એટલે બની ગયો વિશ્વ વિક્રમ, ગાંગુલીને પાછળ રાખી દીધો

કટકઃ ક્રિકેટમાં સામાન્ય રીતે ખેલાડી 30 વર્ષનો થાય ત્યાર બાદ તેનો પર્ફોર્મન્સ મંદ પડી જતો હોય છે અને મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમવાની તેની ક્ષમતા ઓછી થઈ જતી હોય છે, પરંતુ રોહિત શર્માના કિસ્સામાં ઊલટું બની રહ્યું છે.

છેલ્લાં થોડા મહિના દરમ્યાન બૅટિંગમાં ફ્લૉપ હતો, પરંતુ કમબૅકમાં મોટા ભાગે તે એવી ધાંસૂ ઇનિંગ્સ રમી લેતો હોય છે કે ટીકાકારોની બોલતી જ બંધ થઈ જતી હોય છે અને આ વખતે પણ એવું જ બન્યું. રવિવારની તેની સેન્ચુરી 30 વર્ષની ઉંમર પાર કર્યા પછીની બાવીસમી સેન્ચુરી હતી જે નવો વિશ્વવિક્રમ છે.

વાત એવી છે કે એપ્રિલમાં 38 વર્ષના થનારા રોહિતે 30 વર્ષની ઉંમર પાર કરી ત્યાર બાદ વન-ડેમાં કુલ બાવીસ સદી ફટકારી છે. તેણે વન-ડે ક્રિકેટની આ રેકૉર્ડ-બુકમાં શ્રીલંકાના તિલકરત્ને દિલશાન (21 સદી) અને સનથ જયસૂર્યા (21 સદી)ને પાછળ પાડી દીધા છે. રવિવાર પહેલાં દિલશાન અને જયસૂર્યા 30 વર્ષની ઉંમર વટાવ્યા બાદ સૌથી વધુ 21-21 વન-ડે સદી ફટકારનાર ખેલાડી હતા.

આપણ વાંચો: રોહિત શર્માએ સુનીલ ગાવસકર વિરુદ્ધ બીસીસીઆઇમાં ફરિયાદ કરી, જાણો શા માટે…

સ્વાભાવિક છે કે રોહિત પણ 21 સદી સાથે તેમની બરાબરીમાં જ હતો, પરંતુ રવિવારે સ્થિતિ સાવ બદલાઈ ગઈ અને રોહિત આ વિક્રમમાં સૌથી આગળ થઈ ગયો અને દિલશાન-જયસૂર્યા બીજા નંબરે ધકેલાઈ ગયા. આ લિસ્ટમાં રોહિતે સચિન તેન્ડુલકરને પણ પાછળ પાડી દીધો છે.

આ યાદીમાં કુમાર સંગકારા 19 સદી સાથે ત્રીજા સ્થાને, હાશિમ અમલા 16 સદી સાથે ચોથા ક્રમે અને રિકી પૉન્ટિંગ 15 સદી સાથે પાંચમા નંબરે છે.

રોહિત હવે બુધવારે અમદાવાદમાં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની છેલ્લી વન-ડે રમ્યા બાદ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમશે એટલે એમાં વધુ એકાદ-બે સેન્ચુરી ફટકારીને વિવેચકોને ઇશારામાં સમજાવી દેશે કે તેની તત્કાળ નિવૃત્તિની રાહ જોઈ રહ્યા છો તો એવું વિચારવાનું હવે બંધ કરી દેજો.

આપણ વાંચો: કોહલી અને રોહિત શર્મા માટે કપિલ દેવે પણ આપ્યું મહત્ત્વનું નિવેદન, બંને એટલા…

રોહિતે રવિવારે મેળવી બીજી ઢગલાબંધ મોટી સિદ્ધિઓઃ

(1) ભારતીય કૅપ્ટન તરીકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મૅચમાં ટીમ ઇન્ડિયાને વિજય અપાવનારાઓમાં રોહિત શર્માએ સૌરવ ગાંગુલીને પાછળ રાખી દીધો છે. લિસ્ટ આ મુજબ છેઃ એમએસ ધોની (179 મૅચમાં વિજય), વિરાટ કોહલી (137 મૅચમાં વિજય), મોહમ્મદ અઝહરુદ્દીન (104 મૅચમાં વિજય), રોહિત શર્મા (98 મૅચમાં વિજય) અને સૌરવ ગાંગુલી (97 મૅચમાં વિજય).

(2) કૅપ્ટન તરીકે રોહિતની રવિવારે 50મી વન-ડે હતી. એ 50માંથી 36 વન-ડેમાં ભારતે વિજય માણ્યો છે.

(3) રોહિત શર્મા વન-ડેમાં સુકાન સંભાળતી વખતે સૌથી ઊંચો વિન-પર્સન્ટેજ નોંધાવનારા કૅપ્ટનોમાં માત્ર ક્લાઇવ લૉઇડથી પાછળ છે. 50 કે વધુ વન-ડેમાં નેતૃત્વ સંભાળી ચૂકેલાઓમાં લોઇડની 76.19ની જીતની ટકાવારી સર્વશ્રેષ્ઠ છે, જ્યારે રોહિત 72.00ની ટકાવારી સાથે બીજા ક્રમે છે. રિકી પૉન્ટિંગ (71.73ની ટકાવારી) સાથે ત્રીજા નંબરે, હન્સી ક્રોન્યે (71.73) ચોથા નંબરે અને વિરાટ કોહલી (68.42) પાંચમા નંબરે છે.

(4) વન-ડે ઇન્ટરનૅશનલ્સમાં 300-પ્લસનો લક્ષ્યાંક ચેઝ કરતી વખતે સૌથી વધુ સેન્ચુરી ફટકારનારાઓમાં તે ઇંગ્લૅન્ડના જેસન રૉયની બરાબરીમાં થઈ ગયો છે. રૉયની જેમ રોહિતે પણ આવા પ્રકારના ચેઝમાં પાંચમી સદી ફટકારી છે. તેમનાથી માત્ર વિરાટ કોહલી (નવ સેન્ચુરી) સાથે આગળ છે.

(5) વન-ડેમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર ભારતીયોમાં રોહિત ત્રીજા નંબરે છેઃ વિરાટ કોહલી (50 સદી), સચિન તેન્ડુલકર (49 સદી) અને રોહિત શર્મા (32 સદી).

(6) વન-ડે મૅચોમાં ટાર્ગેટ ચેઝ કરતી વખતે સૌથી વધુ રન બનાવનાર વિશ્વભરના ખેલાડીઓમાં સચિન તેન્ડુલકર (8,720 રન) નંબર-વન અને વિરાટ કોહલી (7,857 રન) નંબર-ટૂ છે.

(7) વન-ડેમાં લક્ષ્યાંક ચેઝ કરવામાં સૌથી વધુ સેન્ચુરી ફટકારી ચૂકેલા વિશ્વભરના બૅટર્સમાં રોહિત ત્રીજા નંબરે છે. વિરાટ કોહલીની 50માંથી 27 સદી ટાર્ગેટ-ચેઝમાં નોંધાઈ છે, જ્યારે સચિનની 49માંથી 17 સદી લક્ષ્યાંક મેળવતી વખતે નોંધાઈ છે. રોહિતની 32માંથી 16 સેન્ચુરી ટીમ ઇન્ડિયાને ટાર્ગેટ ચેઝ કરવામાં ઉપયોગી બની છે.

(8) ભારતના 300-પ્લસના 10 સફળ ચેઝમાં રોહિતનું કુલ 787 રનનું યોગદાન રહ્યું છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી (11 મૅચમાં 998 રન) મોખરે અને જેસન રૉય (10 મૅચમાં 886 રન) બીજા સ્થાને છે.

(9) મર્યાદિત ઓવર્સમાં સ્ટ્રાઇક રેટ (દર 100 બૉલ દીઠ બનાવેલા રન) ખૂબ અગત્યનો હોય છે. વન-ડેમાં કૅપ્ટન તરીકે રોહિતનો 113.08નો સ્ટ્રાઇક-રેટ છે જે વિશ્વભરમાં બીજા સ્થાને છે. 50થી વધુ વન-ડેમાં સુકાન સંભાળ્યું હોય એવા કૅપ્ટનોમાં એકમાત્ર બે્રન્ડન મૅક્લમ (120.11નો સ્ટ્રાઇક-રેટ) તેનાથી આગળ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button