આમચી મુંબઈ

માઘી ગણેશોત્સવમાં પીઓપી મૂર્તિનું વિસર્જન થઈ શક્યું નહીં, જાણો કેમ?

મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિઓના વેચાણ અને વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે. મહાનગરપાલિકા વહીવટી તંત્રે, કોર્ટના આદેશને ધ્યાનમાં રાખી કુદરતી જળાશયોમાં ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા ગણેશ પંડાલો પર પ્રતિબંધ મૂકતા અનેક ગણેશોત્સવ મંડળોએ ગણેશ પ્રતિમાઓને પંડાલમાં પરત લાવી ઢાંકી દીધી હતી.

પંડાલમાં લાવવામાં આવેલી ગણેશ મૂર્તિઓનું શું કરવું એનો નિર્ણય મંડળોએ હજી નથી લીધો. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર પ્રતિબંધ હોવા છતાં, દર વર્ષે હજારો ગણેશ પંડાલો પીઓપીની મૂર્તિઓની સ્થાપના કરે છે. પર્યાવરણ માટે હાનિકારક હોવા છતાં, ઘણા લોકો પીઓપીની ગણેશ મૂર્તિ ઘરે પણ લાવે છે.

આ મામલાની ગંભીર નોંધ લેતા, બોમ્બે હાઈકોર્ટે મુંબઈ મહાનગરપાલિકાને 12 મે, 2020ના દિવસે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુધારેલી માર્ગદર્શિકા અનુસાર પીઓપી મૂર્તિઓ પરના પ્રતિબંધનો કડક અમલ કરવા નિર્દેશ આપ્યો હતો.

આપણ વાંચો: વેટલેન્ડ્સના જતન માટેની અરજી દાખલ કરી બોમ્બે હાઈ કોર્ટે

અદાલતે પાલિકાને પીઓપીની ગણેશ મૂર્તિઓના વેચાણ અને વિસર્જન પર પ્રતિબંધ મૂકવા પણ નિર્દેશ આપ્યો હતો. હાલ માઘી ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને અનેક લોકોએ ઘરે ઘરે તેમજ જાહેર મંડળોમાં ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરી છે.

જોકે અદાલતના આદેશ અનુસાર પાલિકાએ પીઓપીની ગણેશ મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો હોવાથી બોરીવલી અને કાંદિવલીના અનેક ગણેશોત્સવ મંડળો પીઓપીની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન નથી કરી શક્યા.

કેટલાક ભક્તો વિસર્જન માટે ગોરાઈમાં ગણેશની પીઓપીની મૂર્તિ લાવ્યા હતા. જોકે પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ અદાલતના આદેશની યાદ અપાવતા ભક્તો વિસર્જન કર્યા વિના જ ગણેશ મૂર્તિ પાછી લઈ ગયા હતા.

આપણ વાંચો: ટિકિટોના કાળાબજારને રોકવા માર્ગદર્શિકા માંગતી પીઆઈએલને બોમ્બે હાઈ કોર્ટે ફગાવી…

પશ્ચિમ ઉપનગરમાં કાંદિવલી અને આસપાસના વિસ્તારોમાં આવેલા કેટલાક મંડળોએ શુક્રવારે સાતમા દિવસે ગણેશ વિસર્જનની શોભાયાત્રા કાઢી હતી. વિસર્જન સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત અને અદાલતના આદેશને ધ્યાનમાં રાખીને મંડળોએ ગણેશ પ્રતિમાઓને પંડાલમાં પરત લઇ જઇ ઢાંકી દીધી હતી. દરમિયાન ચારકોપના રાજા સાર્વજનિક ગણેશ મંડળ સહિત કેટલાક અન્ય મંડળોની ગણેશ મૂર્તિઓને વિસર્જન વિના જ પંડાલમાં પરત લઇ જવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button