ચેમ્પિયન ટ્રોફીમાં સુરક્ષા માટે પાકિસ્તાનની સરકારે લીધો મોટો નિર્ણયઃ સેના અને રેન્જર્સનો ઉપયોગ કરવામાં આવશે
![Pakistan government takes big decision for security in Champions Trophy](/wp-content/uploads/2025/02/PakistangovernmenttakesbigdecisionforsecurityinChampionsTroph-ezgif.com-resize.webp)
લાહોરઃ પાકિસ્તાન સરકારે દેશમાં આગામી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે સુરક્ષા વધારવા માટે સેના અને અર્ધલશ્કરી રેન્જર્સના ઉપયોગ કરવાને મંજૂરી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેડરલ કેબિનેટે મેગા ઇવેન્ટ માટે કડક સુરક્ષા યોજનાને મંજૂરી આપી છે જેમાં સેના અને રેન્જર્સનો ઉપયોગ થશે.
19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટુર્નામેન્ટ માટે લાહોર, કરાચી અને રાવલપિંડીના મેદાનો અને ટીમ હોટેલમાં સુરક્ષા પૂરી પાડવા માટે સરકારે કમાન્ડો યુનિટ સહિત 10,000થી વધુ પોલીસકર્મીઓને તહેનાત કરી દીધા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચેરમેન મોહસીન નકવી દેશના ગૃહ મંત્રી પણ છે. તેઓ ટૂર્નામેન્ટની તમામ સુરક્ષા વ્યવસ્થાનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરી રહ્યા છે.
આપણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાંના રિહર્સલમાં ન્યૂ ઝીલૅન્ડ સામે હાર્યું પાકિસ્તાન
ભારતે સુરક્ષાના કારણોસર ટુર્નામેન્ટ માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યો હતો. ટીમ તેની બધી મેચ દુબઈમાં રમશે. બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે નકવીએ સુરક્ષા સાથે સમાધાન કર્યા વિના મેચો માટે સ્ટેડિયમમાં દર્શકોના સરળ પ્રવેશને સુનિશ્ચિત કરવાના શ્રેષ્ઠ માર્ગ પર વરિષ્ઠ સુરક્ષા અને કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી.
સૂત્રએ જણાવ્યું હતું કે આઇસીસી ઇવેન્ટની સુરક્ષા પૂરી પાડવા માટે ચોક્કસ સંખ્યામાં લશ્કરી અને અર્ધલશ્કરી દળોના કર્મીઓને તૈનાત કરવામાં આવશે.