સર્જકના સથવારે : પ્રતિભાવંત સર્જક જમિયત પંડયા ‘જિગર’

-રમેશ પુરોહિત
જયાં થયું આપણી ઊર્મિઓનું મિલન રાગિણી ચોતરફ નૃત્ય કરતી રહી તેં લટોને વિખેરી તો તારા ખર્યા ચાંદ હસતો ગયો, રાત શરમાઈ ગઈ ગુજરાતી ગઝલને હર હાલમાં જીવતી રાખવા માટે શરૂઆતના ગઝલકારોએ જે સંઘર્ષ કર્યો હતો, તેનોm ઇતિહાસ લખવામાં આવે તો અનેક ભેખધારીઓનાં નામ સામે આવશે. ચડતી-પડતી તો આવે, પણ અપમાન, અવહેલના, ઉપેક્ષા અને અવમાનના સામે સતત અણનમ રહીને ગઝલને લોકો સુધી પહોંચાડવામાં જેમણે ખમીર અને ખુમારી દાખવ્યાં છે. તેમાં મોખરાનું એક નામ છે જમિયતરામ કૃપાશંકર પંડયા. ભાતીગળ અને બહુમુખી પ્રતિભા ધરાવતા જમિયત પંડયાએ ઉપનામ-તખલ્લુસ ‘જિગર’ રાખ્યું હતું.
ફારસી, ઉર્દૂ અને સંસ્કૃતના પ્રખર પંડિત ઉર્દૂ ગઝલો અને ઉર્દૂની તેહઝીબ સમજીને એ રંગને ગુજરાતી ગઝલમાં ઓતપ્રોત કર્યો. પિતા અને માતા બન્ને કવિજીવ. આમ જમિયત પંડયા પિતૃપક્ષ અને માતૃપક્ષ બન્ને તરફથી કવિતાનો વારસો પામ્યા હતા. જન્મ તારીખ અને વર્ષ વિશે જુદી જુદી નોંધ મળે છે, પણ કવિશ્રી જનાબ જલન માતરીએ નોંધ્યું છે તે પ્રમાણે એમનો જન્મ ખંભાતમાં 10મી ઑગસ્ટ 1908માં થયો હતો અને મૃત્યુ 28મી માર્ચ 1990માં થયું હતું. છ દાયકા ગઝલની અને શબ્દની આરાધના કરી. નવલકથા, વાર્તા, ચરિત્ર, ગઝલ અને અનુવાદ એમ વિવિધ શાખાઓમાં અક્ષરની ઉપાસના કરી. એમની મુખ્ય ઓળખ ગઝલકાર તરીકેની રહી છે. જમિયતભાઈએ કારકિર્દી પત્રકાર તરીકે શરૂ કરી હતી. એ વખતે પ્રગટ થતા ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં રિપોર્ટર હતા અને સદ્ભાગ્ય એવું કે બાપુના સાન્નિધ્યમાં રહીને ઐતિહાસિક ‘દાંડીકૂચ’નું રિપોર્ટિંગ કર્યું હતું.
જમિયતભાઈએ 1935માં ‘નવપ્રભાત’ માસિક શરૂ કર્યું અને આઝાદી સંગ્રામના નવજુવાળમાં પ્રાણ પૂર્યા. શયદા સાહેબને ગઝલગુરુ સ્વીકાર્યા. ગઝલ યાત્રાના પ્રથમ પડાવમાં ‘જામોમીનાં’ અને ‘રંગેહીના’ નામે ગઝલસંગ્રહો પ્રગટ કર્યા. પ્રથમ નવલકથા ‘કમનશીબનું કિસ્મત’ 1935માં આવી. એમનું પ્રથમ કાવ્ય ગુલબંડી છંદમાં લખાયું હતું. ગુજરાતીમાં ઉર્દૂ જેવી ગઝલ લઈ આવ્યા. અનેક વાર્તાસંગ્રહો, જીવનચરિત્ર, વરદાન ગઝલસંગ્રહ, નઝમ-મુકતકનો સંગ્રહ ઝાળ અને ઝાકળ. અન્ય કવિઓનાં મુક્તકોનો સંગ્રહ નજરાણું આપ્યો. ઉર્દૂ અને ગુજરાતી ગઝલની ઉત્પત્તિ અને વિકાસના બે ગ્રંથો પ્રગટ કર્યા અને ગઝલનું છંદશાસ્ત્ર એમ ત્રીસેક પુસ્તકો લખ્યાં છે. તાજ ખંડકાવ્ય એમનું વિશિષ્ટ પ્રદાન છે.
પરભાષાની ઉત્તમ લાગતી કૃતિઓને ગુજરાતીમાં અવતારવાનું સુંદર કામ એમનું કવિકર્મ દાખવે છે. બધાએ જોયેલા-જાણેલા અને અન્ય કવિઓએ વર્ણવેલા વિષયો રસભાવ વગેરેનાં અવનવાં નિરૂપણને કારણે, વસંતમાં ખીલી ઊઠતાં વૃક્ષોની માફક, શોભી ઊઠે છે જે ગુજરાતી ગઝલ-સૃષ્ટિને અમુક પ્રકારે લાગુ પડે છે.
આપણા અગ્રગણ્ય વિવેચક રામપ્રસાદ બક્ષીએ સાચ્ચે જ કહ્યું છે ગઝલ અનેકવિધ વિષયોમાં વિસ્તર્યા છતાં, પોતાનો મૂળ મિજાજ લાંબા સમયથી જાળવી રાખવા સક્ષમ બની છે અને અવનવી લીલાથી પાંગર્યા કરી છે. એમની ગઝલોમાં બે સંસ્કૃતિઓનો અને બે ભાષાઓનો સમન્વય કદાચ બીજાઓથી વધારે પ્રમાણમાં થતો જણાશે. વારસામાં સંસ્કૃતનું અધ્યયન, વેદશાસ્ત્રનોે અને વેદકનો ઊંડો અભ્યાસ એમની ગઝલોમાં દેખાય છે. એક ગઝલનું શીર્ષક ‘અનલહક’ છે તો તેના જેવું જ સંસ્કૃતનું શીર્ષક ‘એકોઽહં બહુસ્યામ્’છે.
ગઝલમાં દરેક શેરનું ભાવવિશ્વ અને વિષય બદલાય છે, પણ અમુક વિશિષ્ટ ભાવથી વાચકને પ્રભાવિત કરી શકે છે. પ્રતીકો બદલાય, પણ દરેક પ્રતીક અમુક અભિપ્રેત ભાવનો સંસ્કાર મૂકતું જાય અને સમગ્ર ગઝલ વાંચતાં એ ભાવના સંસ્કારો સમન્વિત થાય. જમિયત પંડયાની જુદી જુદી ગઝલોમાં આવો અનુભવ થાય છે. એમની ગઝલોમાં વ્યાપક ભાવ અધ્યાત્મ છે, ખુમારી છે અને ઝિંદાદિલી છે. એમની કૃતિઓમાં ફારસી, ગુજરાતી, ઉર્દૂ, સંસ્કૃતની રંગસભર રંગોળી છે અને બારીક નકશીકામની મીનાકારી છે. સાથી શાયરોને કંઈક નવીન, કંઈક નોખું લખવાની શીખ આપે છે, સાથે સાથે શું લખવું તેનો ઈશારો પણ કરે છે:
હવે તો વાસ્તવિક જીવનની કૈં ઝાંખી કરાવી દ્યો મદિરા જામને તોડો, સુરાહીને ફગાવી દ્યો સમયનો સાદ હો એવી ગઝલ મિત્રો! સુણાવી દ્યો જીવનના પંથમાં આશા તણા દીપક સજાવી દ્યો નવા સંદેશથી શેઅરો સુખન ઝગમગાવી દ્યો નવી દૃષ્ટિ, નવું ચેતન, નવી ઊર્મિ વહાવી દ્યો.
જમિયત પંડ્યાની બહુવિધ અને બહુશ્રુત જીવનયાત્રાના અનેક મુકામો આવ્યા. ચડતી-પડતી પણ જોઈ, પણ સર્જનની ધૂણી હંમેશાં ધખતી રાખી હતી. એમના થોડાક લોકપ્રિય શેર અને મુક્તક માણીએ:
પતંગાની માફક અમે આંખ મીંચી
નથી ઝંપલાવ્યું દીપક પર, પરંતુ,
વિરહ આગને જાળવી ધીરે ધીરે
સીઝાતાં સીઝાતાં શહાદત કરી છે
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો
ઓ મુસીબત! એટલી ઝિંદાદિલીને દાદ દે
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો
નવરાશ મેળવીને ફરી આવજે મરણ!
તારે ય હશે કામ ને મારે ય કામ છે
લાચાર છું હું આજ તને આવકારવા
છે નામ એનું હોઠ પર, પકડેલ જામ છે
તું દેવતા મટીને શું પથ્થર બની ગયો?
ઉત્તર તો આપ, કેમ નિરુત્તર બની ગયો?
સોદા ય થાય છે અહીં તારા જ નામ પર
બેકાર પૂજારી તણું વળતર બની ગયો ?
તું ખુદ બની ગયો કે બનાવ્યો તને અમે?
છે એ જ પ્રશ્ન પ્રશ્નનો ઉત્તર બની ગયો !
ભરી વસંતમાં જીવન-સુહાગ સળગે છે
હસે છે ફૂલ પરંતુ પરાગ સળગે છે
હજીય કૃષ્ણ ને રાધાના નામની ઓથે
કવન રચાય છે, ફાગણના ફાગ સળગે છે
તમારું આજનું વર્તન અને ગઇકાલની વાતો
જરા તો હોશ સંભાળો, કથાનક સાર બદલે છે
‘જિગર’, તું કયા સુધી સંજોગને આધીન થૈ રે’શે?
બદલનારા કદી લાચાર થઈ કિરતાર બદલે છે
જયાં થયું આપણી ઊર્મિઓનું મિલન
રાગિણી ચોતરફ નૃત્ય કરતી રહી
તેં લટોને વિખેરી તો તારા ખર્યા
ચાંદ હસતો ગયો, રાત શરમાઈ ગઈ
આવો, ફરીને એક વાર આવો તો આવકાર છે
વર્ષોથી વાટ જોઉં છું, સૂનાં હૃદયનાં દ્વાર છે;
આવો ને ઝણઝણાવી લ્યો નયતી નયનની ફેરવી;
એની એ દિલ-સિતાર છે એના એ તારે તાર છે.
હવા થઈ બંસરી શ્વાસોની શું ગાઈ રહી છે
કિરણ થઈને યુવાની કેમ વળ ખાઈ રહી છે!
ગગન કોનો દુપટ્ટો થઈ ગયું છે આજ સાકી!
ઘટા કોની બનીને ઝુલ્ફ લહેરાઈ રહી છે !
ન પામ્યો ફૂલોની સરસતા કે સૌરભ
દીપકથી મળ્યું ના જીવન-માર્ગદર્શન
ફકત એ અનુષ્ઠાનના દંભ પાછળ
ભર્યું છે ખરેખર પૂજાનું પ્રદર્શન!