અંધેરી નગરીને…: છ મહિના પૂર્વે મૃત્યુ પામેલા શિક્ષકને સોંપી એક નહીં બે મહત્ત્વની જવાબદારી…
નાગપુર: અંધેરી નગરી ને ગંડુ રાજા કહેવત તાજેતરમાં નાગપુરમાં બનેલા એક કિસ્સાને લાગુ પડે છે, જેમાં છ મહિના પૂર્વે મૃત્યુ પામનારા શિક્ષકને એક નહીં, પરંતુ બબ્બે સ્કૂલમાં પરીક્ષક તરીકે નિમણૂક કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
છ મહિના પહેલા હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા શિક્ષકના નામે પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવા માટે નાગપુર બોર્ડે એક નહીં પરંતુ બે શાળાઓમાં બાહ્ય પરીક્ષક તરીકે નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે. સંબંધિત શિક્ષક હયાત નથી એ વિશે સંબંધિત શાળાએ બોર્ડને જાણ કર્યા પછી પણ બોર્ડે મૃત શિક્ષકના નામે આદેશ જારી કર્યો છે. તેથી, બોર્ડના વિચિત્ર સંચાલન વિશે વ્યાપક ચર્ચા થઈ રહી છે. ગોંદિયા જિલ્લાના સાલેકસા સ્થિત જાનકીબાઈ વિદ્યાલયના શિક્ષક મિલિંદ પાંચભાઈનું છ મહિના પહેલા હાર્ટ એટેકથી અવસાન થયું હતું.
વધુ માહિતી એ છે કે દર વર્ષે, બોર્ડની લેખિત પરીક્ષા પહેલાં સ્કૂલમાં વિજ્ઞાનની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવે છે. આ માટે, બીજી સ્કૂલના વિજ્ઞાન શિક્ષકને કોઈપણ એક શાળામાં બાહ્ય પરીક્ષક તરીકે મોકલવામાં આવે છે.
સંબંધિત શાળાએ શિક્ષકના મૃત્યુની માહિતી તાત્કાલિક બોર્ડને મોકલી આપી હતી. ઉપરાંત, મિલિંદ પાંચભાઈનું નામ યાદીમાં ન મોકલવામાં આવ્યું હોવા છતાં, મૃતક શિક્ષકને દસમાની પ્રેક્ટિકલ પરીક્ષા માટે બાહ્ય પરીક્ષક તરીકે તીરખેડી અને બીજેપર બંને શાળાઓમાં જવાનો આદેશ મોકલવામાં આવ્યો છે. આ આદેશ મળ્યા પછી શાળાએ પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા, અને બોર્ડ દ્વારા વિચિત્ર વર્તનનો એક દાખલો બહાર આવ્યો છે.