બ્રાહ્મોસમાજ ને કોન્વેન્ટ: મારા જીવનના સિક્કાની બે બાજુ
કથા કોલાજ – કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 1)
નામ: અરુણા આસફ અલી
સમય: 1994
સ્થળ: દિલ્હી
ઉંમર: 86 વર્ષ
ભારતની રાજધાની-દિલ્હી! 1947થી 1994 સુધીનો સમય… મેં દિલ્હીને પળેપળ બદલાતું જોયું છે. જૂની દિલ્હીની પરોઠા ગલી, મંડી હાઉસના જૂના કૉંગ્રેસ ભવનથી શરૂ કરીને આજના વિશાળ કૉંગ્રેસ ભવનની ભવ્ય ઇમારત સુધીના પ્રવાસમાં હું આ દેશના તમામ બદલાતા સમયની સાક્ષી રહી છું. ગાંધીજીએ જ્યારે દાંડી સત્યાગ્રહની જાહેરાત કરી ત્યારે જે થોડા લોકોની ધરપકડ કરવામાં આવી એમાંની એક હું પણ હતી! 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન મુંબઈના ગોવાલિયા મેદાનમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા પહોંચેલા મુઠ્ઠીભર લોકોમાંની એક હું પણ હતી! ગાંધીજી સાથે મતભેદને અભિવ્યક્ત કરીને – પોતાના મત અને વિચાર પર અડગ રહેનારા થોડા લોકોમાં હું પણ હતી!
અરુણા ગાંગુલી, મારું મૂળ નામ. મારી માતા અંબાલિકાદેવી બ્રાહ્મોસમાજના પ્રસિદ્ધ નેતા ત્રિલોકનાથ સાનિયાલના પુત્રી હતા. હરિયાણા (એ વખતે જે પંજાબ હતું) એના એક નાનકડા ગામ કાલકામાં મારો જન્મ થયો હતો. રૂઢિચુસ્ત ન કહી શકાય એવા, સ્વતંત્ર વિચાર અને આચાર ધરાવતા બંગાળી બ્રાહ્મણ પરિવારમાં જન્મી હોવા છતાં મારા પિતાએ અમને બંને બહેનોને – મને અને પૂર્ણિમાને, શિક્ષણ કે બીજી કોઈ બાબતમાં વંચિત રાખ્યાં નહીં. મારા પિતા ઉપેન્દ્રનાથ ગાંગુલી એક રેસ્ટોરન્ટ ધરાવતા હતા. એ જમાનામાં-1900ની સાલના પ્રારંભિક તબક્કામાં આવી કોઈ વીશી કે રેસ્ટોરન્ટ ચલાવવી, એ પણ બંગાળી બ્રાહ્મણ પરિવાર માટે ખૂબ અઘરી બાબત હતી. કાલકામાં મારા પિતાની રેસ્ટોરન્ટનો વિરોધ થયો એટલે એમણે પોતાના પરિવાર સાથે ભારતના કોઈ મોટા શહેરમાં જઈને વ્યવસાય કરવાનું વિચાર્યું. અમે સૌ સંયુક્ત પ્રાંતમાં-લાહોર જઈને વસ્યા. મારા પિતાની રેસ્ટોરન્ટ લાહોરમાં ખૂબ સારી ચાલતી અને વેજિટેરિયન ભોજન માટે વખણાતી. એ સમયે સિનેમાની શરૂઆત થઈ હતી. મારા કાકા ધીરેન્દ્રનાથ ગાંગુલીએ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું, એ એક લોકપ્રિય અભિનેતા અને દિગ્દર્શક પુરવાર થયા. ધીરેન્દ્રકાકાએ ડિરેક્ટર તરીકે કાર્ટુન, અચીન પ્રિયા, ક્નટ્રી ગર્લ, ચરિત્રહીન અને અભિનેતા તરીકે શેષ નિબેદન, બંદિતા, લેડી ટીચર, સાધુ ઔર શૈતાન જેવી ફિલ્મો કરી. મારા પિતા ઉપેન્દ્રનાથ પોતાની રેસ્ટોરન્ટ અને બ્રાહ્મોસમાજ સાથે જોડાયેલાં સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેતા, તેમ છતાં કલા પ્રત્યેની એમની અભિરુચિ, એમનો સંગીતનો શોખ અને વાંચનની ટેવ એમણે અમને વારસામાં આપી.
1909માં મારો જન્મ થયો અને મારા પછી બે વર્ષે જન્મી, પૂર્ણિમા! અમે બંને બહેનો એકબીજાની દોસ્ત, સાથી અને એકબીજાની સહાધ્યાયી રહી. બે જ વર્ષનો ફરક હોવાને કારણે અમે સ્કૂલમાં પણ સાથે સાથે જ હતાં – હું પૂર્ણિમાથી એક વર્ષ આગળ ભણી. પ્રારંભિક અભ્યાસ દરમિયાન સેક્રિડ હાર્ટ કોન્વેન્ટ, લાહોરમાં મારું શિક્ષણ થયું. એ વખતે મારા પિતા ઉપેન્દ્રનાથ ગાંગુલી અને માતા અંબાલિકા બંને બ્રાહ્મોસમાજમાં ખૂબ કાર્યરત હતાં. બ્રાહ્મોસમાજ એ બ્રહ્મવાદનો સામાજિક ઘટક છે, જે એકેશ્વરવાદી સુધારાવાદી ચળવળ તરીકે શરૂ થયો હતો. તે ભારતની સૌથી પ્રભાવશાળી ધાર્મિક ચળવળોમાંની એક પુરવાર થયો અને આધુનિક ભારતના નિર્માણમાં એનું મહત્ત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે.
એકેશ્વરવાદ પર આધારિત આ ચળવળે મૂર્તિપૂજા, જ્ઞાતિપ્રથાઓ અને ધાર્મિક વિધિઓ સામે ઝુંબેશ ચલાવી હતી. સમાજમાં બુદ્ધિવાદ અને જ્ઞાનને પ્રોત્સાહન આપ્યું. આ આંદોલને સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક પ્રગતિને પ્રોત્સાહન આપ્યું. જાતિ અને દહેજ પ્રથા વિરુદ્ધ અભિયાન, મહિલાઓના શિક્ષણ અને મુક્તિ માટે કામ કર્યું. આ ચળવળ શાસ્ત્ર અભ્યાસ, ધ્યાન અને પ્રાર્થના પર ભાર મૂકીને તમામ ધર્મોની એકતામાં માનતી હતી. આ ચળવળ બલિદાન, સમારંભો અને પુરોહિતનો વિરોધ કરતી હતી. સતીપ્રથા અને દીકરીને દૂધ પીતી કરવાના કુરિવાજો સામે અવાજ ઉઠાવીને એ અંગેનો કાયદો પસાર કરવાનું કામ રાજા રામમોહનરાયે કર્યું. મારાં માતા-પિતા પણ આવી ક્રાંતિકારી ચળવળનો હિસ્સો હતાં તેથી અમને બંને બહેનોને 1900ના પ્રારંભિક દાયકામાં શિક્ષણ અને સ્વતંત્રતાનો લાભ મળ્યો.
મારો જન્મ થયો 1909માં. એ વર્ષે ભરાયેલી લાહોરની કૉંગ્રેસ અધિવેશનની મિટિગમાં ગોપાલકૃષ્ણ ગોખલેએ ગાંધીજીની પ્રશંસા કરી. સાઉથ આફ્રિકાના એમના સત્યાગ્રહ દરમિયાન એમણે ભારતીય લોકો માટે જે અવાજ ઉઠાવ્યો અને રંગભેદ વિરુદ્ધ, અંગ્રેજ સરકારના કાયદાઓ વિરુદ્ધ જે ચળવળ ચલાવી એ પછી ગોપાલકૃષ્ણ ગોખલે, લોકમાન્ય ટિળક જેવા નેતાઓએ એમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. 1915માં તેઓ સ્વતંત્રતાના ઝંડા સાથે, ભારતને એક નવી આશા આપવા એ પાછા ફર્યા. સાઉથ આફ્રિકાથી એમણે `હિંદ સ્વરાજ’ નામના સામયિકમાં લખ્યું હતું. પશ્ચિમી સંસ્કૃતિ સ્વીકાર્ય નથી કારણ કે તેમાં અપનાવવા જેવું કંઈ નથી. તેમાં માણસને સારો માનવી બનાવવાની ક્ષમતા નથી. ગાંધીજીએ મશીન-સંચાલિત શહેરી સંસ્કૃતિને સંપૂર્ણપણે નકારી કાઢી હતી… 1920માં ગાંધીજીએ કૉંગ્રેસનું નવું બંધારણ બનાવ્યું. પ્રાથમિક સભ્યપદ માટે નવા નિયમો ઘડ્યા અને ભારતના સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત થઈ. હું એ વખતે તો 8 વર્ષની હતી. આઝાદી, ગુલામી કે બીજા શબ્દોને સમજી શકું એટલી મારી ઉંમર નહોતી, પરંતુ મારા ઘરમાં સતત ચાલતી વાતો, મિટિગ્સ અને લોકોની અવરજવરથી હું એટલું તો સમજી શકી કે હવે આ દેશમાં એક મોટો બદલાવ આવવાનો છે. અમારી કોન્વેન્ટ સ્કૂલમાં અમને આઝાદીનાં ગીતો ગાવાની કે એવા કોઈ પણ પ્રકારની વાતો કરવાની, અંગ્રેજ સરકાર વિરુદ્ધ કંઈ પણ બોલવાની મનાઈ હતી. હું એટલું સમજી શકતી હતી કે, મારાં માતા-પિતા જે કંઈ કહી રહ્યાં હતાં, કરી રહ્યાં હતાં અને અમને કોન્વેન્ટમાં જે શીખવવામાં આવતું હતું એ બેની વચ્ચે આસમાન-જમીનનો ફેર હતો.
જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ મને સ્વતંત્રતાનું મૂલ્ય સમજાવા લાગ્યું. દેશબાંધવો પર થતા અત્યાચાર અને અન્યાય સામે કિશોર અવસ્થાથી જ મારો આક્રોશ પ્રગટવા લાગ્યો. સ્કૂલમાં હતી ત્યારે એક દિવસ અમને પરાણે ચર્ચમાં પ્રાર્થના કરવા લઈ ગયા. મારાં માતા-પિતાએ મને તમામ ધર્મોને એક નજરે જોવા અને આદર આપવાનું શીખવ્યું હતું, પરંતુ પાદરીએ પોતાના ભાષણમાં ક્રિશ્ચિયાનિટી સિવાય બીજો કોઈ ધર્મ જ નથી' એવું કહ્યું ત્યારે હું ઊભી થઈ. મેં કહ્યું કે,
વિશ્વમાં અનેક ધર્મો છે. સર્જનહાર (ક્રિએટર કે પરમતત્ત્વ) એક હોઈ શકે છે, પરંતુ ક્રિશ્ચિયાનિટીનો આદર કરીએ એટલા જ આદરથી હિન્દુ કે અન્ય ધર્મોની વાત પણ થવી જોઈએ.’ મને સજા કરવામાં આવી. મારાં માતા-પિતાને મળવા બોલાવ્યાં. અમારા શિક્ષકનું કહેવું હતું કે, હું એકદમ તોછડી અને મનસ્વી બની ગઈ છું. મારાં માતા-પિતાએ એમની સાથે આદરપૂર્વક વાત કરી અને મને ઘરે લઈ આવ્યાં. એમણે મને સમજાવ્યું કે, માત્ર દલીલો કરવાથી કે સામા થવાથી આપણી વાત સાબિત થઈ જતી નથી. દુનિયામાં કંઈ પણ મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે.' એ દિવસે પહેલીવાર મારાં માતા-પિતાએ મારી સાથે સ્વતંત્રતા સંગ્રામ અને બ્રાહ્મોસમાજ વિશે ગંભીર વાતો કરી. મેં કહ્યું કે,
મારે સ્વતંત્રતા સંગ્રામનો હિસ્સો બનવું છે.’ મારાં માતા-પિતાએ મને શાળાનું શિક્ષણ પૂરું કરવાની સલાહ આપી. સાચું પૂછો તો એ જ સમયથી મારા મનમાં સ્વતંત્રતા સંગ્રામના સૈનિક બનવાની વાત ઘૂંટાવા લાગી.
શાળાનું શિક્ષણ પૂરું થતાં જ મેં કૉંગ્રેસનું સભ્ય પદ લીધું. પાર્ટી મિટિગ્સ, સ્વતંત્રતા સંગ્રામના ટિકેટિગ, અસહકારના આંદોલન અને સત્યાગ્રહ જેવી ચળવળમાં હું ભાગ લેતી થઈ ગઈ. મારાં માતા-પિતાનો આગ્રહ હતો કે, મારે કૉલેજનું શિક્ષણ પૂરું કરવું જોઈએ. એને માટે ઑલ સેન્ટ્સ કૉલેજ નૈનિતાલમાં મેં ભણવાનું શરૂ કર્યું. કૉલેજના શિક્ષણ દરમિયાન પણ મારી સ્વતંત્રતા સંગ્રામમાં હિસ્સો લેવાની પ્રવૃત્તિ અટકી નહીં. સ્નાતકની પદવી મળ્યા પછી હું કલકત્તા આવી. એ ગાળામાં ગાંધીજી કલકત્તા આવ્યા હતા. હું એમને મળી. એમણે મને કલકત્તામાં રોકાઈને વિધવા બહેનોની સ્થિતિ અને કલકત્તામાં ચાલી રહેલી સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેવાનું સૂચન કર્યું. હું માતા-પિતા પાસેથી પૈસા લેવા માગતી નહોતી એટલે મેં ગોખલે મેમોરિયલ સ્કૂલમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. મને કલ્પના પણ નહોતી કે, કલકત્તાનો નિવાસ એ મારા જીવનનો સૌથી રોમેન્ટિક અને સૌથી મહત્ત્વપૂર્ણ અધ્યાય બની રહેવાનો હતો. (ક્રમશ:)