મુંબઈ મનપાની એફડી તોડી હોવાનો આરોપ ખોટો: એકનાથ શિંદે
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની એફડી તોડી નાખવામાં આવી હોવાનો વિપક્ષનો આરોપ ખોટો છે. અત્યારે પણ પાલિકાની 82,800 કરોડની એફડી છે, એમ જણાવતાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે પહેલાં વિકાસના કામ થતા નહોતા, હવે વિકાસના કામમાં વધારો થયો છે. મુંબઈ મનપાની એકેય એફડી તોડવામાં આવી નથી.
મુંબઈ મનપાની એફડી મહાયુતિ દ્વારા તોડવામાં આવી રહી છે એવો આઆરોપ ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ પહેલાં મુંબઈ મનપાની ડિપોઝિટ 91,000 કરોડ રૂપિયાથી વધુ હતી, તે હવે 82,000 કરોડ પરક આવી ગઈ હોવાથી આવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
એકનાથ શિંદેએ આનો જવાબ આપતાં કહ્યું હતું કે આરોપ કરનારાને અમે કામ કરીને જવાબ આપીએ છીએ. આથી જ મુંબઈ મનપાની તિજોરીમાં સાતહજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. મુંબઈમાં અત્યારે 43 હજાર કરોડના કામ થઈ રહ્યા છે. આથી એફડી અંગેના બધા જ આરોપ ખોટા છે. તે વાસ્તવિક સ્થિતિને અનુરુપ નથી.
આપણ વાંચો: મુંબઈ મહાનગરપાલિકા પર ભગવો લહેરાશે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો આત્મવિશ્વાસ
તેમણે એમ પણ કહ્યું હતું કે વિકાસ કરવાને કારણે ખર્ચ વધ્યો હતો. વિકાસ કામ પર ઘણો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જેને માટે તમે કમિશનરને પૂછી શકો છો. પહેલાં બજેટના ફક્ત 25 ટકા રકમ વિકાસ કામ પર ખર્ચ થતો હતો, હવે બજેટના 58 ટકા રકમ વિકાસકામ પર ખર્ચ થઈ રહ્યો છે. આથી જ આગામી બે-ત્રણ વર્ષમાં મુંબઈના રસ્તા ખાડામુક્ત થઈ જશે.
ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે પહેલાં મુંબઈને લુંટનારા લોકો હતા. તેમને અમે ફક્ત અરીસો દેખાડ્યો છે. જે લોકો મુંબઈને સોનાના ઈંડા આપનારી મરઘી સમજી રહ્યા હતા તેમને અઢી વર્ષમાં કેવી રીતે વિકાસ થઈ શકે છે એ અમે દેખાડી દીધું છે. આરોપ કરવાને બદલે સકારાત્મક બાબતો જુઓ એમ તેમણે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈપણ પ્રકારની વેરા વૃદ્ધિ વગરનું લોકોને રાહત આપનારું બજેટ મુંબઈ મનપા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે હું મુખ્ય પ્રધાન હતો ત્યારેે મેં અને દેવેન્દ્ર ફડણવીસે મુંબઈને ખાડામુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે ફક્ત 3000 કરોડ ફક્ત રિપેર પર જ ખર્ચ કરવામાં આવતા હતા. બંને ફેઝ સિમેન્ટ કૉન્ક્રીટ કરવાનું ચાલુ કર્યું છે અને આગામી બે વર્ષમાં આખું મુંબઈ ખાડામુક્ત થઈ જશે.