ભાજપની સાથે સાથે કૉંગ્રેસ પર પણ વિફર્યા અખિલેશ યાદવ
નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ચીને પચાવી પાડેલી ભારતીય જમીન અને જાતિગત જનગણનાના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભાજપને ઘેરવામાં તેઓ એટલા ગંભીર થઇ ગયા હતા કે ભાજપની સાથે સાથે તેમણે કૉંગ્રેસને પણ સાણસામાં લઇ લીધી હતી અને તેના પર પણ પ્રહારો કરી દીધા હતા.
અખિલેશે જણાવ્યું હતું કે એક સમયે આપણે ચીન સામે લાખો એકર જમીન ગુમાવી છે. (તેમનો ઇશારો કૉંગ્રેસ તરફ હતો) અને હવે ભાજપ પણ એ જ રસ્તે આગળ વધી રહ્યું છે. જમીન ગુમાવવા છતાં ભાજપ કહી નથી રહ્યું કે ચીને આપણી જમીન પચાવી પાડી છે. જો અખબારો અને સમાચાર ચેનલોમાં ખોટા સમાચાર આવતા હોય તો તેમણે એફઆઇઆર નોંધાવવી જોઇએ અને તેમને જેલ ભેગા કરવા જોઇએ.
જાતિગત વસતી ગણતરીનો મુદ્દો ઉઠાવતા અખિલેશે જણાવ્યું હતું કે દેશમાં જાતિગત વસ્તી ગણતરી ઘણી જરૂરી છે. કૉંગ્રેસ પહેલા તેનો વિરોધ કરતી હતી, પણ તે પણહવે તેની માગ કરી રહી છે. જો તેમણે અગાઉ જાતિગત વસ્તી ગણતરીને સમર્થન આપ્યું હોત તો આજે આ મુદ્દો ઉઠાવવાનો વારો ના આવત, પણ હવે હું કૉંગ્રેસને જણાવવા માગુ છું કે આ મુદ્દે અમે તેમની સાથે છીએ અને ભવિષ્યમાં પણ તેનું સમર્થન કરતા રહીશું.
આપણ વાંચો: યુપીના સંભલ મુદ્દે અખિલેશ યાદવે ભાજપની કાઢી ઝાટકણી, નેતાઓ અંગે કહ્યું કે…
બીજો એક મોટો સવાલ નોકરી અને રોજગારનો છે.ચીન માત્ર આપણી જમીન પર જ કબજો નથી કરતું, પણ આપણી જમીન અને રોજગાર બધું જ છીનવી રહ્યું છે. કૉંગ્રેસ એ રસ્તે ગઇ પણ ભાજપે કૉંગ્રેસના રસ્તા પર જવાની શું જરૂર છે.
આ દરમિયાન અખિલેશે ગંગા એક્સપ્રેસ વેનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારે પહેલા કહ્યું કે મહાકુંભ પહેલા ગંગા એક્સપ્રેસ વે બની જશે, પણ આગામી અર્ધકુંભ સુધી પણ એ બનીને તૈયાર થાય એમ લાગતું નથી.