દારૂના નશામાં ધૂત કારચાલકે દાટ વાળ્યોઃ રેલવે ટ્રેક પર હાંકારી મૂકી મારુતિ ડિઝાયર
બેંગલુરુઃ કર્ણાટકના ટેકલ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી. દારૂના નશામાં ધૂત એક શખસે રેલવે સ્ટેશનના પરિસરમાં કાર હંકારી મૂકી હતી. એટલું જ નહીં, એ શખસે કારને પ્લેટફોર્મ પર લઇ ગયો હતો અને પછી કાર રેલવે ટ્રેક પર ચડાવી દીધી હતી.
રાહતની વાત એ હતી કે જે સમયે કાર રેલવે ટ્રેક પર ઘૂસી હતી તે સમયે ત્યાંથી કોઈ ટ્રેન પસાર થતી નહોતી, તેથી બહુ નુકશાન થયું નહોતું. ક્રેઈનની મદદથી કારને ટ્રેક પરથી હટાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ રાકેશ નામનો વ્યક્તિ મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર ચલાવી રહ્યો હતો અને તેણે એટલો બધો દારૂ પીધો હતો કે તેને કંઈ જ ભાન રહ્યું નહોતું.
આ પણ વાંચો: Ahmedabad ના જમાલપુર નજીક બેફામ કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત
નશાની હાલતમાં તેણે કારનું સંતુલન ગુમાવ્યું અને કાર સીડી પરથી નીચે ઉતરી સીધી રેલવે પ્લેટફોર્મ પર પહોંચી ગઈ. ત્યાર પછી તેની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર રેલવે ટ્રેક પર ચઢી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોનું ટોળું ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને રેલવે અધિકારીઓને આ અંગે જાણ કરી હતી.
રેલવે પ્રશાસનને આ અંગેની માહિતી મળતા જ જેસીબી બુલડોઝરની મદદથી કારને રેલવે ટ્રેક પરથી હટાવી લેવામાં આવી હતી. આ દરમિયાન કારનો આગળના ભાગને સૌથી વધુ નુકસાન થયું હતું. જોકે, ડ્રાઈવરને કોઈ ગંભીર ઈજા થઈ નથી. પોલીસે ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ તેની સામે ગુનો નોંધ્યો છે. રાકેશનો મેડિકલ ટેસ્ટ કરાવતા તે દારૂના નશામાં હોવાની જાણ થઇ હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.