મુંબઈગરાઓ માટે ‘જાન્યુઆરી’ સૌથી રહ્યો ગરમ મહિનો, રેકોર્ડ તૂટ્યા
મુંબઈઃ મુંબઈના ઈતિહાસમાં જાન્યુઆરી ૨૦૨૫ એ સૌથી ગરમ મહિનો રહ્યો. સાંતાક્રુઝમાં આ મહિને સરેરાશ મહત્તમ તાપમાન ૩૩.૨ ડિગ્રી સેલ્સિયસ હતું, જેણે જાન્યુઆરી ૨૦૦૯માં ૩૨.૯ ડિગ્રીના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો હતો.
જાન્યુઆરીનું સામાન્ય સરેરાશ મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી સેલ્સિયસ છે. જો કે, રાતે વાતાવરણમાં ઠંડક રહી હતી. ૯ જાન્યુઆરીના રોજ ૧૩.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સૌથી નીચું તાપમાન હતું. જાન્યુઆરી મહિનાનું સરેરાશ લઘુત્તમ તાપમાન ૧૮.૫ ડિગ્રી હતું, જે સામાન્ય ૧૭.૩ ડિગ્રી કરતાં થોડું વધારે હતું. જે દર્શાવે છે કે રાત સામાન્ય કરતાં વધુ ગરમ હતી.
આપણ વાંચો: નવેમ્બરે કચ્છને અકળાવ્યું: સરેરાશ 25 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ મહિનો!
દિવસ દરમિયાન ભારે ગરમી હોવા છતાં, સમગ્ર દિવસ-રાતનું સરેરાશ તાપમાન ૨૫.૮૫ ડિગ્રી રહ્યું હતું, જે સામાન્ય ૨૪.૨૫ ડિગ્રીની નજીક છે. જોકે હવામાનશાસ્ત્રીઓ માને છે કે આ હીટવેવ જેવી સ્થિતિ પશ્ચિમી વિક્ષેપની અસામાન્ય ગેરહાજરીને આભારી છે, જે સામાન્ય રીતે વર્ષના આ સમયગાળા દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રમાં ઠંડી લાવે છે. ૩ જાન્યુઆરીના રોજ, મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી હતું, જે ૨૦૧૬ પછીનો સૌથી ગરમ દિવસ હતો.