અંબરનાથના પુલ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા: પ્રેમી પકડાયો
થાણે: અંબરનાથમાં રેલવે બ્રિજ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા કરવા બદલ પોલીસે પ્રેમીને પકડી પાડ્યો હતો. ઉછીના લીધેલાં નાણાં આરોપી પાછો આપતો નહોતો અને મહિલા વારંવાર લગ્નની વાત ઉચ્ચારતી હતી. આ બન્ને મુદ્દે વિવાદ થતાં આરોપીએ હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની સવારે અંબરનાથ પૂર્વ-પશ્ર્ચિમને જોડતા રેલવે બ્રિજ પર બની હતી. મૃતકની ઓળખ સીમા કાંબળે (35) તરીકે થઈ હતી. સીમા અંબરનાથના બારકુપાડા વિસ્તારમાં રહેતી અને આરોપી રાહુલ ભિંગારકર (29) પણ એ જ પરિસરનો રહેવાસી છે.
આપણ વાંચો: ગોધરા હત્યાકાંડ: પેરોલ પર છૂટી ફરાર થયેલો આરોપી ચાર મહિના બાદ ઝડપાયો
.પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પતિથી અલગ રહેતી સીમાની મિત્રતા રાહુલ સાથે થઈ હતી. પછી બન્ને વચ્ચે પ્રેમપ્રકરણ શરૂ થયું હતું. રૂપિયાની જરૂર હોવાથી સીમાએ રાહુલને અમુક રકમ પણ આપી હતી.
ઉછીના લીધેલા રૂપિયા રાહુલ પાછા આપતો નહોતો. રૂપિયા પાછા માગનારી સીમા વારંવા લગ્નની વાત ઉચ્ચારતી હતી. આ બાબતને લઈ રાહુલ કંટાળી ગયો હતો. સોમવારે બ્રિજ પર બન્ને વચ્ચે આ જ મુદ્દે બોલાચાલી થઈ હતી. રોષમાં આવી રાહુલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતાં સીમા ગંભીર રીતે ઘવાઈ હતી. નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલી સીમાને તબીબે મૃત જાહેર કરી હતી. આ કેસની તપાસ કરનારી શિવાજી નગર પોલીસે આરોપીને તાબામાં લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.