રેલવેએ લોન્ચ કરી નવી SwaRail App: પ્રવાસીઓને શું મળશે સુવિધા?
નવી દિલ્હી: રેલવેના મુસાફરો માટે એક મોટા સમાચાર છે. રેલવે મંત્રાલયે યૂઝર્સ માટે એક નવી સુપર એપ લોન્ચ કરી છે. રેલવે મંત્રાલયે એક નવી સુપર એપ SwaRail લોન્ચ કરી છે. આ એપ દ્વારા લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની રિઝર્વેશનની ઓનલાઈન ટિકિટ બુકિંગ, ફૂડ ઓર્ડર કરવાની સાથે સાથે પ્રવાસીઓને પીએનઆર ચેકિંગ સહિતની ઘણી સુવિધા મળી રહેશે. અત્યાર સુધીમાં આ બધી સુવિધાઓ માટે અલગ અલગ એપ્સ કે પોર્ટલની ઉપલ્બધ હતી, પરંતુ હવે તમામ સુવિધાઓ એક જ એપ્લિકેશનના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.
એપમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ
આ એપ સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ એટલે કે CRIS દ્વારા વિકસાવવામાં આવી છે. SwaRail સુપરએપ દ્વારા યૂઝર્સ આરક્ષિત અને અનરિઝર્વ્ડ ટિકિટો ઓનલાઈન બુક કરી શકશે. તે ઉપરાંત પ્લેટફોર્મ ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકાશે. આ ઉપરાંત એપ પર પાર્સલ અને ડિલિવરી ટ્રેક કરી શકાય છે. યૂઝર્સ એપની મદદથી ટ્રેનમાં ફૂડ ઓર્ડર આપી શકશે. વળી તેના ઉપરાંત, Rail Madadથી ફરિયાદ નોંધાવવા સાથે માહિતી મેળવી શકશે. કોચ પોઝિશન અને રિફંડ ક્લેમ સુવિધાઓ એપમાં ઉપલબ્ધ હશે.
સાઇન-અપ પ્રક્રિયા સરળ
એપ્લિકેશન સાઇન-અપ પ્રક્રિયા સરળ રાખવામાં આવી છે. એકવાર લોગ ઇન થયા બાદ યુઝર્સ M-PIN અથવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને એપ્લિકેશનને ઍક્સેસ કરી શકશે. રેલ્વે મંત્રાલયે તેને ઓલ-ઇન-વન એપ ગણાવી છે. અત્યાર સુધીમાં વપરાશકર્તાઓને ટ્રેનની ચાલુ સ્થિતિ વિશે માહિતી મેળવવા ઉપરાંત, આરક્ષિત અને બિનઆરક્ષિત ટિકિટ બુક કરવા માટે અલગ-અલગ એપ્લિકેશનોની જરૂર પડતી હતી. નવી એપ આ સમસ્યાને દૂર કરશે કારણ કે આ બધી સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો : Budget 2025: કેન્દ્રીય અંદાજપત્રમાંથી ‘રેલવે’ને શું ફાળવ્યું?
2014માં IRCTC રેલ કનેક્ટ મોબાઈલ એપ લોન્ચ
IRCTCએ 10 વર્ષ પહેલા 2014માં ઓનલાઈન રિઝર્વેશન માટે રેલ કનેક્ટ મોબાઈલ એપ લોન્ચ કરી હતી. લોન્ચ થયા બાદ યુઝર્સ એક્સપિરિયન્સને સુધારવા માટે ઘણી વાર અપગ્રેડ કરવામાં આવી હતી. હાલમાં, આ એપમાં, ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ બુક કરી શકો છો.
ઉપરાંત, તમે ટિકિટ રદ કરવા, TDR ફાઇલ, ઈ-ચાર્ટ વગેરેની સુવિધા પણ મેળવી શકો છો. ભારતીય રેલ્વેની નવી સુપર એપ વપરાશકર્તા અનુભવને વધારશે અને સાથે સાથે એક જ જગ્યાએ સંકલિત સેવાઓ પણ પ્રદાન કરશે