સ્કૂલ બસ ડ્રાઇવરની બેદરકારી, બાળકીને ટક્કર મારી 20 મીટર ઘસડી, હાલત ગંભીર…
નવી દિલ્હીઃ દિલ્હીના ગાઝિયાબાદ ખાતે એક દર્દનાક માર્ગ અકસ્માતની માહિતી મળી છે, જેમાં એક નવ વર્ષની બાળકીને દિલ્હી પબ્લિક સ્કૂલની બસે ટક્કર મારી હતી અને તેને 20 મીટર સુધી ઘસડી ગઈ હતી. આ અકસ્માતમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે અને તેનો હોસ્પિટલમાં ઈલાજ ચાલુ છે. ડોક્ટરોએ તેની સ્થિતિ ગંભીર જણાવી છે.
Also read : ભારત ટોપ 10 શક્તિશાળી દેશોની યાદી માંથી બહાર, જાણો શું છે કારણ…
આ અકસ્માત ઇન્દિરાપુરમના નીતિખંડ-2 વિસ્તારમાં થયો હતો. આ ઘટના 27મી જાન્યુઆરીના રોજ બપોરે ત્રણ વાગે બની હતી. નવ વર્ષની બાળકી આફરીન બપોરે એક દુકાનમાંથી ચીપ્સ અને ચોકલેટ ખરીદીને ઘરે પરત આવી રહી હતી ત્યારે તેને દિલ્હી પબ્લિક સ્કૂલ (ઇન્દિરાપુરમ)ની બસે ટક્કર મારી હતી. આફરીનના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી રસ્તાની બાજુમાં ડિવાઇડર પર ઉભી હતી, જેથી બસ ગયા પછી તે રસ્તો ક્રોસ કરી શકે ,પરંતુ બસનો ડ્રાઇવર બેદરકારીપૂર્વક ચલાવી રહ્યો હતો. તેણે આફરીનને ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે આફરીન બસના પાછળના વ્હીલમાં ફસાઈ ગઈ હતી અને બસ તેને લગભગ 20 મીટર સુધી ઘસડી ગઈ હતી. સ્થાનિક લોકોએ આ અકસ્માતને જોયો હતો અને તેઓએ બસ રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બસચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.
પરિવાર અને સ્થાનિક લોકો મળીને આફરીનને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ તેની હાલત ગંભીર જણાવવામાં આવી હતી તેથી તેને દિલ્હીની તેગ બહાદુર હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. આફરીનને જમણા પગમાં ઊંડી ઇજા થઈ હતી અને તેના પગનું બે વાર ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેની માથામાં પણ ગંભીર ઈજા થઈ છે અને ડોક્ટરો તેના મગજની સર્જરી કરવાનું પણ વિચારી રહ્યા છે. આફરીનની હાલત ઘણી જ નાજુક છે.
Also read : ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં કાર અને ટ્રેલર ગંભીર માર્ગ Accident, છ લોકોના મોત…
પોલીસ અને સ્કૂલ વહીવટી તંત્રનું શું કહેવુ છે::-
પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે પાંચ દિવસે છેક પહેલી ફેબ્રુઆરીએ કેસ નોંધ્યો હતો. તેમણે વહીવટી તંત્રને દોષિત ચાલક હેઠળ કડક પગલાં લેવાની માગણી કરી છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે બસને જપ્ત કરી લેવામાં આવી છે અને બસ ડ્રાઇવરને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ ડ્રાઇવરની ધરપકડ કરી લેવામાં આવશે. હાલમાં પોલીસ ઘટના સ્થળ અને તેની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે. આ મામલે સ્કૂલ વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે આ બસ કોન્ટ્રાક્ટ હેઠલ ચલાવવામાં આવી રહી હતી અને કોન્ટ્રાક્ટરનો સંપર્ક સાધવામાં આવ્યો છે. આફરીનની સારવારનો તમામ ખર્ચ આ કોન્ટ્રાક્ટર અને તેની કંપની ચૂકવી રહી છે.