યુવરાજ પાછો આવી રહ્યો છે સિક્સરનો વરસાદ વરસાવવા, આ ટીમમાં થઈ ગયું સિલેક્શન
નવી મુંબઈ, રાજકોટ વગેરે સ્થળે રમાશે મૅચો
નવી દિલ્હીઃ ક્રિકેટના મહાન બૅટર્સમાં ગણાતો યુવરાજ સિંહ ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ (આઇએમએલ)ની પ્રથમ સીઝનમાં ઇન્ડિયા માસ્ટર્સ ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા બાવીસમી ફેબ્રુઆરીએ શરૂ થશે અને 16મી માર્ચે પૂરી થશે. સચિન તેન્ડુલકર ભારતની આ ટીમનું સુકાન સંભાળશે.
યાદ છેને! 2007માં ટી-20ના પહેલા જ વર્લ્ડ કપમાં યુવરાજે ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ બ્રૉડની ઓવરના છ બૉલમાં છ છગ્ગા ફટકાર્યા હતા.
બે વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમના ખેલાડી અને શ્રેષ્ઠ લેફ્ટ-હૅન્ડ બૅટર્સમાં ગણાતા યુવીએ 2007ના વિશ્વ કપમાં ભારતને સૌપ્રથમ ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ તેને એ ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી ઘોષિત કરવામાં આવ્યો હતો. આ ટૂર્નામેન્ટની મૅચો નવી મુંબઈ તેમ જ રાજકોટ અને રાયપુરમાં રમાશે.
આપણ વાંચો: પોતાની બાયોપિક માટે યુવરાજ સિંહની પહેલી પસંદ છે આ એક્ટર, કહ્યું એ મારા જેવો જ છે
યુવરાજ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના જે. પી. ડુમિની તેમ જ શ્રીલંકાના ઉપુલ થરંગાએ પણ આઇએમએલમાં પોતે રમશે એવી પુષ્ટિ આપી છે. ડુમિની સાઉથ આફ્રિકા માસ્ટર્સ વતી અને થરંગા શ્રીલંકા માસ્ટર્સ વતી રમશે.
યુવીએ કહ્યું છે કે `સચિન અને મારા જૂના કેટલાક સાથીઓ સાથે મેદાન પર ઉતરીશ એટલે ગૌરવશાળી દિવસોની યાદ તાજી થશે. હું મારા પ્રશંસકો માટે ફરી એકવાર યાદગાર પર્ફોર્મ કરવા ઉત્સુક છું.