ઓઢવમાં માલધારીઓને મળ્યા શક્તિસિંહ ગોહિલ; સરકાર પર તાક્યું નિશાન…
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહત પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જેના પગલે અનેક માલધારી પરિવારો બેઘર બની ગયા છે. અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા ઓઢવમાં કરવામાં આવેલી કાર્યવાહીના મુદ્દે વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઘર વિહોણા બનેલા લોકોની મુલાકાત લીધી હતી. તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Also read : અમદાવાદના ઓઢવમાં રબારી વસાહત પર ફર્યું બુલડોઝર; 500થી વધુ માલધારીઓ બન્યા બેઘર
બેઘર બનેલા લોકો સાથે શક્તિસિંહ ગોહિલની મુલાકાત
બેઘર બનેલા લોકો સાથેની મુલાકાત દરમિયાન શક્તિસિંહ ગોહિલ લોકોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી અહીં રહે છે અને ખુદ સરકારે જ તેઓને માલધારીઓ માટેની અલગ જગ્યા ફાળવી હતી. ત્યારે હવે ટૂંક સમયની નોટિસ આપીને મકાન તોડી પાડવામાં આવ્યા છે.
સરકારનું આ પગલું લોકશાહી પર કાળો ડાઘ
શક્તિસિંહ ગોહિલે ટ્વીટર પર પોસ્ટ કરી કહ્યું હતું કે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા રહેવાસીઓના ઘરો ભાજપ સરકારે બુલડોઝરથી તોડી પાડ્યા છે. અસરગ્રસ્ત લોકોના દુખને હળવું કરવા માટે આજે મેં પક્ષના નેતાઓ સાથે તે વિસ્તારની મુલાકાત લીધી હતી. લોકોને સંપૂર્ણપણે અમાનવીય રીતે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો અથવા સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને બેઘર બનાવવામાં આવ્યા છે. આ રહેવાસીઓને 1952માં જમીન ફાળવવામાં આવી હતી. સરકારનું આ પગલું અત્યંત દુઃખદ અને લોકશાહી પર કાળો ડાઘ છે.
અહીંના દ્રશ્યો જોઈને હ્રદય દ્રવી ઉઠે
બેઘર બનેલા લોકો સાથેની મુલાકાત બાદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, પથ્થરદિલ વ્યક્તિ પણ અહીંના દ્રશ્યો જુવે તો તો હૃયદ દ્રવી ઉઠે તેવી સ્થિતિ છે. તેમણે કહ્યું હતું કે ભગવાનના નામની રાજનીતિ કરનારાઓને ભગવાન ક્યારેય માફ નહિ કરે.
Also read : સરકારી અધિકારી બનવા ઈચ્છુક માટે ખુશખબરઃ GPSC આ વર્ષે 1,751 જગ્યા પર ભરતી કરશે…
દલિત, માલધારી સમાજના ઘર તોડવામાં આવ્યા
તેમણે કોંગ્રેસના જ એક આગેવાનના મકાન તોડી પાડવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ત્રણેય તરફ રસ્તો હોવા છતાં નવા રસ્તાની શું જરૂર હતી? આ વિસ્તારમાં રહેતો એક યુવક લોકો માટે લડતો હોવાથી એનું મકાન તોડવામાં આવ્યું છે. દલિત, બક્ષીપંચ અને માલધારી સમાજના ઘર તોડવામાં આવ્યા છે. કુદરતી સિદ્ધાંતનું પાલન કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી ઘર તોડવું જોઇએ. લોકોને જો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી હોત તો લોકો જરુંર જતા રહ્યા હોત.