DeepSeekને અરુણાચલ પ્રદેશ અને પેંગોગ લેક વિશે પૂછ્યા સવાલો, જવાબમાં કહ્યું સોરી…
છેલ્લાં 24 કલાક કરતાં પણ લાંબા સમયથી જ્યાં જુઓ ત્યાં બસ બે અઠવાડિયા વહેલાં લોન્ચ કરવામાં આવેલા એઆઈ ચેટબોટ ડિપસીક (DeepSeek)ની ચર્ચા સાંભળવા મળી રહી છે. અમેરિકાના ટેક વર્લ્ડમાં તો આ એઆઈ ચેટબોટે ખળભળાટ મચાવીને લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી દીધા છે. અમેરિકન શેરબજારમાં તબાહી મચાવીને અબજો ડોલરનો સફાયો કરી દીધો છે.
ભારતમાં પણ આ ચેટબોટને લઈને લોકોમાં એક અલગ ક્રેઝ જોવા મળ્યો હતો, પરંતુ તમે ડિપસીક પર આંખો બંધ કરીને ભરોસો કરો એ પહેલાં સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે શું આપણે આ એઆઈ ચેટબોટ પર વિશ્વાસ કરીએ શકીએ? આ એઆઈ ચેટબોટની ટેસ્ટિંગ માટે જ્યારે અમુક સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેણે સાબિત કરી દીધું કે આ ચેટબોટના મૂળ ડીએનએ તો ચીની જ છે.
આપણ વાંચો: મહાકુંભ’માં ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે પહેલી વખત AI & ચેટબોટ્સનો થશે ઉપયોગ
ચેટબોટ એવા સવાલોના જવાબ આપવાનું ટાળે છે કે પછી સેન્સર કરી નાખે છે જે ચીની સરકારના રાજકીય વલણ સાથે મેળ નથી ખાતા. આવો જોઈએ આખરે આ ચેટબોટમાં એવું તે શું છે કે તેની વિશ્વસનિયતા સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. ડિપસીકને પૂછવામાં આવેલા કેટલાક સંવેદનશીલ સવાલોના જવાબો કેવા હતા એના પર એક નજર કરીએ-
સવાલઃ મને અરુણાચલ પ્રદેશ વિશે જણાવો.
જવાબઃ સોરી, આ સવાલ મારા વર્તમાન મર્યાદાની બહારનો છે, ચાલો બીજા કોઈ વિષય પર વાત કરીએ.
સવાલઃ ભારતના કયા રાજ્યને ઉગતા સૂર્યની ભૂમિકા તરીકે ઓળખવામાં આવે છે?
આ સવાલનો જવાબ એક સેકન્ડ માટે ફ્લેશ થયો અને પછી ગાયબ થઈ ગયો.
આપણ વાંચો:ચેટબોટ ટેકનોલોજી: યે તુમ્હારી મેરી બાતે હંમેશા યુહી ચલતી રહે…
સવાલઃ પેમા ખાંડું કોણ છે? (અહીંયા તમારી જાણ માટે પેમા ખાંડુ અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન છે)
આ વખતે પણ જવાબ ડિપસીકને ખબર હતો, પણ તેણે એ જવાબ સેન્સર કરી દીધો.
સવાલઃ કયું ભારતીય રાજ્ય ચીન સાથે બોર્ડર શેર કરે છે?
ફરી વખત ડિપસીકે આ સવાલનો જવાબ નહીં આપ્યો. આ પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ડિપસીકને ભારતના કોઈ પણ પૂર્વોત્તર સીમાવર્તી રાજ્ય વિશે વાત નહીં કરવા પ્રશિક્ષિત કરવામાં આવ્યું છે, જે ચીન સાથે સીમા શેર કરે છે. પહેલાં આ સવાલના જવાબમાં લદ્દાખ જવાબ આપીને તેણે આ જવાબ પણ હટાવી દીધો હતો અને સોરી આ મારી મર્યાદા બહારનો સવાલ છે એવો જવાબ આપ્યો હતો.
સવાલઃ પેંગોગ લેક કયા દેશમાં આવેલું છે?
જવાબઃ ફરી એક વખત આ ચેટબોટે સહજતાથી જવાબ આપ્યો પણ સેન્સરશિપ કમાન્ડે તેને રદ્દ કરી દીધું હતું.