સૈફ હુમલાના આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો
મુંબઇઃ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘુસીને તેના પર ચાકુથી હુમલો કરનાર બાંગ્લાદેશી આરોપી શરીફૂલને કોર્ટ તરફથી કોઇ રાહત મળી નથી. બાન્દ્રા કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. અત્યાર સુધી તે પોલીસ કસ્ટડીમાં હતો.
આરોપી શરીફૂલ ઇસ્લામનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટે જણાવ્યું હતું કે તપાસ માટે પોલીસ કસ્ટડી આપવાનું કોઇ કારણ નહીં હોવાથી આરોપીને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે.
આરોપી શરીફૂલની પોલીસ કસ્ટડીનો સમયગાળો પૂરો થઇ રહ્યો હોવાથી તેને બાન્દ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં કજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે જોકે, તેની કસ્ટડી વધુ બે દિવસ લંબાવવાની માગ કરી હતી, પણ કોર્ટે નોંધ્યું હતું કે આરોપી દસ દિવસથી પોલીસ કસ્ટડીમાં હતો અને તપાસ હવે પૂરી થઇ ગઇ છે. તેને હવે પોલીસ કસ્ટડીમાં રાખવાનું કોઇ નવું કારણ નથી. જો કોઇ નવું કારણ જાણવા મળશે ત્યારે પોલીસ તેની ફરીથી કસ્ટડી લઇ શકે છે.
આ પણ વાંચો : સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પશ્ચિમ બંગાળની મહિલાની ધરપકડ
પોલીસે જણાવ્યું છે કે સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં થાણેથી પકડાયેલા બાંગ્લાદેશી આરોપીનું નામ મોહમ્મદ શરીફૂલ ઇસ્લામ શેહઝાદ છે. ગેરકાયદે ભારતમાં ઘુસ્યા બાદ તેણે તેનું નામ બદલીને બિજોયદાસ રાખ્યું હતું. તેણે 16 જાન્યુઆરીની રાતે બાન્દ્રા ખાતે આવેલા સૈફ અલી ખાનના 12મા માળના એપાર્ટમેન્ટમાં ઘુસી સૈફ પર છરી વડે એટેક કર્યો હતો. તેના હુમલામાં સૈફ ઘાયલ થયો હતો અને તેને બાન્દ્રાની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જ્યાં તેની ઇમરજન્સી સર્જરી થઇ હતી અને પાંચ દિવસ બાદ તેને રજા આપવામાં આવી હતી.