‘અફેર’ને કારણે DNA Test કરવાનો આદેશ આપી શકાય નહીંઃ સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો
કેરળના યુવકની અરજીને સર્વોચ્ચ અદાલતે શા માટે ફગાવી, જાણો સમગ્ર મામલો
નવી દિલ્હીઃ છેલ્લા બે દાયકાથી ચાલી રહેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. માતાના લગ્નેત્તર સંબંધથી જન્મેલા અને હાલમાં 23 વર્ષીય યુવકે કોર્ટમાં તેના જૈવિક પિતાને ડીએનએ ટેસ્ટ કરાવવા આદેશ આપવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે નકારી કાઢી હતી. યુવકે કોર્ટને જણાવ્યું હતું કે તે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને તેણે ઘણી સર્જરી કરાવવી પડી છે, જેનો ખર્ચ હવે તેની માતા ઉઠાવી શકે તેમ નથી. તેથી તેણે તેના જૈવિક પિતા પાસેથી ભરણપોષણની માગ કરી છે.
શું છે કેસની વિગત? :-
આ કેસ કેરળનો છે. યુવકની માતાએ 1989માં લગ્ન કર્યા હતા. 1991માં તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો અને યુવકનો જન્મ 2001માં થયો હતો. 2003માં માતાએ તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો અને 2006માં તેણે ડિવોર્સ લીધા હતા. ત્યારબાદ મહિલાએ કોચી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેના પુત્રના બર્થ સર્ટિફિકેટમાં પિતાનું નામ બદલવાની અરજી કરી હતી, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓએ કોર્ટનો આદેશ માગ્યો હતો. 2007માં સ્થાનિક કોર્ટે તેના કથિત જૈવિક પિતાને ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેમણે આ આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. 2008માં હાઇકોર્ટે આ આદેશને ઉલટાવી દીધો હતો અને જણાવ્યું હતું કે ડીએનએ ટેસ્ટ ત્યારે જ થઈ શકે કે જો એ સાબિત થાય કે બાળકના જન્મ સમયે પતિ પત્ની વચ્ચે કોઈ સંપર્ક ન હતો.
સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો? :-
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લગ્નની કાયદેસરતા અને પિતૃત્વ એ બે સંબંધિત વસ્તુઓ છે. બાળક જો માન્ય લગ્ન બાદ જન્મે છે તો તેના જૈવિક પિતા કોણ છે તે સાબિત કરવા માટે ડીએનએ જેવા કોઈ પરીક્ષણની જરૂર નથી હોતી. ભારતીય કાનૂન મુજબ માન્ય લગ્ન દરમિયાન અથવા વૈવાહિક જીવન સમાપ્ત થયાના 280 દિવસની અંદર જન્મેલા બાળકને પતિનું જ કાયદેસરનું બાળક માનવામાં આવે છે. આ કલમને કારણે બાળકની કાયદેસરતા અને પિતૃત્વ અંગેના કોઈપણ વિવાદને ટાળી શકાય છે.
Also read: સુપ્રીમ કોર્ટે ગેમિંગ કંપનીઓની જીએસટી નોટિસ પર પ્રતિબંધ મૂક્યો
કોર્ટે કેસ બંધ કર્યોઃ-
કોર્ટે જણાવ્યું હતું કે માત્ર અફેરના આધારે ડીએનએ ટેસ્ટ કરવા માટે આદેશ આપી શકાય નહીં કારણ કે એ વ્યક્તિની ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન ગણાય. બળજબરીથી ડીએનએ ટેસ્ટ કરાવવાથી વ્યક્તિનું અંગત જીવન બહારની દુનિયામાં ખુલ્લું પડી જાય અને સમાજમાં વ્યક્તિની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન થઈ શકે છે. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે આવા કેસમાં મહિલાઓની ગરિમા અને તેમની ગોપનીયતાની પણ રક્ષા થવી જોઈએ અને આ મામલો હવે બંધ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટમાં યુવકનો તેના જૈવિક પિતા અંગેનોં દાવો નકારી કાઢવામાં આવ્યો હતો અને તેને તેની માતાના ભૂતપૂર્વ પતિના કાયદેસરના પુત્ર તરીકે માન્યતા આપવામાં આવી હતી.