Bihar Election: ‘માઉન્ટેન મેન’ દશરથ માંઝીના દીકરા ભગીરથ માંઝી કોંગ્રેસમાં જોડાયા, JDUને ફટકો
પટના: આ વર્ષે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની (Bihar Assembly Election) છે, જેને ધ્યાનમાં રાખી રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. રાજકીય પક્ષોએ ચૂંટણી રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે, એવામાં નેતાઓના પક્ષ પલટાની સિલસિલો પણ શરુ થઇ ગયો છે. એમાં આજે માઉન્ટેન મેન તરીકે જાણીતા દશરથ માંઝીના દીકરા અને ભગીરથ માંઝી (Bhagirath Manjhi) જનતા દળ યુનાઈટેડ(JDU) છોડીને કોંગ્રેસ સાથે જોડાયા છે.
ભગીરથ માંઝીના કોંગ્રેસમાં જોડવાથી બિહારની મહાદલિત જાતિઓ, ખાસ કરીને માંઝી સમુદાયના મતો પર કોંગ્રેસનો પ્રભાવ મજબુત થઇ શકે છે. ભગીરથ માંઝીના ઉપરાંત નિશાંત આનંદ, અલી અનવર, ડૉ. જગદીશ પ્રસાદ અને નિગત અબ્બાસ જેવા નેતાઓ પણ કોંગ્રેસમાં જોડાયા.
ભગીરથ માંઝીની JDUમાં અવગણના:
2024ની લોકસભા ચૂંટણી પહેલા, ભગીરથ માંઝી JDUમાં જોડાયા હતા, પરંતુ હવે કોંગ્રેસમાં જોડાયા છે. આ વર્ષે 18 જાન્યુઆરીએ, જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પટના પહોંચ્યા, ત્યારે તેમણે ભગીરથ માંઝીનું સન્માન કર્યું હતું. ત્યારથી, અટકળો હતી કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. અહેવાલ મુજબ JDUમાં તેમની સતત ઉપેક્ષા થઇ રહી હતી, જેથી તેઓ નારાજ હતાં.
આ પણ વાંચો : બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની ફરી તબિયત લથડી, તમામ કાર્યક્રમો રદ્દ
માંઝી vs માંઝી:
ભગીરથ માંઝી પૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય પ્રધાન જીતન રામ માંઝીના વિસ્તારમાંથી આવે છે. ગયા જિલ્લામાં નોંધપાત્ર પ્રભાવ ધરાવતા જીતન રામ માંઝીના પરિવારના સભ્યોને ભગીરથ માંઝીના પ્રતિસ્પર્ધી તરીકે જોવામાં આવે છે. જીતન રામ માંઝીની જેમ ભગીરથ માંઝી પણ મુસહર જાતિના છે.
બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ આક્રમક પ્રચાર કરી રહી છે. આવતા મહિને ફેબ્રુઆરીમાં, કોંગ્રેસ જય બાપુ, જય ભીમ, જય સંવિધાન સંમેલનનું પણ આયોજન કરવા જઈ રહી છે જેની શરૂઆત ચંપારણથી થઈ શકે છે.