બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની ફરી તબિયત લથડી, તમામ કાર્યક્રમો રદ્દ
પટણા: બિહારના મુખ્ય પ્રધાન સુશાસન બાબુ નીતીશ કુમારના સ્વાસ્થ્ય અંગે મહત્વના સમાચાર જાણવા મળ્યા છે. તેમની તબિયત અચાનક બગડતા તેમના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે નીતીશકુમાર બપોરે 3:00 વાગે રાજભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવાના હતા, પરંતુ તેમની નાદુરસ્ત તબિયતને કારણે હવે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. એમ જણાવવામાં આવ્યું છે કે તેઓ આજે કોઈ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં.
નીતીશ કુમારને શરદી અને હળવો તાવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હવામાનમાં ફેરફારને કારણે નીતીશકુમારની તબિયત લથડી છે. નાદુરસ્ત તબિયતને કારણે તેમણે આજના બધા પ્રોગ્રામ રદ કરી દીધા છે.
આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નીતિશકુમાર ધ્વજવંદન માટે મહાદલિત ટોળામાં જવાના હતા, પરંતુ તેઓ આ સમારોહમાં પહોંચ્યા જ નહોતા. તેમના સ્થાને વિજયકુમાર ચૌધરી આ સમારંભમાં પહોંચ્યા હતા અને તેમણે માહિતી આપી હતી કે સીએમ નીતીશ કુમારને કોઈ મહત્વપૂર્ણ કામ આવી પડવાથી તેઓ આ સમારોહમાં આવી શક્યા નથી.
આ પણ વાંચો : મજબૂરી કા નામ નીતીશ કુમાર? ભાજપે ચૂંટણી માટે મુખ્ય પ્રધાનનો ચહેરો કર્યો જાહેર…
નોંધનીય છે કે દર વર્ષે નીતીશકુમાર 26મી જાન્યુઆરીના વિશેષ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ આપતા હોય છે. આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન અગાઉથી જ કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક જ નીતીશકુમારનો આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. અહીં એ જણાવવાનું કે 20મી ડિસેમ્બરના પણ નીતીશ કુમાર અચાનક બીમાર પડ્યા હતા. નાલંદાના રાજગીર ખાતેના કાર્યક્રમમાં ભાગ લેવાના હતા ત્યારે બીમાર પડવાને કારણે ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી હતી.