અમ્પાયરે ન બચાવ્યા હોત તો ગઈ કાલે સૂર્યકુમારને કારણે ભારત કદાચ હારી ગયું હોત…
ચેન્નઈ: ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામેની બીજી ટી-20માં ભારતીય ટીમે આઇસીસીના એક નિયમનો ભંગ કર્યો હતો જેને લીધે અમ્પાયરે ગુસ્સે થઈને ભારતીય ટીમને ચેતવણી આપવી પડી હતી.
આ પણ વાંચો : ટી-20 વર્લ્ડમાં સિંઘ ઇઝ કિંગ
ઇંગ્લેન્ડે 20 ઓવરમાં નવ વિકેટે 165 રન બનાવ્યા હતા. ભારતે 19.2 ઓવરમાં આઠ વિકેટના ભોગે 166 રનનો લક્ષ્યાંક મેળવ્યો ત્યારે માત્ર ચાર બૉલ બાકી હતા. તિલક વર્મા (72 અણનમ, પંચાવન બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.
વાત એવી છે કે આઇસીસીના નિયમ મુજબ બોલિંગ કરનારી દરેક ટીમે એક ઓવર પૂરી થયા બાદ પછીની ઓવર એક મિનિટની અંદર શરૂ કરી દેવી પડે.
ઇંગ્લેન્ડની ઇનિંગ્સમાં હાર્દિક પંડ્યાએ બીજી ઓવર પૂરી કરી ત્યાર બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ત્રીજી ઓવર વૉશિંગ્ટન સુંદરને કરવાનું કહ્યું હતું, પરંતુ સૂર્યકુમારે ફીલ્ડિંગ ગોઠવવામાં ખાસ્સો એવો સમય લગાડ્યો હતો. એક મિનિટ પૂરી થઈ ગઈ હતી છતાં વૉશિંગ્ટન નવી ઓવર શરૂ નહોતો કરી શક્યો.
અમ્પાયરની નજર સૂર્યકુમાર એન્ડ કંપની પર જ હતી. તેમણે સૂર્યકુમાર સહિત ભારતીય ટીમને ચેતવણી આપી હતી કે આ ભૂલનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખજો.
જો પછીથી ટીમ ઇન્ડિયાથી આ મૅચમાં આ ભૂલ ફરી થઈ હોત તો ભારતીય ટીમને સજા કરવાના ભાગરૂપે ઇંગ્લેન્ડની ટીમને અમ્પાયરે પેનલ્ટીના પાંચ રન આપી દીધા હોત.
ખરેખર તો દરેક આંતરરાષ્ટ્રીય ખેલાડી આઇસીસીના આવા મહત્વના નિયમથી વાકેફ હોવો જ જોઈએ.
જો અમ્પાયરે ચેતવણી ન આપી હોત અને ટીમ ઇન્ડિયાથી બે ઓવર વચ્ચેના નિર્ધારિત સમયનો ફરી ભંગ થયો હોત તો મૅચના પરિણામની સ્થિતિ કદાચ જુદી હોત.
આ પણ વાંચો : ફેવરિટ ક્રમ ઓપનિંગમાં આતશબાજી કરીને શુભમન ગિલ પાછો ફૉર્મમાં આવી ગયો
ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકર અને કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ આઈસીસીના આ નિયમને ખૂબ વખાણતા જણાવ્યું હતું કે ઘણી ટીમો પછીની ઓવર શરૂ કરવામાં ખૂબ લાંબો સમય લગાડતી હતી જેને લીધે સમગ્ર મૅચ પર વિપરીત અસર થતી હતી.