વૈશ્વિક શૈલીથી ઇચ્છનીય દૂરી
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
સ્થાપત્ય જીવનને સારી તેમજ ખરાબ રીતે અસર કરતું ક્ષેત્ર હોવાથી તેની વર્તમાન પરિસ્થિતિ માટે તો વિશ્લેષણ થવું જ જોઈએ, અને સાથે સાથે આ ક્ષેત્રમાં ભવિષ્યની સંભાવનાઓ માટે પણ વિચાર-વિમર્શ થવો જોઈએ. અત્યાર સુધીના સ્થાપત્યનો ઇતિહાસ જોઈને, ભવિષ્યની સંભાવનાઓ માટે અનુમાન કરી, ચોક્કસ વિષયોને આવરી લેતી ચર્ચાની સ્થાપત્યના ક્ષેત્રમાં, સાંપ્રત સમયે ખૂબ જ આવશ્યકતા છે.
સાંપ્રત સમયમાં સ્થાપત્યમાં વૈશ્વિક શૈલીનું આગવું મહત્ત્વ છે. આજે દુનિયામાં વિવિધ પરિબળોને કારણે સ્થાપત્યના ક્ષેત્રમાં સ્થાપિત થયેલી વિવિધતાનો છેદ ઉડાડી દઈને વૈશ્વિક શૈલીમાં એક જ પ્રકારની વિચારધારાને મહત્ત્વ આપવાનો પ્રયત્ન થાય છે. એ જ સામગ્રી, એ જ તકનીક, એ જ સ્થાપત્યકિય ભાષા, એ જ ઉપકરણો, એ જ પ્રકારનું સ્થાન નિર્ધારણ, એ જ પ્રકારનું બાહ્ય-જડતર, એ જ પ્રકારની હાઈટેક અનુભૂતિ – વૈશ્વિક શૈલીની આ કેટલીક ખાસિયતો સમગ્ર વિશ્વમાં પ્રવર્તમાન થતી જાય છે. આ થઈ સામૂહિકતાની વાત. આ સાથે ઘણીવાર, સ્થાનિક બાબતોને લગભગ નજરઅંદાજ કરી, સ્થપતિ પોતાનું વિધાન સ્થાપિત કરવાનો પ્રયત્ન પણ કરે છે. આવી રચના વ્યક્તિલક્ષી બની જાય છે, સમાજલક્ષી કે સંદર્ભલક્ષી નહીં, પરંપરાલક્ષી કે સંસ્કૃતિલક્ષી નહીં. વૈશ્વિક રચના કે વ્યક્તિગત રચના ભાગ્યે જ યથાર્થવાદી બની શકે. આવા સંજોગોમાં ભવિષ્યના સ્થાપત્ય માટે નવા વિચારની જરૂર છે. અહીં વાત વૈશ્વિક શૈલીની છે.
વૈશ્વિક પરિબળો પોતાનું કામ કરશે જ, પરંતુ સ્થાપત્ય હવે સ્થાન-લક્ષી બનતું જાય તે ઇચ્છનીય છે. જ્યાં સ્થાપત્યની રચના થશે તે સ્થાનનું મહત્ત્વ, ત્યાંની આબોહવા માટેની ગણતરી, ત્યાંની સ્થાનિક પરંપરા, ત્યાંના સ્થાપત્યની ઐતિહાસિક શૈલી, ત્યાંના લોકોની માનસિકતા અને પસંદગી, ત્યાં સ્થાનિક સ્તરે પ્રાપ્ય બાંધકામની સામગ્રી અને તેને લગતી તકનીક જાણકારી – જેવી બાબતો હવે વધુ મહત્ત્વની બનવી જોઈએ. હવે સ્થાનિક ગૌરવ, સ્થાનિક અસ્મિતા તથા સ્થાનિક ઓળખને વધારે મહત્ત્વ મળવું જોઈએ. સમાજની આ માગણી હશે અને સ્થપતિએ તેને અનુરૂપ રચના નિર્ધારિત કરવી પડશે. સમાજ પોતાની સમજ માટે વધુ રક્ષણાત્મક બનશે. આની ચોક્કસ હકારાત્મક અસર સ્થાપત્ય પર થયા વિના રહેશે નહીં.
વૈશ્વિક શૈલીમાં, વ્યક્તિ કે સમાજ જે તે રચના સાથે ભાવનાત્મક સંબંધ બાંધી શકતા નથી. વૈશ્વિક શૈલી પ્રમાણેની રચના કંઈક બહારથી આવેલી ઘટના હોય તેમ પ્રતીત થાય છે. ઘણા સ્થપતિની રચના તો બીજા ગ્રહ પરથી લાવીને ઊભી કરી દેવાઈ હોય તેવી જણાતી હોય છે. થોડા સમય પછી લોકો આવો અભિગમ સ્વીકારી નહીં શકે. વ્યક્તિ અને સમાજને પોતાની ઓળખ અને અસ્તિત્વ માટે ગૌરવ અને માન હોય તે સ્વાભાવિક છે. વૈશ્વિક શૈલીમાં ક્યાંક આ ગૌરવ અને માનને હાનિ પહોંચતી હોય છે.
વૈશ્વિક શૈલીના પોતાના ફાયદા છે, આ ફાયદા વ્યવહા, તકનીકી, આર્થિક તેમજ છબીલક્ષી હોય છે. આ પરિસ્થિતિમાં અહીંના લોકોની જીવનશૈલી કે કાર્યશૈલી, ભાવનાત્મક સંબંધ કે સંલગ્નતા, સાંસ્કૃતિક અગ્રતાક્રમ કે જીવનનાં મૂલ્યો જેવી બાબતો ભાગ્યે જ પ્રતિબિંબિત થતી હોય છે. ભલે આ પ્રકારની વૈશ્વિક શૈલીનો એકવાર સ્વીકાર કરવામાં આવે તો પણ ભીતરના ઊંડાણમાં તો ક્યાંક અસંતોષ અને અસ્વીકારનો ભાવ જાગ્રત રહે છે. ભવિષ્યના સ્થપતિએ આ બાબતે ચિંતિત રહેવું પડશે. જીવનમાં બાહ્ય સંતોષ કરતાં આંતરિક સંતોષ વધુ મહત્ત્વનો ગણાય. ભવિષ્યમાં સ્થાપત્યના ક્ષેત્રએ આ સત્ય સ્વીકારવું પડશે. જો આ માટે સંવેદનશીલતા વિકસે તો, બની શકે કે, નજીકના ભવિષ્યમાં જ સ્થાપત્ય વિશેષતાવાદી શૈલી પ્રમાણે વિકાસ પામે.
વૈશ્વિક સ્થાપત્યની અન્ય એક ખાસિયત એ છે કે, મકાનની ઉપયોગિતા કોઈપણ હોય, તેના દેખાવમાં એક પ્રકારની સામ્યતા જોવા મળે છે. મકાન બૅન્કનું હોય કે શિક્ષણ સંસ્થાનું, ઓફિસ કોમ્પ્લેક્સ હોય કે હૉસ્પિટલ-કોન્ક્રીટનું માળખું બનાવી તેના પર કાચ અને સ્ટીલ જડી દેવાય છે. અંદરની ઉપયોગિતા સાથે બહારના દેખાવને, બહારના ફસાડને કોઈ સંલગ્નતા નથી હોતી. વૈશ્વિક શૈલી મુખ્યત્વે દેખાવ આધારિત હોય છે તેમ પણ કહી શકાય. અહીં આકાર ઉપયોગિતા પ્રમાણે નિર્ધારિત નહીં પણ મનસ્વી પ્રમાણે નિર્ધારિત થતો હોય તેમ જણાય છે. વૈશ્વિક શૈલીમાં, સાથે સાથે, ગ્રીન બિલ્ડિંગની વાતો પણ થતી જોવા મળે છે. જો વાસ્તવમાં ગ્રીન બિલ્ડિંગનો વિચાર અમલમાં મુકાતો હોય તો તે આવકાર્ય છે, પરંતુ ઘણીવાર તો આ પ્રકારની માત્ર વાતો સાંભળવા મળતી હોય છે. દંભ, વૈશ્વિક સ્થાપત્યની એક જોખમી આડ પેદાશ છે.
વૈશ્વિક સ્થાપત્ય શૈલીમાં સામગ્રીનો ભરપૂર ઉપયોગ થતો હોય છે. સામગ્રીના આવા પ્રચુર ઉપયોગ સામે વિરોધ ઉઠવા માંડ્યો છે. ઘણીવાર તો માત્ર દેખાવ માટે અમુક સામગ્રીનો અધિકતમ ઉપયોગ જોવા મળે છે. ભવિષ્યના સ્થાપત્યમાં આ સ્વીકાર્ય નહીં હોય. બાંધકામની સામગ્રી હોય કે ઊર્જાનાં ઉપકરણો, જમીન હોય કે પાણીની ખપત, બધી જ જગ્યાએ બધા જ પ્રકારની કરકસર જરૂરી બનશે. આવો કરકસરયુક્ત વપરાશ નવા જ પ્રકારના સ્થાપત્યને વેગ આપશે. પછી બગાડ બંધ થશે અને માત્ર વપરાશ માન્ય હશે. પછી અતિ વર્જિત હશે અને જરૂરીને જ સ્વીકૃતિ મળશે. પછી કાર્યક્ષમતાને મહત્ત્વ અપાશે, વૈભવ ને નહીં. આનો અર્થ એ નથી કે દૃશ્ય અનુભૂતિની સંભવિત સમૃદ્ધિ સાથે બાંધછોડ કરાશે. જે જરૂરી છે, જે યોગ્ય છે, જે માન્ય છે, જે શક્ય છે, અને જે સ્વીકૃત છે તે તો થશે જ અને સાથે સાથે સ્થાપત્યનો જમીન સાથેનો સંબંધ પણ દ્રઢ થતો જશે. આમ પણ માનવીએ પર્યાવરણલક્ષી બની કરકસર યુક્ત વ્યવહાર તો કરવો જ પડશે.