છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં એફડીઆઈમાં 533 ટકાનો વધારો
અમદાવાદઃ ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસના મોડેલ તરીકે ઊભરી રહ્યું છે ત્યારે ગુજરાતે વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રવાહમાં સતત નવા માપદંડો સ્થાપિત કર્યા છે. છેલ્લા દાયકામાં ગુજરાતના એફડીઆઈમાં 533 ટકાનો વધારો નોંધાયો છે.
તાજેતરમાં ડિસેમ્બર 2024માં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2024 સુધી ગુજરાતે પ્રાપ્ત કરેલા કુલ એફડીઆઈ ઇક્વિટી ઇન્ફ્લોના 86 ટકા છેલ્લા એક દાયકામાં એટલે કે એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 સુધીમાં નોંધાયા છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર ગુજરાતની સરખામણી: ઉદ્યોગ, ઔદ્યોગિક ચુંબક અને આંકડાઓ સાથે વિરોધીઓને ફડણવીસે આપ્યો જવાબ
ગુજરાતે એપ્રિલ 2000થી માર્ચ 2014 સુધી માત્ર 9.51 અબજ ડોલર જેટલો એફડીઆઈ ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત કર્યો હતો. તો એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 દરમ્યાન ગુજરાતે હરણફાળ ભરતાં 57.65 અબજ ડોલરનો એફડીઆઈ ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત કર્યો હતો, જે પાછલા 24 વર્ષોમાં ગુજરાતે મેળવેલા 67.16 અબજ ડોલર એફડીઆઈ ઇક્વિટી ઇન્ફ્લોના 86 ટકા છે.
2024-25માં 3.95 અબજ ડોલર
ડીપીઆઈઆઈટીના રિપોર્ટ મુજબ, નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા છ માસમાં ગુજરાતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણના પ્રવાહમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નાણાંકીય વર્ષ 2023-24માં એફડીઆઈ ઇક્વિટી ઇન્ફ્લો 2.29 અબજ ડોલર હતો, જે નાણાંકીય વર્ષ 2024-25માં 72.5 ટકા વધીને 3.95 અબજ ડોલર થયો હતો.
આ જ સમયગાળામાં રાષ્ટ્રીય સ્તરે પણ એફડીઆઈ ઇક્વિટી ઇન્ફ્લો 20.49 અબજ ડોલરથી વધીને 29.79 અબજ ડોલર થયો છે, જે 45.4%ની વૃદ્ધિ દર્શાવે છે. આ સૂચવે છે કે, ગુજરાતે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધારે ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત કરીને રાજ્યને રોકાણ માટે મુખ્ય સ્થળ તરીકે સ્થાપિત કર્યું છે.
આપણ વાંચો: ગુજરાત-જાપાન પાર્ટનરશીપ ડે અંતર્ગત થયા પાંચ જેટલા કરાર
એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2024 સુધીમાં ભારતમાં કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણનો પ્રવાહ 1.03 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યો છે. આ આંકડામાં એફડીઆઈ ઇક્વિટી ઇન્ફ્લોને સમજીએ, તો છેલ્લા 24 વર્ષમાં ભારતમાં 708.65 અબજ ડોલરનો એફડીઆઈ ઇક્વિટી ઇન્ફ્લો આવ્યો હતો.