નેશનલ

OLA, Uberના મનસ્વી નિયમો સામે કેન્દ્ર સરકારની લાલ આંખ: નોટિસ ફટકારી માંગ્યો જવાબ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે OLA અને Uberની સામે લાલ આંખ કરતાં નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગે ગુરુવારે કેબ સેવા પૂરી આપનાર ઓલા અને ઉબરને નોટિસ મોકલી છે. સ્માર્ટફોનના આધારે એક જ સ્થળના અલગ-અલગ દરો અંગે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ આ નોટિસ મોકલીને જવાબ માંગવામાં આવ્યો છે.

ફરિયાદો બાદ ફટકારી નોટિસ

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને અહેવાલો અને ફરિયાદો મળી હતી કે ઓલા અને ઉબેર એક જ અંતર માટે અલગ અલગ ભાડા વસૂલ કરે છે, ત્યારબાદ CCPA દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અંતરની કિંમતનું નિર્ધારણ યુઝર્સ આઇફોનથી કે એન્ડ્રોઇડ ડિવાઇસથી બૂકિંગ કરે છે તેના પરથી કરવામાં આવે છે. CCPAએ બંને કંપનીઓને તેમની કિંમત નિર્ધારણ પદ્ધતિઓ સ્પષ્ટ કરવા જણાવ્યું છે.

આપણ વાંચો: એપ આધારિત કેબ ટેક્સી પર RTOની કાર્યવાહી : 8 મહિનામાં રૂ. 19 લાખ કરતાં વધુનો દંડ વસૂલ

પ્રહલાદ જોશીએ કર્યું ટ્વીટ

ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે ગ્રાહક બાબતોના વિભાગે CCPA દ્વારા મુખ્ય કેબ ડ્રાઇવરો ઓલા અને ઉબેરને એક જ જગ્યા માટે અલગ અલગ મોબાઇલ દ્વારા જુદા જુદા ભાવે બુકિંગ કરવા બદલ નોટિસ જારી કરી છે. તેમની પાસેથી આ અંગે સ્પષ્ટતાઓ મંગાવવામાં આવી છે.

https://twitter.com/JoshiPralhad/status/1882338956638880082

ડિસેમ્બર માસમાં થઈ હતી ચર્ચા

આ મુદ્દો ડિસેમ્બર માસમાં ચર્ચામાં આવ્યો હતો. તે સમયે મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે ગ્રાહકોનું શોષણ ક્યારેય સહન કરવામાં નહિ આવે. તેમણે CCPAને આ આરોપોની ઉંડી તપાસ કરવા પણ કહ્યું. તેમણે આવી પ્રવૃત્તિઓને પ્રથમ દ્રષ્ટિએ અયોગ્ય વેપાર પ્રથા અને ગ્રાહકોની પારદર્શિતાના અધિકારની “ઘોર અવગણના” ગણાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button