આમચી મુંબઈ

કૉન્ટ્રેક્ટ કર્મચારીઓની ભરતીમાં એજન્સી માલામાલ

સાડાત્રણ કરોડના વેતન પર એક કરોડની ચુકવણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારનો વેતન પર થઈ રહેલો ખર્ચ વધી રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ રાજ્ય સરકારે ભરતી પર સ્થગિતિ મૂકી દીધી હતી, પરંતુ અત્યારની એકનાથ શિંદેની સરકાર દ્વારા ભરતી ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને ભરતી શરૂ કરવા પહેલાં એવું ધ્યાનમાં આવ્યું હતું કે રાજ્યના સરકારી કર્મચારીઓના વેતન પેટે સરકારને કેટલાક કરોડનો ખર્ચ કરવો પડી રહ્યો છે અને મહેસુલી ખર્ચ અને એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ બંને લગભગ સરખા થવા લાગ્યા હોવાથી આ સીધી રીતે ભરતીનો વિરોધ થવાની શક્યતા જણાઈ રહી હતી. આ બાબતને લઈને સરકારે કૉન્ટ્રેક્ટ ધોરણે ભરતી કરવાનો નિર્ણય મહારાષ્ટ્રની જનતા પર લાદ્યો હતો, પરંતુ આનાથી રાજ્ય સરકારની તિજોરીમાં કરકસર થવાને
બદલે કર્મચારીઓ ઉપલબ્ધ કરાવનારી એજન્સીઓ જ માલામાલ થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રોજગાર ગેરેન્ટી યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ૧૨૬૬ જુનિયર એન્જિનિયરની ભરતી કરી છે, જેમને વેતન માટે રૂ. ૩,૫૦,૬૩,૪૭૨ આપવામાં આવશે. તેની સામે આ કર્મચારીઓ ઉપલબ્ધ કરાવનારી એજન્સીને અંદાજે રૂ. એક કરોડની ચુકવણી કરવામાં આવશે. આ બધું જોતાં તો નાક કરતાં નથણી મોટી કહેવત યાદ આવી જાય છે. સરકારે ફક્ત પોતાની જીદ પુરી કરવા માટે આવી પદ્ધતિ અપનાવી હોવાનું કહેવાઈ રહ્યું છે.

વિવિધ વિભાગમાં કૉન્ટ્રેક્ટ ધોરણે કર્મચારીઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા છઠી સપ્ટેમ્બરના રોજ જીઆર બહાર પાડવામાં આવ્યો હતો અને નવ એજન્સીની નિયુક્તિ કરી હતી. આ બધામાંથી મે. એસ. ટુ ઈન્ફોટેક ઈન્ટરનેશનલ લિ. કંપનીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના હેઠળ કૉન્ટ્રેક્ટ ધોરણે જુનિયર એન્જિનિયરની ભરતી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ એજન્સીના માધ્યમથી ૧૨૬૬ જુનિયર એન્જિનિયર અલગ અલગ જિલ્લામાં કૉન્ટ્રેક્ટ પર કામ કરી રહ્યા છે. આ એન્જિનિયરોને વેતન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નાગપુર ખાતેના રોજગાર ગેરેન્ટી યોજનાના કમિશનરને ભંડોળ વાળવામાં આવ્યું હતું. આ માટે જે પત્ર લખવામાં આવ્યો છે તેના પરથી એવી માહિતી મળી છે કે જુનિયર એન્જિનિયરોને એક મહિનાના વેતન માટે રૂ. ૩,૫૦,૬૩,૪૭૨ આપવામાં આવશે, જ્યારે બીજી તરફ એજન્સી ચાર્જીસ તરીકે સંબંધિત કંપનીને રૂ. ૮૩,૬૯,૯૨૩ આપવામાં આવ્યા છે. સરકારના નિર્ણય મુજબ ૮૩ ટકા રકમ મનુષ્યબળ ઉપલબ્ધ કરાવવાના માનધન પેટે તેમને આપવામાં આવી છે. જ્યારે ૧૬ ટકા રકમ એજન્સી ચાર્જીસ તરીકે આપવામાં આવી છે. આવી જ રીતે એક ટકો રકમ કામગાર સેસ તરીકે કાપી લેવામાં આવશે. આ ઉપરાંત સરકારે આપેલી રકમમાંથી પ્રોફેશનલ ટેક્સ પણ કાપવામાં આવશે અને સૌથી મોટી વાત કે સરકાર આ વ્યવહારમાં થનારા રકમના વહીવટ પર ૧૮ ટકા જીએસટીનો બોજ પણ ઉઠાવશે.
આમ એક તરફ વેતન પરનો ખર્ચ ઘટાડવા માટે કૉન્ટ્રેક્ટ ભરતી કરવામાં આવી, પરંતુ આઉટસોર્સિંગ દ્વારા આ કર્મચારીઓ ઉપલબ્ધ કરાવનારી કંપનીને જ ચાર્જીસના નામે લાખો-કરોડો રૂપિયા મળવાના છે એવું જાણવા મળી રહ્યું છે. એક જુનિયર એન્જિનિયરને કામ કરવા માટે માસિક રૂ. ૩૨,૨૦૦નું વેતન મળે છે, જ્યારે તેને કામ પર રાખનારી કંપનીને મહિને રૂ. ૮૩ લાખથી વધુ રકમ મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button