બુલેટ ટ્રેનના કોરિડોરમાં દોડાવાશે વંદે ભારત, જાણો કારણ?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ભારતીય રેલવેના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ બુલેટ યા હાઈ સ્પીડ ટ્રેન માટે રેલવે પ્રધાનથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી રસ લઈને કામ કરી રહ્યા છે ત્યારે હવે બુલેટ ટ્રેન દોડાવવા માટે નવો અવરોધ આવ્યો છે. 2027ના બદલે હવે બુલેટ ટ્રેન માટે 2033 સુધી રાહ જોવાની નોબત આવી શકે છે.
કોરિડોરમાં 280 કિલોમીટરની ઝડપે દોડાવાશે ટ્રેન
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લઈ નવી અપડેટ સામે મળી છે. દેશની સૌથી પહેલી હાઈ સ્પીડ મુંબઈ-અમદાવાદના કોરિડોર માટે જાપાની શિંકાનસેન બુલેટ ટ્રેન ખરીદવામાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે રેલવે મંત્રાલયે આ જ કોરિડોર માટે નવી સિગ્નલિંગ સિસ્ટમ માટે ટેન્ડર આમંત્રિત કર્યાં છે. શિંકાનસેન ટ્રેન ઓગસ્ટ, 2026 સુધીમાં સુરત-બિલિમોરા સેક્શનમાં લાવવાની હતી, પરંતુ હવે એમાં વિલંબ થશે. હવે આ જ કોરિડોરમાં કલાકના 280 કિલોમીટરના ઝડપની વંદે ભારત ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે.
2033 સુધી બુલેટ ટ્રેનની રાહ જોવી પડશે
હાઈ સ્પીડ વિશેષ ટ્રેનને 2030 સુધી તો ટ્રેન ઓપરેશન સિસ્ટમમાં આવશે નહીં. આ બાબત એ વખતે સ્પષ્ટ થઈ છે, જ્યારે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચઆરએસસીએલ)એ વંદે ભારત ટ્રેન ચલાવવા માટે સિગ્નલિંગ સિસ્ટમ માટે ટેન્ડર બહાર પાડ્યા છે, જેમાં ભારતની સ્વદેશી હાઈ સ્પીડ ટ્રેન તરીકે ડેવલપ કરવામાં આવશે.
આ પણ વાંચો : ભારતીય રેલવે કરશે કમાલ, આવી રહી છે વંદે ભારત પાર્સલ ટ્રેન…
ટેન્ડરના દસ્તાવેજો અનુસાર ટ્રેન ઓપરેશન સિસ્ટમની ડિઝાઈન, નિર્માણ સહિત મેઈન્ટેનન્સનું કામકાજ રહેશે. આ યુરોપિયન ટ્રેન કંટ્રોલ સિસ્ટમ (ઈટીસીએસ) લેવલ-ટૂ હશે, જે શિંકાન્સેન ટ્રેન માટે જાપાની ડીએસ-એટીસી સિગ્નલિંગથી અલગ છે. ઈટીસીએસ-ટૂ માટે કોન્ટ્રાક્ટ ટાઈમ સાત વર્ષનો હશે.
2027માં વંદે ભારત ટ્રેન દોડાવવા માટે તૈયારી
બુલેટ ટ્રેનના કોરિડોરમાં ઈટીસીએસ-2ના પરંપરાગત માળખાનો ઉપયોગ કરવામાં આવશે. 2027માં આ જ ટ્રેક પર વંદે ભારત ટ્રેન દોડાવવાની યોજના છે. ઈ-10 સિરીઝની ટ્રેન (બુલેટ ટ્રેનની એડવાન્સ શ્રેણી)ને 2030 અથવા એના પછીની ડેડલાઈનમાં દોડાવી શકાય છે. નિર્ધારિત યોજના અનુસાર એક વખત શિંકાન્સેન ટ્રેન પૂરી રીતે શરુ કરવામાં આવ્યા પછી વંદે ભારત ટ્રેનના અપગ્રેડેડ વર્ઝન અને ઈટીસીએસને અન્ય પ્રોજેક્ટ્સમાં શિફ્ટ કરવામાં આવશે.