પુણેમાં વધુ એક બીમારીથી સ્થાનિકોમાં ફફડાટઃ 22 કેસ નોંધાયા
પુણેઃ કોરોના મહામારી પછી HMP વાઈરસના ડરથી લોકોમાં આંશિક ડરનો માહોલ છે ત્યારે પુણેમાં એક બીમારીને લઈને લોકોમાં ફફડાટ છે. પુણેમાં ગિલિયન-બૈરે સિન્ડ્રોમ (જીબીએસ)ના ૨૨ શંકાસ્પદ કેસ નોંધાયા બાદ કોર્પોરેશને તત્કાળ સુરક્ષા સંબંધિત આરોગ્યના પગલાં લીધા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ દર્દીઓની વિગતવાર તપાસ હાથ ધરી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે આમાંથી મોટાભાગના કેસ શહેરના સિંહગઢ રોડ વિસ્તારમાંથી નોંધાયા છે. ડોકટરોના મતે, ગિલિયન-બૈરે સિન્ડ્રોમ એ એક દુર્લભ સ્થિતિ છે જેમાં અચાનક નિષ્ક્રિયતા અને સ્નાયુઓની નબળાઇ આવે છે.
આપણ વાંચો: HMP વાઈરસનું સંક્રમણ વધ્યુંઃ અમદાવાદમાં નવ મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ…
સિવિલ હેલ્થ વિભાગના ડોક્ટરે જણાવ્યું હતું કે શહેરની ત્રણથી ચાર હોસ્પિટલોમાં છેલ્લા બે દિવસમાં જીબીએસના ૨૨ શંકાસ્પદ કેસ નોંધાયા છે. બોરાડેએ જણાવ્યું હતું કે અમે વિગતવાર તપાસ શરૂ કરી છે અને વૈજ્ઞાનિકો અને રોગચાળાના નિષ્ણાતોની એક પેનલની રચના કરી છે. અમે આ શંકાસ્પદ કેસોના સેમ્પલ પણ વધુ તપાસ માટેઆઈસીએમઆર- એનઆઈવીને મોકલી દીધા છે.
તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે બેક્ટેરિયલ અને વાયરલ ચેપ સામાન્ય રીતે જીબીએસનું કારણ બને છે કારણ કે તે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. આ બાળકો અને યુવા વય જૂથો બંનેમાં થઈ શકે છે.
જો કે, જીબીએસ વૈશ્વિક રોગચાળાનું કારણ નહીં બને. સારવારથી મોટા ભાગના દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે. મોટા ભાગના શંકાસ્પદ દર્દીઓની ઉંમર ૧૨થી ૩૦ વર્ષની વચ્ચે છે. જો કે, એક ૫૯ વર્ષીય દર્દીનો કિસ્સો પણ સામે આવ્યો છે.