વાહ વૈષ્ણવી વાહ! પાંચ રનમાં હૅટ-ટ્રિક સહિત લીધી પાંચ વિકેટ
જુનિયર વર્લ્ડ કપમાં ગ્વાલિયરની નવી સ્પિનરનો વિક્રમજનક પર્ફોર્મન્સ, ભારતે ત્રણ જ ઓવરમાં લક્ષ્યાંક મેળવી લીધો
ક્વાલાલમ્પુરઃ મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં જન્મેલી લેફ્ટ-આર્મ સ્પિનર વૈષ્ણવી શર્મા (4-1-5-5)એ અહીં આજે ગર્લ્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં પોતાની પહેલી જ મૅચમાં વિક્રમજનક પર્ફોર્મ કર્યું હતું અને ભારતને આસાન વિજય અપાવ્યો હતો.
વૈષ્ણવીએ યજમાન મલયેશિયા સામેની લીગ મૅચમાં હૅટ-ટ્રિક લીધી હતી તેમ જ ફક્ત પાંચ રનમાં પાંચ વિકેટ લીધી હતી જે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં નવો વિક્રમ છે. વૈષ્ણવીને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
મલયેશિયાની ટીમ 14.3 ઓવરમાં માત્ર 31 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. 31માંથી 10 રન વાઇડમાં મળ્યા હતા અને એક નો બૉલ હતો. જો આ વધારાના રન ન મળ્યા હોત તો મલયેશિયાની ટીમ 21 રનમાં તંબૂ ભેગી થઈ ગઈ હોત.
ભારતે 2.5 ઓવરમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 32 રન બનાવીને 10 વિકેટના માર્જિનથી વિજય મેળવી લીધો હતો.
આપણ વાંચો: ગર્લ્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપને ત્રણ જ અઠવાડિયા બાકી, જાણો ભારતની ટીમમાં કોણ-કોણ છે?
મલયેશિયાને 31 રનમાં ઑલઆઉટ કરાવવામાં વૈષ્ણવી ઉપરાંત સાથી-સ્પિનર આયુષી શુક્લા (3.3-1.8-3)નું પણ મહત્ત્વનું યોગદાન હતું. તેમણે મલયેશિયાની બૅટિંગ લાઇન-અપનો કચ્ચરઘાણ વાળ્યો હતો. નુર દાનિયા સ્યૂહાદાના સુકાનમાં રમતી યજમાન મલયેશિયન ટીમની એકેય બૅટર ડબલ-ડિજિટમાં નહોતી પહોંચી શકી, ચાર બૅટરના ઝીરો હતા તેમ જ પાંચ રનનો વ્યક્તિગત ટીમમાં હાઈએસ્ટ હતો.
પહેલી ઓપનિંગ બૅટર રનઆઉટ થઈ અને બીજી ઓપનરને પેસ બોલર વી. જે. જોશિથાએ આઉટ કરી ત્યાર બાદ તમામ આઠ વિકેટ વૈષ્ણવી અને આયુષીએ લીધી હતી.
આપણ વાંચો: મહિલાઓનો ટી-20 અન્ડર-19 વર્લ્ડ કપ આવી ગયો…
ભારતને માત્ર 32 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓપનર ગોન્ગાડી ત્રિશા (27 અણનમ, 12 બૉલ, પાંચ ફોર) અને વિકેટકીપર જી. કમલિની (ચાર અણનમ, પાંચ બૉલ, એક ફોર)ની જોડીએ ત્રીજી ઓવરની સમાપ્તિ પહેલાં જ ભારતને વિજય અપાવી દીધો હતો. ભારતીય ઓપનર્સે વિજય અપાવતા અગાઉ છેલ્લા 10માંથી છ બૉલમાં ફોર ફટકારી હતી જેમાંથી પાંચ ફોર ત્રિશાના નામે હતી.
આ ટૂર્નામેન્ટના ગ્રૂપ-એમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત ચાર પૉઇન્ટ તથા 9.148ના રનરેટ સાથે મોખરે છે. શ્રીલંકા (4 પૉઇન્ટ) બીજા નંબરે તેમ જ વેસ્ટ ઇન્ડિઝ (0) ત્રીજા અને મલયેશિયા (0) ચોથા ક્રમે છે.
કુલ 16 દેશની ટીમ આ સ્પર્ધામાં ભાગ રહી છે અને અન્ય ત્રણ ગ્રૂપમાં અનુક્રમે અમેરિકા, સાઉથ આફ્રિકા તથા ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમ મોખરે છે.