તરોતાઝા

આરોગ્ય પ્લસ: કેવી છે પથરીની પળોજણ ….

-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

શું આપ જાણો છો?…

હવે જાણી લો, પથરી એટલે શું?

કિડની કે મૂત્રમાર્ગમાં કડક સ્ફટીક જેવું ખનિજ કે જે, કેલ્શિયમ ઓકઝેલેટ્સ, ફોસ્ફરસ, યુરીકએસિડ વગેરેથી બનેલું હોય છે.

પથરી થવાનાં લક્ષણ:
જો પથરી નાની હોય તો તે પોતાની રીતે પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે, પરંતુ જો મોટી હોય તો એનાં લક્ષણો આવાં હોય છે.

  • કમર, મૂત્રાશય, નાભી, મસ્તક વગેરેમાં ખૂબ જ દુ:ખાવો થાય.
  • પથરી જયારે કિડનીમાંથી મૂત્ર નળીમાં આવે ત્યારે મૂત્રનળી સાંકડી હોવાથી મૂત્ર વિસર્જન સમયે ખૂબ જ પીડા થાય છે અને પેશાબમાં લોહી પણ આવી શકે છે.
  • વારંવાર થોડો થોડો પેશાબ થવો, પેશાબમાંથી દુર્ગંધ આવવી અને શરીરમાં પરસેવો વધુ વળવો.

શું છે પથરી થવાનાં કારણ ? :

  • 20થી 40 વર્ષ સુધીના લોકોને પથરી વધુ પ્રમાણમાં થાય છે.
  • મૂત્રના વેગને રોકવાથી પથરી થવાની સંભાવના વધી જાય છે.
  • વધુ પડતા ગળ્યા, ખારા અને ક્ષારવાળા પદાર્થોના સેવનથી પથરી થાય…
  • પાણી ઓછું પીવાથી તેમ જ પેશાબ ઓછો આવવાથી પણ થાય,,,
  • દારૂના વ્યસનથી.
  • વધારે તડકામાં રહેવાથી કે વધારે શ્રમ કરવાથી.
  • જાડાપણું, ડાયાબિટીસ કે વધારે બ્લડપ્રેશર હોવાથી.
  • મૂત્રાશયનું ઇન્ફેકશન થવાથી.
  • અમુક પ્રકારની દવાઓના સેવનથી.
  • સંભોગ વખતે વીર્યના વેગને રોકવાથી.
  • અમુક લોકોને વારસાગત પણ થઇ શકે છે.

પથરી વિશે આ પણ જાણવું જરૂરી છે….

  • પથરીના દર્દીએ આહારમાં આ ત્રણ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે.
  • પથરી મોટે ભાગે કેલ્શિયમ ઓકઝેલેટ્સથી બનેલી હોય છે એટલે…

(1) ઓછા સોડિયમયુક્ત (મીઠાયુક્ત) આહાર લેવા કેમ જે, ખોરાકમાં વધુ મીઠું (સોડિયમ) આવવાથી તે વધારાનું સોડિયમ લોહીમાં રહેલ કેલ્શિયમને કિડનીમાં જમા કરશે. પછી કિડની તે કેલ્શિયમને મૂત્રનળી દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, તેથી મૂત્રનળીમાં કેલ્શિયમની પથરી થઇ શકે છે.

(2) ઓછા ઓકઝેલેટ્સ યુક્ત આહાર લેવા કેમ કે, આહારમાં ઓકઝેલેટ્સ યુક્ત પદાર્થો વધવાથી તે ઓકઝેલેટ્સનું લોહીમાંથી કિડનીમાં જઇ પથરીમાં રૂપાંતર થાય છે.

(3) વધુ કેલ્શિયમયુક્ત આહાર લેવા… ઘણા લોકો એવું માનતા હોય છે કે, પથરી દરમિયાન કેલ્શિયમ યુક્ત પદાર્થો જેવા કે, દૂધ-દહીં ન જમવા જોઇએ, પરંતુ તે ખોટી માન્યતા છે. આહારમાં કેલ્શિયમની માત્રા ઓછી કરવાથી ઓકઝેલેટ્સની પથરી થવાની શકયતા વધી જાય છે. એટલું જ નહીં, કેલ્શિયમ ઓછું કરવાથી હાડકાં સંબંધી અનેક રોગ થઇ શકે છે.

દર્દી માટે આહાર શું જમવું ?

  • રોજ 3-4 લિટર પાણી પીવું.
  • વધુ કેલ્શિયમયુક્ત આહાર લેવો,જેમકે દૂધ, દહીં, સફરજન, કેળાં, સૂકામેવો વગેરે….
  • પાણીમાં જવ નાખી ઉકાળીને ગાળી લેવું, તે છૂટથી પીવું.
  • કળથી, મેથી, મૂળા અને તાંદળજાની ભાજી વધુ લેવી.

શું ન જમવું ?

  • વધુ મીઠાયુક્ત આહાર
  • વધુ ઓકઝેલેટ્સયુક્ત આહાર : નશીલા પદાર્થો, દ્રાક્ષ, નારંગી, સ્ટ્રોબેરી, બીટ, ગાજર, ફલાવર, રીંગણા, લીલાં મરચાં, શક્કરિયાં, મરી, વગેરે.
  • પોલિશ કરેલા ચોખા, ઘઉંનો લોટ વગેરે ઓછા ખાવા.
  • ક્ષારવાળા પદાર્થો ખૂબ જ ઓછા જમવા : ટમેટાં, પાલખ, આદિ ભાજી, રીંગણ, ભીંડો, મગફળી, શક્કરિયા, બીટ વગેરે…
  • કોઇ પણ પ્રકારની સોડા ન લેવી. ચા-કોફી પણ વધુ ન લેવા.
  • વધુ ગળ્યાં અને ખાટાં પદાર્થો ઓછાં જમવાં.

શું છે પથરીના અકસીર કહી શકાય એવા ઉપચાર ?

  • સવાર-બપોર અને સાંજ 1 ચમચી ગોખરુનું ચૂર્ણ ફાકીને
    પાણી પીવું.
  • રોજ સવાર-સાંજ નાળિયેરના પાણીમાં 1 ચણા જેટલું સિંધાલૂણ નાખીને પીવાથી પથરી તૂટીને ભૂકો થઇ પેશાબ દ્વારે નીકળી જાય છે.
  • મૂળાના પાનની ઘીમાં બનાવેલી ભાજીમાં લીંબુનો રસ મેળવી રોજ જમવાથી કિડનીની પથરી ઓગળી જાય છે.
  • લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
  • 1 ગ્લાસ નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવીને રોજ સવારે પીવું.
  • કારેલાનો રસ છાશ સાથે પીવો.
  • એક મહિના સુધી રોજ સવારે ગાયના દૂધની છાશમાં
    સિંધવ-મીઠું નાખીને ઊભાં ઊભાં પીવાથી પથરી પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.
  • રોજ રાત્રે 50 ગ્રામ કળથી પાણીમાં પલાળી, તેને સવારે ઉકાળી ગાળીને પીવાથી પથરી મટે છે.
  • ઘઉં અને ચણાને સાથે ઉકાળીને, તેના ઉકાળામાં ચપટી સુરોખાર
    નાખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભૂકો થઇ જાય છે.
  • રોજ દાડમ ખાવું અથવા 1 કપ દાડમનો જયૂસ પીવો.

સાવધાની

  • પાણી વધુ પીવું.
  • કબજિયાત ન રહે તેની ખાસ સાવધાની રાખવી.
  • રોજ 25થી 30 મિનિટ શ્રમ કરવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button