દો દિલ તૂટે પર દો દિલ નહીં હારેઃ એક બાંગ્લાદેશી માલિક ભારત આવી ચડેલી હાથણી માટે જંગે ચડ્યો
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશના સંબંધો હાલમાં તણાયેલા છે. બન્ને દેશો વચ્ચેની સરહદ સામાન્ય લોકો માટે ભલે હોય, પરંતુ કુદરત અને પ્રકૃતિ માટે નથી હોતી. હવા કે નદીનું જળ જેમ સરહદો નથી જોતું તેમ પક્ષી-પ્રાણીઓ પણ નથી જોતા, પરંતુ એક પ્રાણીએ અજાણ્યા કરેલી ભૂલ હાલમાં તેની અને તેના માલિક માટે ઉપાધિ બની ગઈ છે.
આ પણ વાંચો: શું પ્રાણીઓ પણ પોતાનાં સંતાનોના નામ પાડતા હશે ?
આ વાત છે હાથણી ચંદ્રતારા અને તેના બાંગ્લાદેશી માલિક અતિકુરની. એકાદ વર્ષ પહેલા એવો એક પણ દિવસ ન હતો કે અતિ અને ચંદ્રતારાએ એકબીજાને ન જોયા હોય કે વહાલ ન કર્યું હોય, પણ બન્નેની વચ્ચે એક લકીર આવી ગઈ અને તેના લીધે તેમનું પુનર્મિલન હવે કાયદાની જાળમાં ફસાયું છે. આ વાત છે બાંગ્લાદેશી અતિકુર અને તેની ભારત આવી ચડેલી હાથણી ચંદ્રતારાની.
કઈ રીતે ચંદ્રતારા આવી ભારત
ચંદ્રતારા, એક પાળેલી હાથણી છે અને અતિકુર તેનો માલિક હોવાનો દાવો કરે છે. ચંદ્રતારાએ ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં પશ્ચિમ કૈલાશહર નજીક એક અસુરક્ષિત વિસ્તારને અજાણતા પાર કર્યો હતો અને ગયા વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ ભારતના સરહદી ગામમાં પહોંચી હતી. આ હાથણીને વન વિભાગે સરહદ પર ફરતી જઈ અને બીએસએફના જવાનોને જાણ કરી. દરમિયાન બે સ્થાનિકોએ હાથણની માલિકીના દાવા કર્યા પણ કોઈ જાતના પુરાવા આપી ન શક્યા એટલે વન વિભાગે તેને પોતાની કસ્ટડીમાં લઈ લીધી
અતિકુર હાથણીને પાછી મેળવવા કરી રહ્યો છે પ્રયાસ
બીજી બાજુ બાંગ્લાદેશમાં બેસીને અતિકુરે તેના ભારતીય સંબંધીઓ મારફત બીએસએફ અને ત્રિપુરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોટોગ્રાફ્સ અને માલિકીના દસ્તાવેજો મોકલ્યા છે. એક વિડિયો સંદેશમાં તેણે કહ્યું, ભારત એક મહાન દેશ છે અને આ ભૂમિના કાયદાઓનું ખૂબ સન્માન કરું છું. મને વિશ્વાસ છે કે કાનૂની ગૂંચવણો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે અને મને મારી ચંદ્રતારા મળી જશે.
અતિકુરે કહ્યું કે ચંદ્રતારા ખોરાકની શોધમાં રખડતી હશે ને ભૂલથી સરહદ પાર વિસ્તારમાં ઘુસી ગઈ હશે. અતિકુરે બાંગ્લાદેશના કમલગંજ પોલીસ સ્ટેશનમાં સામાન્ય ડાયરીમાં પણ નોંધણી કરાવી છે અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશને ફરિયાદ પણ કરી છે. તેના સંબંધીએ ઉનાકોટી જિલ્લા કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે વન્યજીવ અધિકારીએ જણાવ્યું કે આ કેસની સુનાવણી 21 જાન્યુઆરીએ થશે. ત્યારે આશા રાખીએ કે જો ખરેખર અતિકુર હાથણીનો માલિક હોય તો તેને તેની ચંદ્રતારા મળી જાય.
હાથીઓ પોતાની સાથે રહેનારાથી ખૂબ જ ભાવનાત્મક રીતે બંધાયેલા હોય છે. ચંદ્રતારા પણ માલિક અતિકુર સાથે આ રીતે જ જોડાયેલી હશે, માત્ર તે બોલી શકતી નથી જ્યારે અતિકુર જે રીતે એક વર્ષથી પોતાની હાથણી ફરી મેળવવા પ્રયાસ કરી રહ્યો છે તે જોતા હાથી મેરે સાથી ફિલ્મ યાદ આવી જાય છે.