વીક એન્ડ

શું પ્રાણીઓ પણ પોતાનાં સંતાનોના નામ પાડતા હશે ?

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

મારી દીકરી નાની હતી ત્યારે એને હું અનેક વાર્તાઓ કહેતો… પંચતંત્ર, હિતોપદેશ, ઈસપની બોધકથાઓ, બત્રીસ પૂતળીની કથાઓ અને પછી એક દિવસ એવો આવ્યો કે જ્યારે મારી કથાઓનો ખજાનો ખૂટવા માંડ્યો. પછી જૂની કથાઓમાં ઉમેરી ઉમેરીને કથાઓ ચાલુ કરી, પણ ડખો એવો થયો કે દીકરી કથાનું મૂળ પારખી જાય. હવે આપણે સલવાયા… તો મનથી બનાવી જોડી કાઢીને વાર્તાઓ કહેવી પડે. વાંદરા અને કાગડા અને કાબર અને અન્ય પ્રાણી પંખીઓ વાર્તાનો ભાગ બનતા ગયા. એક હતું વાંદરાનું બચ્ચું, ને એ એક દિવસ રમતું રમતું નિહાળે પહોંચી ગયું, પછી એનું એડમિશન કરાવ્યું, ને એ દસમું ધોરણ અને કોલેજ પણ પાસ કરે! નોકરીના ઇંટરવ્યૂ આવે જીપીએસસી અને યુપીએસસીને એમ ચાલ્યા કરે, પરંતુ આ વાર્તાયાત્રામાં જે પ્રાણી પંખીઓનાં નામ પાડ્યા હોય એ એક પછી એક મારી દીકરીને પણ ઉપનામ તરીકે મળતા જાય. ક્યારેકે એને હાથીડુ કહું તો એ હાથીની જેમ ડોલતી ડોલતી આવે, ક્યારેક મગન વાંદરું કહીને બોલાવું તો હૂપાહૂપ કરી મૂકે. મૂળ વાત એટલી કે બાળકો ભાષા, શબ્દો અને તેની સાથે જોડાયેલા ભાવો સાથે જોડાતા જાય અને ભાષાના મૂળ ઘટકો શીખે.

હવે કરીએ વાત ભાષાની, તો દરેક જીવને પોતાની ભાષા હોય છે, ફરક માત્ર એટલો કે માનવની ભાષા પ્રાણીઓ નથી સમજતા અને પ્રાણીઓની ભાષા માનવ નથી સમજતા. માનવ અને પ્રાણીઓની ભાષામાં કે આપણી ભાષામાં વૈજ્ઞાનિક રીતે અવાજોને નિયત કરવામાં આવ્યા છે જે આપણે જ સમજીએ છીએ. પરંતુ પ્રશ્ર્ન એ થાય કે શું આપણી જેમ જ પ્રાણીઓએ પણ અવાજોના અર્થ નક્કી કર્યા હશે કે કેમ? પંખીઓના ગેરકાયદેસર માર્કેટમાં ક્યારેક ક્યારેક ટ્રેન કરેલો પોપટ મળી જશે. જે સીતારામ અને રાધેશ્યામ બોલતો હશે. આ પોપટને માનવના શબ્દો બોલતા શીખવવામાં આવ્યું હોય છે, પરંતુ શું કૂતરું કે બિલાડી કે સિંહ અને વાઘ જંગલમાં ફરતા માનવને કહેતો જોયો છે કે એય રામજીભાઈ, સાંજ પડી હવે ઘર ભેગા થાવ નહિતર કોળિયો કરી જાઈશ ? સાલું બને પણ ખરું હો કે સિંહ કે વાઘ આવું કશુંક કહી રહ્યા હોય અને આપણે સમજી ન શકતા હોઈએ!

વર્ષો પૂર્વે અમે એક પ્રકૃતિપ્રેમીના ઘરે ભરબપોરે વ્હેલ માછલીઓના કોલનું રેકોર્ડિંગ સાંભળેલું ત્યારે અમે આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ ગયેલા. દરિયામાં વ્હેલ માછલીઓ અંદરોઅંદર વાતો કરતી હોય અને તેનું પાણીની અંદર કેવી રીતે રેકોર્ડિંગ કર્યું હશે તે અમને માંડ માંડ ગળે ઊતરેલું. ત્યારે એ પણ જાણવા મળેલું કે પ્રાણીઓના અવાજો માત્ર અવાજો નથી હોતા, પરંતુ અર્થસભર પ્રત્યાયન હોય છે. વાઈલ્ડલાઈફમાં વધુ ઊંડે ઉતાર્યા બાદ ખ્યાલ આવેલો કે પ્રાણીઓ અને પંખીઓના અવાજોનું રેકોર્ડિંગ કરીને તેનો વૈજ્ઞાનિક અભ્યાસ પણ થાય છે. આવા વૈજ્ઞાનિક અભ્યાસને બાયો એકોસ્ટિક્સ કહેવાય છે. બાયો એકોસ્ટિક્સનો અર્થ થાય છે પ્રાકૃતિક વાતાવરણમાં પ્રાણીપંખીઓના ધ્વનિ એટલે કે અવાજો. આવા જ એક રસપ્રદ અભ્યાસમાંથી થોડી નવાઈ પમાડે એવી વાતો જાણવા મળી છે જેને કેન્દ્રસ્થાને રાખીને આપણે આજે નિસર્ગના નિનાદને સાંભળવાનો છે.

આફ્રિકામાં સિંહ, ચિત્તાની માફક હાથીઓ પર પણ ઘણા અભ્યાસો થયા છે. આવા અભ્યાસ ચાર-છ મહિના નહીં પરંતુ દાયકાઓ સુધી ચાલ્યા છે અને આજે પણ ચાલુ જ છે.

દાયકાઓના અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોને લાગ્યું કે હાથી ટોળાનું પ્રાણી એટલે કે સામાજિક પ્રાણી છે અને પોતાની આખી એક આગવી સમાજ વ્યવસ્થા છે. આ સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવામાં હાથીઓ અને તેમના ઝુંડ વચ્ચે થતાં પ્રત્યાયનનો મહત્વનો ફાળો છે. પ્રત્યાયન એટલે આમ ભાષામાં વાતચીત. હાથીઓના ટોળામાં વસતા હાથીઓ પરસ્પર અને પોતાના જૂથ સાથે જુદા જુદા પ્રકારના અવાજો કરે છે, અને દરેક અવાજનો અલગ અલગ અર્થ હોય છે.

હાથીની ચીંઘાડ કહીએ છીએ. હાથીના અવાજોને અંગ્રેજીમાં રંબલ કહેવાય છે. રંબલનો ગુજરાતી શબ્દ છે ગડગડાટ. વાદળોના ગડગડાટ જેવો અવાજ હાથી કરતો હોવાથી તેને રંબલ કહેવામાં આવે છે. જુદી જુદી સ્થિતિઓમાં હાથીઓ અલગ પ્રકારનું રંબલ કરતાં હોય છે. તેથી વૈજ્ઞાનિકોને પ્રશ્ર્ન થયો કે શું હાથીઓ એકબીજાના નામ પણ પાડતા હશે ?

હાથીઓ પર અભ્યાસ કરતાં વૈજ્ઞાનિકોએ હાથીઓના અવાજો એટલે કે ‘કોલ્સ’ રેકોર્ડ કરવાનું અને તેનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી અભ્યાસ કરવાનું ચાલુ કરેલું. વૈજ્ઞાનિકોએ બે પ્રકારના કોલ્સ તારવ્યા. એક કોલમાં હાથીઓના ઝૂંડનો એક હાથી બીજા સાથે ચોક્કસ સંદેશ મોકલવા અવાજ કરે તે અને બીજા કોલ્સ છે માતા હાથી પોતાના બાળકને શાંત કરવા માટે કરે તે અવાજ. હાથણી કહેશે અલેલેલેલે માલો દીકો… ક્યાં જતો રહ્યો અને હાથણીનો દીકો તેને જવાબ પણ આપે છે કે હાઉકલી… મા મૈ એ રહા! શબ્દોને નથી પકડવાના મિત્રો, પરંતુ કહેવાનો મતલબ એટલો કે હાથીઓનું સૌથી વધુ જરૂરી પ્રત્યાયન મા અને સંતાનો વચ્ચે થાય છે. હાથીના તોફાની બાળકોને માતા હાથી ચોક્કસ નામ આપે છે, તેને એ વસ્તુ સમજાવે છે કે આ તારું નામ છે, એ નામે બોલાવું એટલે તું ગમે તેવાં તોફાનો કરવામાં વ્યસ્ત હોય તો તારે એ છોડીને મારુ સાંભળવાનું… મજાની વાત એ છે કે મા પોતાના હાથીડા કે હાથીડીનું નામ પાડે અને એ બચ્ચાંને સમજાઈ જાય કે આ એનું નામ છે ત્યાર બાદ હાથીનું આખું ઝુંડ એ હાથીડા કે હાથીડીને તેની માએ પડેલા નામથી જ બોલાવે છે. વૈજ્ઞાનિકોએ જ્યારે એ જાણ્યું ત્યારે તેઓ પણ તાજજુબ થઈ ગયેલાં. તો તમે જ્યારે તમારા સંતાન, પૌત્ર કે પૌત્રીને ઉલુલુલુલુલુલુલુ માલુ દીકલું એવું કહીને રમાડો ત્યારે યાદ કરજો કે દુનિયાના કોઈ છેડે કોઈ હાથણી પણ પોતાના દીકલા દીકલીને એ જ રીતે વ્હાલ કરતી હશે….

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker