કેન્વાસઃ દુનિયાને કૉફી ભાવે, પણ ભારતને ચાની ચાહ!
અભિમન્યુ મોદી
ચાના દેશમાં કોફીના વખાણ કરવા થોડા અઘરા છે, પણ કોફી એ કોફી. કોફી પીવાના ઘણા લાભાલાભ ગણાવી શકાય. કોફી પીવાનો એક મોટો ફાયદો સંશોધકોને છેલ્લાં થોડાંક વર્ષો દરમિયાન ધ્યાનમાં આવ્યો હતો. દરરોજ કોફીની લહેજત માણનારી વ્યક્તિમાં આપઘાત કરવાની શક્યતા પચાસ પ્રતિશતથી વધુ ઘટી જાય છે! કોફીનું સેવન શરીરમાં બાયોલોજીકલ ફેરફાર તો કરે જ છે, પણ માનસિક સ્તર ઉપર મસ્ત મોટીવેશનલ બુસ્ટ આપે છે, જે વ્યક્તિની મરી જવાની ઈચ્છા ઉપર સીધો કાપ મૂકે છે.!
કોફી પ્રત્યે માનવજાતને પ્રેમ નથી, પણ વળગણ કહી શકાય એવો મોહ છે. પેટ્રોલિયમ પછીની જગતની સૌથી મોંઘી કોમોડિટી કોફી છે. બ્રાઝિલ જેવો સેક્સી દેશ કોફીનું ઉત્પાદન બંધ કરી નાખે તો એની ઈકોનોમી કાયમી ધોરણે પંગુ બની જાય. કોફી મોંઘી હોવા છતાં ચા કરતાં વધુ પીવાય છે. આ હકીકત જ એક અજાયબી છે. આજ સુધી એક પણ પ્રોડક્ટમાં એવું નથી થયું કે એના સસ્તા વિકલ્પ ઉપલબ્ધ હોવા છતાં મોંઘી પ્રોડક્ટ વેચાતી હોય. વળી વિરોધાભાસ એ છે કે આપણા વડવાઓને કોફીની આદત ન હતી.. કોફીને એક પીણાં તરીકે પીવાની શરૂઆત હજુ માંડ ચારસો-પાંચસો વર્ષ પહેલાથી થઇ છે. આજે રોજના અઢી અબજ કપ કરતાં વધુ કોફી પીવાય છે. સોમરસ અને મદિરાપાન જ્યાંના સાહિત્યમાં સમાવિષ્ટ હતા એવા ભારતમાં કોફી કલ્ચર બહુ મોડું આવ્યું. કોફી કલ્ચર આવ્યું, પણ અહીંથી સરહદો વટાવીને વિદેશોમાં ન ગયું. ભારતની એક પણ કોફી બ્રાન્ડ વૈશ્વિક સ્તર ઉપર ઓળખાતી નથી.
જર્મન સરમુખત્યાર અને બીજા વિશ્વયુદ્ધનો જનક એવો હિટલર, રશિયન તુંડમિજાજી સરમુખત્યાર સ્ટાલીન, માર્ક્સીસ્ટ થિયરીનો પ્રણેતા અને રશિયન રાજકારણમાં ક્રાંતિ લાવનાર ત્રોત્સકી, યુગોસ્લાવિયાના ઈતિહાસમાં અમર થઇ ગયેલો ટીટો અને લીજેન્ડરી માનસશાસ્ત્રી સિગ્મંડ ફ્રોઈડ ઈ.સ. 1913ના અરસામાં પાસપાસે રહેતા હતા. આ બધા ઈતિહાસ-સર્જકો ત્યાંના કોફીહાઉસની નિયમિત મુલાકાત લેતા. આ બધાનો ક્યારેક આકસ્મિક રીતે એકબીજા સાથે ભેટો પણ થઇ જતો. છેલ્લી અમુક સદીઓની મહાન શોધો, મસમોટા બિઝનેસના પ્રાથમિક પ્લાન, નવી આઈડિયોલોજીનું નિર્માણ, રાજકીય કે સામાજિક ક્રાંતિના શરૂઆતી તણખા વગેરેનો પ્રારંભ જુદા જુદા કોફીહાઉસોમાં થયેલો છે. કોફી ફક્ત આલ્કોહોલથી ડેમેજ થયેલા લીવરને જ સરખું ન કરે, પણ મગજની વિચારશક્તિને પણ બુસ્ટ કરે. ‘અ લોટ કેન હેપન ઓવર કોફી’- કેફે કોફી ડેનું આ સ્લોગન બીજા દરેક કોફીસ્ટોરની ટેગલાઈન કરતાં કોફીને વધુ સારી રીતે વ્યકત
કરે-છે.
માનો યા ન માનો, વિજ્ઞાન પાસે છેલ્લાં પાંચસો વર્ષ દરમિયાન ચલણમાં આવેલી કોફી વિશે જાણકારી વધુ છે અને આદિમાનવના સમયથી ચાલી આવતી સ્તનપાનની પ્રથા અને માતાના દૂધ વિષે માહિતી ઓછી છે! કોફીનો જનસમુદાયના માનસપટલ ઉપરનો કબજો કેટલો સશક્ત છે એનો અંદાજ આ વાતે આવશે.
કોફીના મૂળ ભારતમાં નથી. બટેટા કે ટામેટા પણ ભારતના નથી. ભારતીયોની પરંપરા રહી છે કે ઈમ્પોર્ટ કરી લેવું અને એક્સપોર્ટ કરીને છૂટી જવું. જયારે યુરોપિયનો કે અમેરિકનોના લોહીમાં એવું છે કે ઈમ્પોર્ટ કરેલી વસ્તુને પોતાના પેકેજિંગમાં એ જ વસ્તુના એક્સપોર્ટર દેશને ડબલ કે ટ્રીપલ ભાવે વેચવી. આપણી જ ગળીથી રંગાયેલા જીન્સ આપણને બહુ ઊંચા દામમાં એ લોકો વેચતા જયારે બ્રિટિશરો આપણી ઉપર રાજ કરતા. આ તરેહની આક્રમક વેપાર નીતિ અને લુચ્ચાઈનો અભાવ પણ એક કારણ છે કે કોઈ ઇન્ડિયન બ્રાન્ડ બીજા કોઈ પણ દેશના નાગરિકની લાઈફસ્ટાઈલનો ભાગ નથી બની શકી.
આજ સુધી આપણે એક દવા પણ શોધી શક્યા નથી તો કોઈ લક્ઝરી, લાઈફસ્ટાઈલ બ્રાન્ડ કે ક્ધઝ્યુમર પ્રોડક્ટનો ગ્લોબલ લેવલે સિક્કો જાગે એવી આશા નકામી. તેના માટે સરકારની નીતિરીતિઓ પણ પ્રોત્સાહક હોવી જોઈએ અને ઉદ્યોગપતિએ ફક્ત ઉત્પાદક રહેવાને બદલે સાહસિક બનવું પડે. સાપ પગમાં ડંશ આપી જાય તો ખેતરમાં ને ખેતરમાં કુહાડીથી પોતાનો અંગૂઠો કાપી નાખનારા ખેડૂતો ભારત જેવા દેશમાં વસે છે, પણ અહીંનો કોઈ બેયર ગ્રેલ્સ જેવો સાહસવીર બનીને ડોનાલ્ડ ટ્રમ્પને પણ રાજસ્થાનના રણમાં ઊંટસવારી કરતો દેખાડે એવું દ્રશ્ય અહીં જોવા નહિ મળે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પોતાનો સિક્કો જમાવવાની ધગધગતી મહત્ત્વાકાંક્ષા જોઈએ. અમેરિકા જેવા દેશની ચોપન પ્રતિશત પ્રજા રોજ કોફી પીવે છે.
પ્રોસ્ટેટ કેન્સરથી લઇને ઘણી બીમારીઓ એવી છે જે લાગુ પડવાની શક્યતાઓ નિયમિત કોફીના સેવનથી ઘટી જાય. ફ્રાન્સમાં એક એવું કેફે છે જ્યાં કોફીનો ઓર્ડર કરતાં પહેલા ‘હેલો’ જેવા શબ્દોથી ગ્રીટ ન કરો કે ‘પ્લીઝ’ જેવો શબ્દ ન વાપરો તો તમારે એ જ કોફીનો બીજા કસ્ટમર કરતાં વધુ ભાવ ચૂકવવો પડે. દુનિયા કોફીને એક તેહઝીબ વધારતું પીણું માને છે. જાપાન અને કોરિયામાં તો ‘કેટ કોફી કેફે’ છે, જ્યાં બિલાડાઓ સાથે કોફી પીને ધમાલ કરી શકાય. સૌથી મોંઘી કોફી થાઈલેન્ડના હાથીઓના છાણમાંથી નીકળતા કોફીના દાણામાંથી બને છે. કોફીની આવી અનેક ખૂબીલીટીનો અભ્યાસ કરીને ‘સ્ટારબક્સ’ની સમાંતર એક સામ્રાજ્ય ઊભું થઇ શક્યું હોત, પરંતુ ભારતમાં ચાનું ચલણ છે, કોફી વ્યવહારિક અને પ્રાસંગિક છે.
ઈ.સ. 1932 માં અમેરિકામાં ઓલિમ્પિક્સનું આયોજન થયું હતું. મંદીનો એ દૌર હતો. બ્રાઝિલના ખેલાડીઓ પાસે ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે પૂરતા નાણાં ન હતાં તો એમણે શું કર્યું? અમેરિકા જતા રસ્તામાં કોફી વેચી ને ફંડ ભેગું કર્યું. ફંડ ખૂટી ગયું તો સાન ફ્રાન્સિસ્કો ગયા અને ત્યાં કોફી વેચી. કોફી કેન મેક વન્ડર્સ…આ પીણું આવા ચમત્કાર સર્જી શકે.કોફી પાસે અજાયબ તાકાત છે. કોઈ પણ વસ્તુની આદત, અંતે ખરાબ પરિણામ લાવે, પણ દુનિયાને કોફીનું ઘેલું છે, પણ ભારત તે ઘેલાપણાની રોકડી કરી શકી નથી.