ચહેરા મોહરા – પ્રકરણ:16
પ્રફુલ્લ કાનાબાર
હા, અફસોસ છે કે હું તારી પાસેથી મારા પિતાનું નામ ન જાણી શક્યો… કાશ, નામ જાણી શક્યો હોત તો બસ એક વાર તેમને મળવાની ઈચ્છા હતી… આજે વહેલી સવારના સપનામાં સોહમને પહેલી જ વાર મા દેખાઈ : દીકરા, તું એવા કોઈ રસ્તે ન જતો જ્યાં જવાથી તને અફસોસ થાય અથવા મુશ્કેલીમાં મૂકાઈ જાય.’મા, હું જે રસ્તે જઈ રહ્યો છું, તે અનિશ્ચિતતાથી ભરેલો છે, પરંતુ હવે તો મારી મંઝિલ જ એ છે…. ..હા, અફસોસ તો એક વાતનો જીવનના અંત સુધી રહેશે કે હું તારી પાસેથી મારા પિતાનું નામ ન જાણી શક્યો…કાશ, નામ જાણી શક્યો હોત તો બસ એક વાર તેમને મળવાની ઈચ્છા હતી.’સપનામાં ત્યારે માએ સાડીના ફાટેલા પાલવ વડે સોહમની આંખ લૂછતાં કહેલું :`દીકરા, દરેક સબંધ લેણદેણ પર આધારિત હોય છે. અફસોસ કરવાને બદલે હવે તારા ભવિષ્યનો જ વિચાર કર.’
-અને આ સાથે જ સોહમની આંખ ઊઘડી ગઈ. જે રીતની એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી એ જોઈને સોહમને ભય લાગ્યો કે પેલા નંદગીરીએ જમવામાં ઘેન તો નહીં મેળવ્યું હોય ને ?! સોહમ પથારીમાંથી સફાળો બેઠો થઇ ગયો. ખોરાકમાં ઘેન હતું તેવી શંકા -કુશંકા કરવાનો હવે કોઈ મતલબ પણ નહોતો. આમ પણ જો ખાવામાં ઘેન હોય તો ઉઠતાંની સાથે માથું ભારે લાગવા માંડે.. એની બદલે સોહમ તો ચોકડીમાં મો ધોયા બાદ એકદમ ફ્રેશ થઇ ગયો હતો. સોહમે બારીમાંથી નીચે જોયું તો નંદગીરી ખાટલા પર બેઠા બેઠા બીડી પી રહ્યા હતા. ભોલુ ગાયને ઘાસ નાખી રહ્યો હતો. નજીકમાં જ મહાદેવનું મંદિર હતું. થોડી થોડી વારે સંભળાતા ઘંટનાદથી મંદિરમાં એકલ દોકલ માણસની અવર -જવર વર્તાતી હતી.
સોહમ સીડી ઊતરીને નીચે આવ્યો એટલે નંદગીરીએ તેને આવકારતાં કહ્યું. આઓ ભાઈ આઓ. કિતને સાલ બાદ આરામસે સોયા?'
જી મહારાજ…ઇતની ગેહરી નીંદ સોયે હુએ તો બરસો હો ગયે’ સોહમે સાચી જ વાત કરી. `અચ્છા હુઆ.. તુ ફ્રેશ હો ગયા..કલ મુસાફરી ભી કરની હૈ’ સોહમે નોંધ્યું કે નંદગીરીના અવાજમાં લાગણી છલકાતી હતી. સોહમને એ વાતની નવાઈ લાગી રહી હતી કે માત્ર આઠ કલાકની ઓળખાણમાં નંદગીરી તેને આત્મીયજન લાગવા માડ્યા હતા! જેલમાં તેર વર્ષનો ભારે એકાંતવાસ ભોગવ્યો હોવાથી કદાચ સોહમ હવે માણસનો પ્રેમ ઝંખતો હતો! થોડી વાર બાદ ભોલુ ચા બનાવીને લાવ્યો. ત્રણ રકાબીમાં ચા કાઢીને ભોલુ પણ સાથે જ ચા પીવા બેઠો. સોહમને એ ગમ્યું. થોડી વાર બાદ નંદગીરીએ ઈશારો કર્યો એટલે ભોલુ અંદરથી બે પ્લાસ્ટિક બેગ લઇ આવ્યો, જેમાં બે પેન્ટ અને બે શર્ટ હતા .
તુ સો ગયા થા બાદમેં મૈને ભોલુ કો ગાંધીનગર ભેજા થા તેરે લિયે નયે કપડે ખરીદને કે લિયે’ નંદગીરીએ બીડીનો ઊંડો કશ લઈને કહ્યું. સોહમે કોથળી ખોલીને જોયું કે તદ્દન નવા જ બ્રાન્ડેડ કપડાં હતા. પ્લાસ્ટિકની કોથળી પરબીગ બજાર’નું નામ હતું. સોહમે પ્રાઈસ ટેગ જોઈ. આટલા મોંઘા કપડાં સોહમે આટલી ઉમરમાં ક્યારેય પહેર્યાં નહોતાં. સોહમ સમજી ગયો કે મોબાઈલની જેમ જ આ બે જોડી કપડાં પણ તેને પ્લાનમાં સામેલ થવા માટે જ આપવામાં આવી રહ્યા છે.
સોહમ જાણતો હતો કે હવે આભાર માનવાની ફોર્માલીટી કરવાની જરૂર નથી તેમ છતાં સ્વભાવગત તેનાથી આભારનો ભાર ઓછો થઇ જ ગયો! નંદગીરીની સામે જોઇને એણે કહ્યું : ધન્યવાદ.’ સોહમે પેકિગમાંથી પેન્ટ -શર્ટ કાઢીને ખોલીને હાથ વડે માપ જોઇને ચેક કર્યું. તેના ચહેરા પર સંતોષ છલકાયો. સોહમે જોયું કે ભોલુ તેની ગતિવિધિ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. સોહમે તેની સામે જોઇને પણ સ્મિત કર્યું. ભોલુએ એને એક કાગળ આપ્યો :આ શું છે?’
આ તમારી રેલવેની ટિકિટ બૂક કરાવી તેની પ્રિન્ટ પણ કઢાવતો આવ્યો છું. કદાચ રસ્તામાં ટીસી માગે તો બતાવવા કામ લાગશે.’ સોહમ એ પ્રિન્ટને વાંચી રહ્યો. સોહમના ચહેરા પર પથરાયેલું વિસ્મય જોઇને ભોલુ બોલ્યો:હું ગાંધીનગર ગયો હતો તેથી આ પ્રિન્ટ કઢાવી લાવ્યો. બાકી પ્રિન્ટ ન હોય તો પણ ચાલે.’ સોહમને નવાઈ લાગી :
`ભોલુ, રસ્તામાં ટીસી ટિકિટ જોવા માગે તો શું બતાવવાનું?’
તમે ટીસીને મોબાઈલનો આ મેસેજ બતાવો તો પણ ચાલે. તેમની પાસે જે ચાર્ટ હોય તેમાં તમાં નામ સીટ નંબરની સામે હોય જ.’ સોહમના હાથમાંથી મોબાઈલ લઈને તેમાં રિઝર્વેશનનો જે મેસેજ આવેલો પડ્યો હતો તે ખોલીને બતાવતા ભોલુએ કહ્યું.ખરેખર આ તેર વર્ષમાં ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે.’ સોહમ બોલી ઉઠયો. સોહમને ભૂતકાળના એ દિવસો યાદ આવી ગયા જયારે આંગડિયાની ઓફિસમાં તે નોકરી કરતો હતો. મનોહર રૂબરૂ જઈને અથવા ટ્રાવેલ એજન્ટ મારફતે કાયમ રેલવેનું રિઝર્વેશન કરાવતો હતો. મનોહરની યાદ આવતાં જ સોહમના ચહેરા પર નારાજગી છવાઈ ગઈ. : સાલ્લો દગાબાજ…શેઠની વર્ષોની નોકરીની સામે તેણે દગો કર્યો હતો..વળી મનોહરને કારણે જ તો ખુદ સોહમ પણ ખોટી રીતે ફસાઈ ગયો હતો.એ તો સાં થયું કે ચોરીનો ભેદ ચોવીસ કલાકમાં જ ઉકલી ગયો હતો પરિણામે સોહમ જેલમાં જતા જતા બચી ગયો હતો. જોકે સોહમની નિયતિમાં જેલવાસ લખેલો તો હતો જ..માત્ર બાર કલાકમાં જ આવેશમાં આવીને તે તેના કહેવાતા બાપનું ખૂન કરી બેઠો હતો!
આવા બધા વિચારોમાં ખોવાયેલા સોહમને ખ્યાલ જ ન રહ્યો કે સામે બેઠેલા નંદગીરી તેના ચહેરા પર બદલાતા જતા ભાવનું બારીક નિરીક્ષણ કરી રહ્યા છે :`ભૂતકાલ કો દફના દો.’ નંદગીરીએ બીડીનું ઠુંઠું પગ નીચે દબાવતા કહ્યું. સોહમ તરત વર્તમાનમાં આવી ગયો.
સોહમની એટેચી ઉપરના રૂમમાં જ પડી હતી. સોહમે ઉપર જઈને તેમાં કપડાં મૂકી દીધા. થોડી વાર બાદ ભોલુ પણ ઉપર આવ્યો.તેના હાથમાં પ્રગટાવેલી અગરબત્તી હતી. ધૂપની પવિત્ર સુવાસથી રૂમ મહેકી મ્હેકી ઉઠયો. સામેની દીવાલે શંકર ભગવાનનો મોટો ફોટો હતો. ભોલુ ભાવપૂર્વક અગરબત્તીની ધૂપ જમણા હાથ વડે ફોટાને ચડાવી રહ્યો.સોહમે જોયું કે એ ફોટાની નીચે બાંધેલી પ્લાસ્ટીકની દોરીમાં અલગ અલગ પ્રકારના દ્રાક્ષ બાંધેલા હતા. સોહમે એ તરફ અંગૂલીનિર્દેશ કરીને પૂછ્યુું:
આટલા બધાં દ્રાક્ષ?'
શિવજીની પૂજામાં દ્રાક્ષનું ખાસ મહત્ત્વ છે. એની પૌરાણિક કથા પણ છે.’શું?' સોહમે પૂછયું.'તે કોઈ પણ હિસાબે ભોલુ સાથે વાતચીતનો દોર આગળ વધારવામાંગતો હતો.ભોલુ ઉત્સાહમાં આવીને કહેવા લાગ્યો :
એક વાર ત્રિપૂર નામના દૈત્યે બધા દેવોને જીતી લીધા હતા. બધા દેવ ત્રાહિમામ પોકારી ગયા. એ બધા ભેગા થઈને આખરે શિવજીના શરણે ગયા. એ તમામની પ્રાર્થના સાંભળીને મહાદેવજી પ્રસન્ન થયા. ત્રિપૂરને નાથવા માટે શિવજીએ અઘોર તપ કર્યું. વર્ષો બાદ જયારે શિવજીએ નેત્રો ખોલ્યા ત્યારે તેમની આંખમાંથી જે અશ્રુબિંદુ જમીન પર ટપક્યા તેમાંથી દ્રાક્ષનાં વૃક્ષો થયાં. આજે તો સસ્તા અને મોંઘાએમ કુલ આડત્રીસ જાતના દ્રાક્ષ આવે છે.’
`અરે વાહ..ભોલુ, તારી પાસે તો જ્ઞાનનો ભંડાર છે.’
આ કથા તો મને બાપુએ જ કરી હતી.બાપુ તો ચાર ધામની જાત્રા પણ કરી આવ્યા છે. વળતાં પશુપતિનાથથી ખૂબ જ મોંઘા દ્રાક્ષ પણ લઇ આવ્યા હતા. બાપુને દ્રાક્ષ પર અપાર શ્રદ્ધા છે. નીચે દ્રાક્ષનો આખો પટારો ભરેલો છે. દેશના વિવિધ ભાગોમાંથી દ્રાક્ષ આવે છે..નેપાળથી આવે છે એ મણકાની કિમત તો લાખ સવા લાખ સુધીની હોય છે.’એક મણકાની ?
સોહમની આંખો વિસ્મયથી પહોળી થઇ ગઈ. અચાનક ભોલુ ચૂપ થઇ ગયો. જાણે કે જાહેર ન કરવાની વાત તેનાથી અનાયાસે જ જાહેર થઇ ગઈ હતી! ભોલુના ભોળા ચહેરા પર બોલાઈ ગયા પછીના પસ્તાવાના ભાવ તરવરી રહ્યા. ભોલુનો ચહેરો જોઇને સોહમ પણ હવે ભોલુને વધારે બોલવા માટે મજબૂર કરવા માગતો નહોતો. તેણે પણ વધારે પૂછપરછ કરવાનું ટાળ્યું. રાત્રે રોટલો, ખીચડી, કઢી અને ઓળો જમીને સોહમ ઉપરના રૂમમાં ગયો. બપોરે પૂરતી ઊંઘ લીધી હોવાથી તેની આંખમાં ઊંઘનું નામ નિશાન નહોતું. ભોલુથી અનાયાસે જ બોલાઈ ગયેલી વાત .. નંદગીરી પાસે પટારો ભરીને દ્રાક્ષ છે, જેમાં અમૂકની કિંમત તો સવા લાખ સુધીની પણ છે..
સોહમના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી. તે વિચારી રહ્યો.. એ દ્રષ્ટિએ તો ગામડામાં રહેતાં નંદગીરી પણ કરોડપતિ તો છે જ..ગામ ભલેને તેમને એક સામાન્ય બાવો માનતું હોય! આટલા બધા પૈસા તેમની પાસે ક્યાંથી આવતા હશે? વળી એ માણસ ઘરમાં રાયફલ શા માટે રાખતો હશે ? એનું લાઈસન્સ એની પાસે હશે ખં? સોહમના મનમાં સવાલ અનેક હતા, પણ જવાબ એક પણ નહોતો.સોહમ પથારીમાં પડખા ફેરવતો હતો ત્યાં જ તેને નંદગીરીનો ધીમો અવાજ સંભળાયો..સોહમે અવાજ ન થાય તે રીતે પથારીમાંથી ઊભા થઈને પગથિયા પાસે આવીને એ તરફ કાન માંડયા….
(ક્રમશ:)