રિષભ પંતને થોડા જ દિવસમાં મળી શકે છે આ ટીમની કૅપ્ટન્સી…
નવી દિલ્હીઃ બે મહિનાના લાંબા સમયગાળા બાદ રણજી ટ્રોફીનો નવો રાઉન્ડ ગુરુવાર, 23મી જાન્યુઆરીએ શરૂ થશે અને એમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર સામે રમનાર દિલ્હીની ટીમનું સુકાન થોડા જ દિવસમાં વિકેટકીપર-બૅટર રિષભ પંતને મળી શકે એમ છે.
ન્યૂ ઝીલૅન્ડ સામે ઘરઆંગણે 0-3ની કારમી હાર બાદ અને ત્યાર પછી ઑસ્ટ્રેલિયામાં 1-3થી થયેલા પરાજયને પગલે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાની ફરજ પાડવામાં આવી રહી છે અને પંત એમાંનો એક છે.
બીસીસીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પ્લેયર ઈજાગ્રસ્ત ન હોય અને કોઈ આંતરરાષ્ટ્રીય મૅચ પણ ન રમાવાની હોય તો એ અરસામાં તેણે ડોમેસ્ટિક ક્રિકેટ મૅચો રમવી પડશે. રિષભ પંતે રણજીમાં રમવાની તૈયારી બતાવી છે. શુભમન ગિલ તથા યશસ્વી જયસ્વાલ પણ રમવાના છે. રોહિત શર્માએ મુંબઈની ટીમ સાથે પ્રૅક્ટિસ શરૂ કરી છે.
આપણ વાંચો: શું વાત છે!…આ બોલરે રણજી ટ્રોફીના એક દાવમાં લીધી તમામ 10 વિકેટ…
રોહિત મુંબઈ વતી રણજીમાં રમતો જોવા મળશે કે કેમ એ સવાલ છે, પણ રિષભ પંત દિલ્હી વતી રમવાનો છે એ નક્કી છે. તેને દિલ્હીની ટીમનું સુકાન મળી શકે એમ છે.
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પંતનો રેકૉર્ડ ઘણો સારો છે. તેણે 68 મૅચમાં 4,868 રન બનાવ્યા છે. એમાં તેની બૅટિંગ-સરેરાશ 46.46 અને સ્ટ્રાઇક-રેટ 81.45 છે. આ ફૉર્મેયમાં પંત 11 સેન્ચુરી અને 24 હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે.
આપણ વાંચો: રણજી ટ્રોફી: મુંબઈ ઉપરાંત ગુજરાતની મૅચ પણ ડ્રૉ, બન્નેએ મેળવ્યા ત્રણ-ત્રણ પૉઇન્ટ…
તેણે 2015માં પ્રથમ કક્ષાની ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. બે વર્ષ પહેલાં કાર-અકસ્માતને લીધે તે દોઢ વર્ષ મેદાનથી દૂર રહ્યો હતો અને પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમ્યા બાદ જ આંતરરાષ્ટ્રીય મૅચ માટેના મેદાન પર ઊતરી શક્યો હતો.