મહાયુતીમાં અસંતોષઃ મોદીની મુંબઈ મુલાકાત બની રહેશે મહત્વની, વિધાનસભ્યોની વાત સાંભળશે પીએમ…
મુંબઈ: ગત વર્ષે નવેમ્બેરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતી ગઠબંધને ઐતિહાસિક જીત નોંધાવી હતી, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં સરકાર રચાયાના એક મહિના બાદ ગઠબંધનમાં અસંતોષના અહેવાલો (Mahayuti) મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ એકનાથ શિંદેની શિવ સેના (Shiv Sena EKnath Sinde) કેટલાક વિધાનસભ્યોના વર્તનથી ભાજપ ખૂબ જ નારાજ છે. એવામાં આવતી કાલે બુધવારે વડા પ્રધાન મોદી એક દિવસના મુંબઈ પ્રવાસે (PM Modi Mumbai Visit) આવવાના છે, આ દરમિયાન તેઓ મહાયુતિના વિધાનસભ્યોનો સાથે ચર્ચા કરશે.
આ પણ વાંચો : નવી મુંબઈ એરપોર્ટનું નામકરણ કરવાના પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર 2022થી બેઠી છે: આદિત્ય ઠાકરે
વિધાનસભ્યોને સંબોધન કરશે:
મુંબઈ મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી વિધાનસભ્યોને રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી અંગે અંગે સલાહ-સૂચનાઓ આપશે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ એક અખબાર સાથે વાત કરતા કહ્યું કે વડાપ્રધાન વિધાનસભ્યોને મહાયુતિના વિચારો જનતા સુધી કેવી રીતે પહોંચાડવા અને લોકો સાથે વાતચીત કેવી રીતે કરવી તે જણાવશે.
સુત્રોના જણાવ્યા મુજબ મહાયુતિ ગઠબંધનના 230 થી વધુ વિધાનસભા સભ્યો અને વિધાનસભા પરિષદના 40 થી વધુ સભ્યોને બુધવારે સવારે વિધાન ભવનમાં હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્યાંથી, વિધાનસભ્યોને બસમાં બેસાડીને દક્ષિણ મુંબઈમાં નેવી હોલ INS આંગ્રે લઈ જવામાં આવશે, જ્યાં વડા પ્રધાન મોદી તેમને સંબોધિત કરશે.
નેવીની તાકાત વધશે:
વડા પ્રધાન મોદી આવતી કાલે બુધવારે સવારે નેવલ ડોકયાર્ડ ખાતે નેવીના ત્રણ ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો, INS સુરત, INS નીલગિરી અને સબમરીન INS વાગશીર રાષ્ટ્રને સમર્પિત કરશે. INS સુરતનો 75 ટકા ભાગ ભારતમાં વિકસાવવામાં આવ્યો છે અને તે વિશ્વના સૌથી મોટા અને સૌથી અત્યાધુનિક વિનાશક જહાજોમાંનું એક છે. તે વેપન-સેન્સર પેકેજ અને નેટવર્ક-સેન્ટર કેપેસિટીથી સજ્જ છે. જ્યારે INS વાઘશીરનું નિર્માણ ફ્રાન્સના સહયોગથી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : મુંબઇગરાઓ સ્વેટર, મફલર માળિયે ના ચઢાવતા, હજી ઠંડી વધશે…
આ મદિરના પરિસરનું પણ ઉદ્ઘાટન કરશે:
વડા પ્રધાન મોદી બુધવારે નવી મુંબઈના ખારઘરમાં શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિર સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ISKON)નું આ મંદિર નવ એકરમાં ફેલાયેલો છે. મંદિર સંકુલમાં અનેક દેવતાઓની મૂર્તિઓ, વૈદિક શિક્ષણ કેન્દ્ર, પ્રસ્તાવિત મ્યુઝિયમ અને સભાગૃહનો સમાવેશ થાય છે.