જય શાહના અનુગામી સૈકિયા વ્યાવસાયે વકીલ, શેલાર પછીના ખજાનચી ભાટિયા બિયરના બિઝનેસમાં…
મુંબઈઃ આસામના દેવાજિત સૈકિયા અને છત્તીસગઢના પ્રભતેજ સિંહ ભાટિયા રવિવારે અહીં બીસીસીઆઇની વિશેષ સામાન્ય સભામાં ભારતીય ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થા તેમ જ ક્રિકેટ જગતના સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડના અનુક્રમે સેક્રેટરી અને ખજાનચી તરીકે બિનહરીફ ચૂંટાયા ત્યાર પછી હવે ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં આ બે નવા હોદ્દેદારો કોણ છે એ જાણવાની આતુરતા વધી ગઈ છે.
આ બેઉ ઉમેદવાર ઉપરાંત બીજા કોઈએ પણ સંબંધિત હોદ્દા માટે ઉમેદવારી નહોતી નોંધાવી એટલે તેઓ બિનહરીફ ચૂંટાયા છે.
જય શાહ આઇસીસીના ચૅરમૅન બન્યા એટલે તેમનો બીસીસીઆઇના સેક્રેટરીનો હોદ્દો ખાલી પડ્યો હતો, જ્યારે આશિષ શેલારે મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં કૅબિનેટ સ્તરના પ્રધાન તરીકેના શપથ લીધા એ સાથે બીસીસીઆઇમાં તેમનો પણ હોદ્દો ખાલી પડ્યો હતો.
આપણ વાંચો: જય શાહ આઇસીસીના યંગેસ્ટ અધ્યક્ષ બન્યા, બિનહરીફ ચૂંટાયા
બીસીસીઆઈના નવા સેક્રેટરી સૈકિયા આસામના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટર છે. વ્યાવસાયે તેઓ વકીલ છે. તેઓ ફોજદારી અને વીમા સંબંધિત કાયદાઓના નિષ્ણાત છે અને ગુવાહાટી હાઇ કોર્ટમાં કેસો લડે છે. તેઓ સ્કૂલમાં હતા ત્યારે તેમના ક્લાસમાં હિમંતા બિસવા સરમા પણ હતા. હિમંતા હાલમાં આસામના મુખ્યપ્રધાન છે.
ક્રિકેટ બોર્ડના નવા ખજાનચી ભાટિયાનો પરિવાર વર્ષોથી બિયરના બિઝનેસમાં છે. ભાટિયા તેમની કંપની સિમ્બા બિયરના સહ-સ્થાપક અને સીઈઓ છે.
દરમ્યાન, શનિવારે રાત્રે જય શાહનું બીસીસીઆઇ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત, વિશેષ સામાન્ય સભામાં પણ તેમનું બહુમાન કરાયું હતું.