વીક એન્ડ

ચહેરા મોહરા – પ્રકરણ: 10

પ્રફુલ્લ કાનાબાર

આ એ જ શિવાની હતી જે તેને દિલોજાનથી ચાહતી હતી. આજે જ્યારે સોહમને તેની હૂંફની જરૂર હતી ત્યારે જ શિવાનીએ તેની સાથે છેડો ફાડી નાખ્યો હતો… સાંજે ઑફિસેથી છૂટ્યા બાદ સોહમ ઘરે જઈ રહ્યો હતો ત્યારે ખૂબ જ ખુશ હતો. આજે જીવનની સૌથી મોટી ઘાતમાંથી તે આબાદ ઊગરી ગયો હતો.

દરેક માણસની નિયતિમાં જે નિર્માણ થયું હોય છે તે તરફ જ તે ગતિ કરતો હોય છે, પણ…. સોહમની નિયતિમાં પણ આજે જ આનાથી પણ વધારે ખરાબ ઘટના લખેલી હતી તેનો અંદેશો સુધ્ધાં સોહમને ક્યાં હતો? સોહમ સાંજે ઑફિસેથી આવીને ઘર તરફની ચાલીમાં પ્રવેશ્યા બાદ તેની ગતિ ધીમી પડી ગઈ. ઘરના અધખુલ્લા દરવાજાની બહાર ગઈકાલની જેમ જ સોહમના પગ થંભી ગયા. સોહમે અંદર નજર કરી. બાપુ ગુસ્સામાં હતા.

`રાં…., પૈસા આપે છે કે નહી?’ બાપુ હમેશની જેમ જ દારૂ પીવા માટે માના હાથમાંથી પૈસા ઝૂંટવી રહ્યા હતા. મા મુઠ્ઠીમાં દબાવેલી પાંચસોની નોટ કાઢતી નહોતી. બાપુએ આવેશમાં માને જોરથી ધક્કો માર્યો. મા રસોડાના દરવાજા સાથે અથડાઈ. માના કપાળમાંથી લોહી વહેવા લાગ્યું. બેલેન્સ ન રહેતાં મા જમીન પર ફસડાઈ પડી. પોતાની નજર સમક્ષ જ માને ઘાયલ થતી જોઈને સોહમને કાળ ચડ્યો. તે ત્વરિત ગતિએ ઘરમાં પ્રવેશ્યો. સોહમને અચાનક આવેલો જોઈને બાપુ ચમક્યા. સોહમ બાપુ પર તૂટી પડયો. બાપુનો મા પ્રત્યેનો ગુસ્સો બેવડાયો:

સાલ્લી, તું તારા દીકરાને પણ મારી વિરુદ્ધમાં ભડકાવે છે.'ખબરદાર, મારી માને ગાળ દીધી છે તો..’ સોહમે ત્રાડ પડી. બાપુનો ક્રોધ પણ સાતમા આસમાને હતો. તેમણે સોહમને ધક્કો માર્યો. સોહમ પાછો પડયો. તેણે બંને હાથ પાછળની બંધ બારી પર ટેકવ્યા. સોહમના હાથમાં અનાયાસે જ બારી પર પડેલું ચપ્પુ આવી ગયું.

બાપુ ફરીથી હુમલો કરવા ગયા, પણ તે પહેલાં તો સોહમે હાથમાં આવેલું ચપ્પુ આવેશમાં સીધું બાપુના પેટમાં ઘુસાડી દીધું. બાપુના પેટમાંથી લોહીનો ફુવારો ઊડ્યો. બાપુ જમીન પર પછડાયા.. આ આખી ઘટના આંખના પલકારામાં બની ગઈ. ચીસ પાડતી મા બાપુના તરફડિયા મારતા દેહ તરફ દોડી. સોહમ ખુદ તરફડિયા ખાતા બાપુને તાકી રહ્યો.. સોહમની લાલ થઈ ગયેલી આંખોમાંથી હજુ પણ અંગારા વરસી રહ્યા હતા. સોહમના મનમાં બાળપણથી જ બાપુ પ્રત્યેનો જે આક્રોશ લાવા બનીને ઊકળી રહ્યો હતો તે આજે જ્વાળામુખી બનીને ફાટ્યો હતો!

બાપુ બેઠા થવા ગયા, પણ સોહમ મગજ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. તેણે બાપુના પેટમાં જોરથી લાત ફટકારી ને તીવ્ર ચિત્કાર સાથે ક્ષણોમાં જ બાપુનો તરફડિયા ખાતો દેહ શાંત થઈ ગયો. ક્ષણિક આવેશનું પરિણામ હંમેશા ઘાતક હોય છે. થોડી ક્ષણો બાદ સોહમને ખ્યાલ આવ્યો કે તેના હાથે એક જીવતા જાગતા માણસની – એના કહેવાતા બાપની નિર્મમ હત્યા થઈ ગઈ હતી.

રૂમમાં સન્નાટો વ્યાપી ગયો હતો. મા -દીકરાની વચ્ચે બાપુની લાશ પડી હતી. સોહમ કાંઈ બોલે તે પહેલાં મા સ્વસ્થ થઈ ગઈ. તેણે ઊભા થઈને ઘરનો દરવાજો બંધ કરી દીધો. બાપુનું કાંડું પકડીને ખાતરી કરી કે બાપુના શરીરમાં જીવ બચ્યો નથી.

બેટા, આને હૉસ્પિટલે લઈ જવાનો કોઈ અર્થ નથી. તું જલદી હાથ ધોઈને કપડાં બદલી લે. આ ખૂન મેં કર્યું છે તેમ પોલીસ પાસે હું કબૂલી લઈશ.’પણ કેમ?’ સોહમે માની આંખમાં જોઈને પૂછયું.

કારણ કે હું તારી જનેતા છું… મારે તો હવે કેટલા દા’ડા કાઢવાના છે? જેલમાં કાઢી લઈશ. તારી પાસે તો આખી જિંદગી પડી છે. કોઈ આવે તે પહેલાં તું જલદીથી હાથ ધોઈને કપડાં બદલી લે.'ના મા, આ ખૂન મેં કર્યું છે.. જેલમાં પણ હું જ જઈશ.’ સોહમે મક્કમતાથી કહ્યું.દીકરા, જીદ ન કર. તારી આ અભાગણી માની આટલી વાત માની લે..' બોલતાં બોલતાં મા રડવા માંડી:દીકરા, સમાજ કહેશે કે એક દીકરાએ બાપને મારી નાખ્યો.’

`ભાડમાં જાય સમાજ.. આમ પણ એ ક્યાં મારો સગો બાપ હતો? અને ધારો કે હોત તોપણ જે પુરુષ પોતાના પરિવારની જવાબદારી લેવા તૈયાર ન હોય અને એક નિર્દોષ સ્ત્રી પર અત્યાચાર કરે એવા પુરુષને હું બાપ માનવા જ તૈયાર નથી.’ સોહમે એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું હતું.

છેલ્લા ચોવીસ કલાકમાં સોહમના જીવનમાં તેને હચમચાવી નાખતી આ બીજી દુર્ઘટના બની હતી. આંગડિયા લૂંટ કેસમાં પોલીસના ત્રાસથી બચવાનો આનંદ હજુ તો સોહમ માણે તે પહેલાં આ અણધારી આફત ત્રાટકી હતી. સોહમનો ઈરાદો આજે મા પાસેથી ખુદના સાચા બાપનું નામ જાણવાનો હતો, પરંતુ હવે….

સોહમ એક પણ શબ્દ બોલ્યા વગર ઘરની બહાર નીકળીને નજીકના પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો.
બીજા દિવસના દરેક અખબારમાં હેડલાઈન હતી: `એક દીકરાએ ગૃહક્લેશને કારણે પિતાને મોતને ઘાટ ઉતાર્યો.’
કોર્ટમાં કેસ ચાલ્યો અને સમય જતાં ચુકાદો આવ્યો એમાં સોહમને જન્મટીપની સજા થઈ હતી.

એકદમ સીધો સાદો દેખાતો સોહમ જન્મટીપની સજા ભોગવવા જેલમાં આવ્યો ત્યારે તમામ કેદીની આંખમાં વિસ્મય હતું. સોહમનો નિર્દોષ ચહેરો તેની આંખોમાં વ્યાપેલો ખાલીપો, વિષાદ અને શૂન્યતાને જોઈને તેના વિષે કોઈ પણ વ્યક્તિ માની જ ન શકે કે આ માણસે તેના બાપને મોતને ઘાટ ઉતાર્યો હશે. જેલમાં અન્ય પણ ખૂનના ગુના હેઠળ સજા ભોગવી રહેલા મોટી આંખોવાળા અને મોટી મૂછોવાળા ખૂનખાર કેદીઓ હતા. સોહામણો અને અતિશય ગંભીર દેખાતો સોહમ આ બધામાં અલગ જ તરી આવતો હતો. થોડા દિવસ બાદ સોહમને જેલમાં શિવાનીનો પત્ર મળ્યો હતો. સોહમે પત્ર વાંચવાનો શરૂ કર્યો..

સોહમ,આખરે તેં એ જ કરી બતાવ્યું જે તું એક વાર મારી પાસે બોલ્યો હતો… યાદ છે? આપણે રીવરફ્રન્ટની પાળે બેઠાં હતાં ત્યારે પણ મેં તને સમજાવ્યો હતો… બદલો લેવામાં બહાદુરી નથી, પણ માફ કરી દેવામાં બહાદુરી છે. કહેવાય છે કે નામ વગરનો સંબંધ હંમેશા બદનામ હોય છે. સદ્નસીબે આપણો સંબંધ બદનામ નહોતો કારણકે બાળપણથી લઈને યુવાની સુધીના પ્રેમના અંકુરો તેમાં રોપાયેલા હતા! કમનસીબે તારા આ એક જ પગલાએ આપણા નામ વગરના આ સંબંધનો પણ આજે અંત લાવી દીધો છે. જેના કપાળ પર પિતાના ખૂનનું કલંક હોય તેવા માણસને હું પતિ તરીકે ક્યારેય સ્વીકારી ન શકું….

-શિવાની શિવાનીનો પત્ર વાંચતી વખતે સોહમની આંખો ઝીલમિલાઈ. તે મનમાં જ બોલ્યો: શિવાની, મારે તને કઈ રીતે સમજાવવું કે એ મારો સગો બાપ નહોતો. મારી માને પરેશાન કરનાર એ એક મવાલી હતો. કમનસીબે એ અમારી સાથે એક જ છત નીચે રહેતો હતો…. રહી વાત ખૂનના કલંકની. રામ ભગવાને પણ જ્યારે માનવ અવતાર ધારણ કર્યો હતો ત્યારે અસૂરોનો સંહાર કર્યો જ હતો ને? વળી આ કોઈ પ્લાન કરીને કરેલું ખૂન નહોતું. બસ, આવેશમાં જ બધું બની ગયું….

જેલની બેરેકમાં સોહમ ક્યાંય સુધી હાથમાં એ પત્ર સાથે બેસી રહ્યો. તેની આંખમાંથી વહેતાં આંસુ એ કાગળને ભીંજવી રહ્યાં. જીવનમાં આઘાતની કેટલીક ક્ષણો એવી આવતી હોય છે કે માણસ અંદરથી તૂટી જતો હોય છે.. અનેક ટુકડાઓમાં વિખેરાઈ જતો હોય છે, ખાસ કરીને અંગત વ્યક્તિ જ્યારે દુખના સમયે સાથ છોડી દેતી હોય છે ત્યારે… બહુ અઘરું હોય છે, એ ટુકડાઓને સમેટીને ભેગા કરીને ઊભા થવાનું… આ એજ શિવાની હતી જે તેને દિલોજાનથી ચાહતી હતી. આજે જ્યારે સોહમને તેની હૂંફની જરૂર હતી ત્યારે જ શિવાનીએ તેની સાથે છેડો ફાડી નાખ્યો હતો.

સોહમ બંને હાથ વડે એ કાગળના ટુકડા કરતાં કરતાં સ્વગત બોલ્યો: `માણસ પર જ્યારે અણધારી આપત્તિ આવી પડે છે ત્યારે તેનો પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે. અત્યારે તારો કોઈ જ વાંક નથી, શિવાની.. વાંક મારી કિસ્મતનો છે. કાશ, મેં તને ચાહવાની ભૂલ ન કરી હોત તો આજે આટલી પીડા ભોગવવાનો વારો આવ્યો ન હોત!’ સોહમના મ્લાન ચહેરા પર દુનિયાભરની નફરત આવીને બેસી ગઈ હતી. એ દિવસથી સોહમ હસવાનું બિલકુલ ભૂલી ગયો હતો. શિવાનીએ આપેલા આઘાતના આંચકામાંથી સોહમ હજુ તો બહાર આવે તે પહેલાં તેના દિલને વધુ એક ધક્કો લાગે તેવા આઘાતજનક સમાચાર તેને મળ્યા હતા…
(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button