વીક એન્ડ

મારા ઘરનાં બે ખૂણાં: મનીપ્લાંટ’ નેકેક્ટસ’

શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ

આખરે મેં કુંડામાં મનીપ્લાંટ'ની ડાળી વાવી. પત્ની ક્યારનીયે કહેતી હતી કેડ્રોઈંગરૂમ’માં `મનીપ્લાંટ’ રાખીએ, લકી હોય, પૈસા આવે! ચલો, ફાઇનલી પત્ની ખુશ! હવે એનાથી મોટું લક શું હોય?

અમે આગળની નાની ઓરડીને ડ્રોઈંગરૂમ' કહીએ. અહીં એક પાટ છે, બે ટિપાઇ ને ટેબલ પર પુસ્તકો -છાપાં વેરવિખેર. ક્યારેક એ ઓરડીને સજાવવાનો ઉત્સાહ ઊભરાઇ આવે ત્યારે બધી ચોપડીઓને ગોઠવીએ, ટેબલ વ્યવસ્થિત કરી નાખીએ, જેથી ફરીથી એહતું એવું ને એવું’ જ એ લઘરવઘર થઈ શકે!

મિડલક્લાસનો માણસ, 2 રૂમરસોડાને સંભાળવામાં જ આખી જિંદગી કાઢી નાંખે. જો ડ્રોઈંગરૂમ માટે સોફા ખરીદે, તો રસોડામાં અનાજ ઘટી પડે. પલંગ માટે નવી ચાદર ખરીદીએ તો લાઇટનું બિલ રહી જાય એટલે જ હવે મેં ઘરને ડ્રોઇંગરૂમ, કિચન ને બેડરૂમમાં એમ 3 ભાગમાં માનવાનું બંધ કર્યું. આખા ઘરને ઘર' જ કહેવાનું. દેશમાં 90 % આવું જ કરે છે. જે લોકો તુલસીનો છોડ વાવે છે, એ પાડોશીના ઘરેથી ફૂલો ચોરીને ડેકોરેશન કરે, પેંટને ખીંટી પર ટાંગીનેચડ્ડો’ પહેરી ફરે ને પછી `પગારમાં મહિનો કેમ કાઢવો’ એમાં ગણિતજ્ઞાન ઘસી નાખે!

આ દેશમાં જે નવરાં લોકો રસ્તા પરનાં અજાણ્યાઓનાં સરઘસને ખૂબ ઉત્સાહથી જુએ, પણ પોતાનાં ઘરનાં જ સગાઓ કે મહેમાનને ટાળે, એવામાંનો હુંયે છું. આમ તો મનીપ્લાંટ રાખવો મારી મૂર્ખતા છે. તમે જ કહો, મનીપ્લાંટ ઉર્ફ `પૈસાનો છોડ’ મારા ઘરે શું કામ ઊગે ને અહીં પૈસા લાવે? જોકે તોયે હું પાણી તો આપીશ ને એમાં હું કોઇ બંગલાવાળાથી કમ નથી હોં… પણ હા, જો છોડમાં પાણીની બદલે દૂધ આપવાનું હોત તો હું હારી જાત. પછી એક બંગલાવાળા બાળકની સરખામણીએ મધ્યમવર્ગના બાળકની જે દુર્દશા થાય એવી જ આ મનીપ્લાંટની પણ હાલત થઇ હોત. જુઓને, હુંયે પાણી પીપીને ભૂખ્યો રહીને હજી સુધી જીવી ગયોને? તો આ છોડ પણ જીવી જશે!

જોકે મનીપ્લાંટમાં મની' શબ્દનો જ વટ છે. જેમ આપણે ત્યાંમની-ઓર્ડર’ આવે તો ચાલીમાં ઇજ્જત વધી જાય એમ! જે હોય તે પણ મનીપ્લાંટ' લગાવવાથી મિત્રો સામે થોડી ઇજ્જત તો વધે જ, હોં! જોકે મનીપ્લાંટમાં સુગંધ જરાયે નથી. આમેયમની’ ઉર્ફ `પૈસા’માં પણ ક્યાં ખુશ્બુ છે?

પડોશીઓ મનીપ્લાંટની ડાળી લઈ જાય ને પોતાને ત્યાં વાવે. જેમ બેંકની કે કોઈ મોટી કંપનીની બીજી શાખાઓ ખૂલે એમ `મનીપ્લાંટ’ને જ્યાં વાવો ત્યાં ઊગી નીકળે. જેમ એક શેઠિયા નવો ધંધો શરૂ કરે. પછી પૈસા પાંદડાની જેમ ફૂટે. હવે ધીમેધીમે એ ધંધાની અનેક શાખાઓ બને, જેના પર પૈસા ફૂટે રાખે ને એ બધું જાય શેઠના ખિસ્સામાં. બસ, એક પહેલી ડાળી ખુદની મૂડી કે મહેનતની છે. બાકીની બ્રાંચ કે શાખાઓ તો મજૂરોનાં પરસેવાથી પૈસા કમાવી આપે. એમ..સમજ્યા મની અને મનીપ્લાંટને?.

મનીપ્લાંટની જેમ દેશમાં શેઠિયાઓનાં ધંધાઓમાં પણ નવી કૂંપળો ફૂટે છે: જેનું નામ બ્લેક મની'.ઇન્કમટેક્સ’ નહીં ભરવાનો, બોનસ દબાવી દેવાનો, પગારમાં કાપ, નકલી ખાતા, નકલી ખર્ચ, ખોટ બતાડવાની, નકલી શેરધારકો' આ બધાંને રાવણના માથાની જેમ વધારવાના. આ બધું જાણેમનીપ્લાંટ’ની અનેક શાખાઓ .

વળી આવા મનીપ્લાંટ' તો શુદ્ધ શાણાંપ્રાઇવેટસેક્ટર’ કંપની જેવા છે. સરકારની દયાથી એ ચાલે. વીજળી, પાણી, રસ્તા, એરપોર્ટ બધું પ્રાઇવેટ કંપની નામના મનીપ્લાંટની શાખાઓ. દેશના હવા, પાણી, ખનીજ, જમીન પર એમનો બિંદાસ અધિકાર હોય. પછી દેશની બિચારી પ્રજાને એમાંથી ફળફૂલ મળે કે ના મળે, પણ મનીપ્લાંટનાં પાંદડા ખીલે જ ખીલે. રૂમની સુંદરતા જેમ દેશની સુંદરતા પણ એમાં જ છે. ભલેને ફેક્ટરીઓ અને મશીનો, આસપાસનાં ગંદા ઝૂંપડાઓથી ઘેરાયેલા રહે.

બીજી બાજુ, દેશમાં ગરીબોની સમસ્યાવાળો સમાનતાની જૂઠી વાતોનો સમાજવાદી ઇકોનોમીનો, થોરની પણ ઊભો છે. એના માટે પાણી નથી, કોઇ ટેકો નથી, છતાંયે હજી જીવે છે. માટે જ મેં દીવાનખાનાની બીજી બાજુએ એક કેકટસ પણ લાવીને મૂક્યો છે. કેકટસ એટલે ગામડાં પાસે આડેધડ ઊગી નીકળતા સુક્કાભઠ્ઠ કાંટાળા થોર. એની નજીક પવન આવે કે ન આવે. કેક્ટસ તો પવનની આશામાં જ જીવી જાય અને આખું જીવન પાણીની રાહ જુવે રાખે.

કોઇએ મને કહ્યું: કેક્ટસને વધારે પાણી ન આપો,મૂળિયાં સડી જશે. એની આસપાસ સૂકી રેતી નાખો. પણ આવી ક્રૂરતા મારાથી નથી થતી, હું તો દરરોજ કેક્ટસનેય પાણી આપું. મનીપ્લાંટની જેમ એય વધી રહ્યો છે. એનીયે શાખાઓ ઝડપથી ખીલે છે. એ લીલું દેખાય છે પણ તોયે રહે છે તો બિચાં કાંટાવાળું જ ગરીબોનાં જીવન જેવું! એની સામે પેલું શાણું `મનીપ્લાંટ’ વેપારી વૃત્તિ ધરાવે છે, જેમાં લચકતા છે, એને આગળપાછળ વળીને પરિસ્થિતિને અનુકૂળ થઇ શકે છે, ઉપરવાળાની જેમ સરકારનો એને આશીર્વાદ છેને?

બિચારા કેક્ટસને પાણી મળતું નથી એટલે એમાં લચકતા નથી. એ અકડથી સીધો ઊભો રહીને કોઈ કૂલીને પૂરી મજૂરી ના મળે તો જે રીતે ગુસ્સાથી ગ્રાહકને ઘુરે, એવી જ રીતે કેક્ટસ પણ ગુસ્સામાં ઘુરતો હોય છે! આ ગુસ્સો, આ ચીડિયાપણું એની ભૂખલાચારી છે. આ માટે જ છોડ વાવવાનાં મામાલામાં હું આપણાં ગરીબ દેશને અનુસં છું..એટલે જ મેં ઘરમાં મનીપ્લાંટ' નેકેક્ટસ’ બેઉ રોપ્યા છે. અંદરથી હું ઇચ્છું છું કે આજે જુંડામાં મનીપ્લાન્ટ' ખીલ્યો છે તો કાલે ઘરમાંમની’ પણ આવશે. આવતીકાલે આ છોડ જ કલ્પવૃક્ષમાં ફેરવાઈ જશે. ક્યારેક એમાં લીલા પાંદડાને બદલે, 500 રૂપિયાની લીલી નોટ ઊગવા માંડશે, પછી હું એક પાંદડું તોડીને શાકભાજી ખરીદવા જઇશ! હું દરરોજ સવારે આવી આશાઓ સાથે મનીપ્લાંટમાં પાણી રેડે રાખું છું. -પણ મારી હાલત તો છે..પેલા કેકટસ જેવી જ છે: સૂક્કીભઠ્ઠ!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button