સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર ક્લિક કરશો તો ડેટા ચોરી થઇ જશે! એડવાઈઝરી જાહેર કરવામાં આવી
નવી દિલ્હી: સાયબર ક્રિમીનલ્સ સત્તાવાર વેબસાઇટ જેવી દેખાતી વેબસાઈટ બનાવીને લોકોનો ડેટા ચોરી કરતા હોય છે. એવામાં સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ જેવી જ એક ફ્રોડ વેબ સાઈટ (Supreme court fake website) લાઇવ કરવામાં છે. સુપ્રીમ કોર્ટે એક નોટિસ જાહેર કરીને લોકોને નકલી વેબસાઇટ્સથી દૂર રહેવા કહ્યું છે.
કોર્ટે પોતાની નોટિસમાં કહ્યું છે કે સત્તાવાર વેબસાઇટ જેવી દેખાતી આ વેબસાઇટ્સ દ્વારા લોકોનો પર્સનલ ડેટા ચોરી થઇ શકે છે, જેનો ઉપયોગ સાયબર ક્રિમીનલ્સ ફિશિંગ એટેક કરવા માટે કરી શકે છે.
આપણ વાંચો: સુરત પોલીસે ચાર સાયબર ક્રિમીનલ્સની ધરપકડ કરી, દેશભરમાં 200 FIR નોંધાયેલી છે
સુપ્રીમ કોર્ટની ચેતવણી:
સાયબર ક્રિમીનલ્સ વોટ્સએપ અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા નકલી વેબસાઇટ્સ શેર કરી રહ્યા છે. આ નકલી વેબસાઇટ્સની URL પર ક્લિક કરવાથી પર્સનલ ડેટા સહિત ઘણી સંવેદનશીલ માહિતી હેક થઇ શકે છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે એક એડવાઈઝરીમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ ક્યારેય કોઈ યુઝરની અંગત માહિતી, નાણાકીય માહિતી વગેરે માંગતી નથી. આવી સ્થિતિમાં, લોકોએ આવી કોઈપણ વેબસાઇટ પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ www.sci.gov.in છે. કોઈએ બીજી કોઈ વેબસાઇટ પર ક્લિક ન કરવી.
આપણ વાંચો: ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની પ્રશંસનીય કામગીરી; એક વર્ષમાં આટલા કરોડ રિકવર કર્યા
કોર્ટ અગાઉ પણ ચેતવણી આપી ચુકી છે:
આ પહેલા પણ ગત વર્ષે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે પણ લોકોને સુપ્રીમ કોર્ટના નામે ચાલતી નકલી વેબસાઇટ્સથી દૂર રહેવા કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે પોતાની નોટિસમાં વાદી અને પ્રતિવાદી તેમજ વકીલોને આવી નકલી વેબસાઇટ્સથી દૂર રહેવા જણાવ્યું હતું. ભારતમાં જે રીતે ઓનલાઈન છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને લોકોએ સાવધ રહેવાની જરૂર છે.